મહિલાએ મિત્રતા રાખવા ના પાડતા તેના ઘરમાં ગાંજો મુક્યો:બંને પરણીતની સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી, કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Gujarat5/26/2026, 3:15:41 PM
મહિલાએ મિત્રતા રાખવા ના પાડતા તેના ઘરમાં ગાંજો મુક્યો:બંને પરણીતની સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ હતી, કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદના ઘાટલોડિયા પોલીસ મથકે ચાલુ વર્ષે NDPS એક્ટ અંતર્ગત નોંધાયેલી ફરિયાદમાં ઘાટલોડિયા પોલીસે 27 વર્ષીય આરોપી યશ દેસાઈની અટકાયત કરીને તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદ મેટ્રો કોર્ટે તેના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. બંને પરણીતની સોશિયલ મીડિયામાં મિત્રતા થઈ ને ના પાડતા ઘરમાં ગાંજો મુક્યો આ કેસને વિગતે જોતા આરોપી એક મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફતે સંપર્કમાં આવ્યો હતો. તે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. જો કે મહિલાના ઘરના લોકોને તેની આરોપી સાથેની મિત્રતા પસંદ નહોતી, વળી બંને પરણીત પણ હતા. આથી મહિલાએ આરોપીને મિત્રતા રાખવાની ના પાડી હતી. જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ મહિલાના ઘરની ગેલેરીમાં 166 ગ્રામ જેટલો ગાંજો મૂકીને જતો રહ્યો હતો. પોલીસે આરોપીને CCTVના આધારે શકમંદ તરીકે ઝડપી પાડ્યો આ સંદર્ભે મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને CCTVના આધારે શકમંદ તરીકે ઝડપી પાડ્યો હતો. તેમજ મહિલાએ પણ આરોપીએ જ આ કૃત્ય કર્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. CCTVમાં મહિલાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. આરોપીના રીમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે આરોપીને ગુનામાં કોણે સહકાર આપ્યો છે તે જાણવાનું છે. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો તે જાણવાનું છે, હાલમાં તે સુરતથી લાવ્યો હોવાનું જણાવી રહ્યો છે. તેના કોલ ડેટા રેકોર્ડની તપાસ કરવાની છે. અગાઉ વસ્ત્રાપુર પોલીસ મથકે તેની સામે ગુનો થયેલો છે. તેમજ ફરીયાદી મહિલાએ અગાઉ પણ આરોપી સામે અરજી આપતા તેની સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. તે 49 દિવસે મળી આવ્યો છે. ઉપરોક્ત રજૂઆતોને આધારે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Read Original Article →