વિશ્વના સૌથી મોટા ગૌ ગોબર પેઈન્ટીંગનું લોકાર્પણ:પેઈન્ટીંગમાં શ્રી કૃષ્ણની લીલાઓને રંગ અને પીંછી વડે કંડારવામાં આવી
અમદાવાદના સાયન્સ સિટી રોડ પર મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજિત ભવ્ય શિવકથામાં પરમ પૂજ્ય લંકેશબાપુના હસ્તે વિશ્વના સૌથી મોટા ગૌ ગોબર પેઈન્ટીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અદ્દભુત અને અકલ્પનીય પેઈન્ટીંગ નિહાળી લંકેશબાપુ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમના મુખેથી 'વાહ... અદ્દભુત' શબ્દો સરી પડ્યા હતા. આ ગૌ ગોબર પેઈન્ટીંગ 7 ફૂટ લાંબુ અને 4 ફૂટ પહોળું છે. એક કલાકારે સતત 140 કલાકની મહેનત કરીને આ અદ્દભુત કલાકૃતિનું સર્જન કર્યું છે. આ પેઈન્ટીંગમાં શ્રી કૃષ્ણના પ્રાગટ્યથી લઈને દેહત્યાગ સુધીની લીલાઓને રંગ અને પીંછી વડે કંડારવામાં આવી છે. પેઈન્ટીંગમાં શ્રી કૃષ્ણ, ગોપીઓ, ગોવર્ધન પર્વત, નાગ દમન અને મહાભારતના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે, તેમાં શ્રી કૃષ્ણના ૧૦૮ દિવ્ય મંત્રો પણ લખેલા છે. આ અદ્દભુત પેઈન્ટીંગ નિહાળી હજારો શિવભક્તો પ્રભાવિત થયા હતા અને કલાકારને ધન્યવાદ આપ્યા હતા. ગૌ ગોબરનું પેઈન્ટીંગ સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે અને વાયરલ, વાયરસ તથા સૂક્ષ્મ જીવાણુઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે તેવું માનવામાં આવે છે. મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ દ્વારા આયોજિત આ શિવકથા સાંભળવા હજારો શિવભક્તો ઉત્સાહભેર પધારે છે. શ્રદ્ધાળુઓએ આસ્થા અને શિસ્તબદ્ધ રીતે દર્શન કર્યા હતા. દરરોજ રાત્રે દિવ્ય અને અલૌકિક ભૌતિક પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. શિવકથામાં મોટી દિવ્ય આરતી ઉતારવી એ જીવનનું કાયમી સંભારણું બની રહી છે. કથાનું શ્રવણ કરવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પરિવારજનો, પૂર્વ આઈપીએસ જે.કે. ભટ્ટ અને ગુજરાત રાજ્ય મહિલા બાળ સંરક્ષણના અધ્યક્ષ ધર્મિષ્ઠા ગજ્જર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લંકેશબાપુના હસ્તે સન્માન કરાયું હતું. પૂજ્ય લંકેશબાપુ દ્વારા સિદ્ધ કરાયેલો ભૌતિક પ્રસાદ, કર્ણપ્રિય સંગીત, સ્વચ્છતા અને વ્યવસ્થા લોકપ્રિય બની રહ્યા છે. દાનેશ્વરી દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહી રહ્યો છે. હજારો શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, પ્રસાદ, ભૌતિક પ્રસાદ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાના અંતિમ દિવસે વિશાળ અને સિદ્ધ કરાયેલા શિવલિંગ પર 251 શ્રદ્ધાળુઓ દ્વારા દ્રવ્ય અભિષેક કરવામાં આવશે.
Read Original Article →