ABVPનું તોફાન, GCASની ઓફિસનો દરવાજો ઉખેડી નાખ્યો:પોલીસ સાથે પણ ઘર્ષણ, એડમિશન પ્રક્રિયામાં આવતી ખામી અંગે સવાલ કરતા અધિકારી ભાગ્યા

Gujarat5/20/2026, 8:08:31 AM
ABVPનું તોફાન, GCASની ઓફિસનો દરવાજો ઉખેડી નાખ્યો:પોલીસ સાથે પણ ઘર્ષણ, એડમિશન પ્રક્રિયામાં આવતી ખામી અંગે સવાલ કરતા અધિકારી ભાગ્યા
ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (GCAS)ની એડમિશન પ્રક્રિયામાં સર્જાયેલી વિવિધ તકનીકી ખામીઓ અને વિસંગતતાઓના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં આવેલી નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ની કચેરી ખાતે વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતાં કાર્યકરોએ GCASની ઓફિસનો મુખ્ય દરવાજો તોડી પાડ્યો હતો, જેને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થીઓને પડતી મુખ્ય મુશ્કેલીઓ અધિકારીએ યોગ્ય જવાબ આપ્યા વગર ચાલતી પકડી વિદ્યાર્થીઓને GCASમાં થઈ રહેલી સમસ્યાઓ ક્યારે દૂર થશે, તેને લઈને દિવ્ય ભાસ્કરે GCASના અધિકારીને સવાલ કરતા આમતેમ ભાગવા લાગ્યા હતા. વધુ ઘેરાઈ જતાં વિદ્યાર્થીઓનું સમસ્યાનું નિરાકરણ લાવવા ગાંધીનગર રજૂઆત મોકલી આપીશું, ત્યાંથી જ નિર્ણય લેવાશે તેવું કહી અધિકારીએ ચાલતી પકડી હતી. અધિકારીઓના સંતોષકારક જવાબ ન મળતાં સ્થિતિ વણસી મળતી માહિતી મુજબ, GCAS પોર્ટલ દ્વારા કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમાં અનેક ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. આ મુદ્દે રજૂઆત કરવા ગુજરાત યુનિવર્સિટીથી મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ રેલી યોજી GCASની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં GCASમાં પ્રવેશ કરે તે પહેલા તેમને ગેટ બંધ કરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અંદર આવી ગયા હતા. ઓફિસનો દરવાજો તોડી નાખ્યો, બહાર બેસીને રામધૂન બોલાવી જે બાદ અલગ-અલગ માંગણીઓને લઈને અધિકારીઓને રજૂઆત કરવા માટે બહાર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ કોઈપણ પ્રકારની માંગણી સાંભળ્યા વગર યોગ્ય જવાબ આપ્યા વગર ચાલતી પકડી હતી, જેથી વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા હતા. GCASના અધિકારીઓ જવાબ આપ્યા વગર નીકળી જતા રોષે ભરાયેલા કેટલાક કાર્યકર્તાઓ GCAS ઓફિસ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ રોકવાનો પ્રયાસ કરે તે પહેલા જ મેઈન એન્ટ્રી ગેટ તોડી નાખવામાં આવ્યો હતો. જે બાદ બહાર બેસીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રામધૂન બોલાવીને ઉગ્ર નારા લગાવ્યા હતા. વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલી અને ABVPની માગ ABVPના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરતા એડિટનો વિકલ્પ નથી, જેથી નવું ફોર્મ જ ભરવું પડે છે. ફોર્મ ભર્યા બાદ રજિસ્ટ્રેશન માટેનો OTP નથી આવતો. CBSEના વિદ્યાર્થીઓ એડમિશન ક્વોટા અંગે કોઈ સ્પષ્ટતા નથી. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની કોઈ જોગવાઈ નથી. વિદ્યાર્થીઓ જ્યારે GCASના હેલ્પલાઇન નંબર પર ફોન કરે, ત્યારે તેમને યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. GCAS પોર્ટલમાં એક વખત ફાઇનલ સબમિટ આપ્યા બાદ વિદ્યાર્થીઓને વિગતો એડિટ કરી શકતા નથી, જેથી તે અંત સુધીમાં પણ એડિટ કરવાનો વિકલ્પ આપવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરી છે. તેમજ 300 કેટલી ફી લેવા છતાં વિદ્યાર્થીઓ માટે કોઈ દરેક કોલેજ કે યુનિવર્સિટી ખાતે કોઈપણ પ્રકારનું હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું નથી, જેથી તે શરૂ કરવામાં આવે તેવી પણ માગ છે. CBSEના વિદ્યાર્થીઓને 10 ટકા જેટલી જ બેઠક પર પ્રવેશ આપવામાં આવશે, તેવી ચર્ચા ચાલી રહી છે, જેથી તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.
Read Original Article →