Apk ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:ગેસ કનેક્શન કાપી નાખીશું કહીને ફાઇલ ડાઉનલોડ કરાવી યુવકના ખાતામાંથી 6.68 લાખ ઉપડી ગયા

Gujarat5/20/2026, 8:27:05 AM
Apk ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:ગેસ કનેક્શન કાપી નાખીશું કહીને ફાઇલ ડાઉનલોડ કરાવી યુવકના ખાતામાંથી 6.68 લાખ ઉપડી ગયા
અમદાવાદના હાંસોલમાં રહેતા યુવક સાથે સાઇબર ગઠિયાઓએ ગેસ કનેક્શન કાપી નાખવાનું કહીને apk ફાઇલ ડાઉનલોડ કરાવી હતી.ગઠિયાઓએ યુવકના ફોનનું એક્સેસ મેળવીને યુવકની જાણ બહાર અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને યુવકના ખાતામાંથી 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.યુવકને આ અંગે જાણ થતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. આ રીતે આખો ખેલ કર્યો હાંસોલમાં રહેતો 35 વર્ષીય યુવક રેડીમેડ કપડાનો વેપાર કરે છે. યુવકના મોબાઈલ પર વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો.જેમાં સાબરમતી ગેસ લિમિટેડની નોટિસ હતી. આ નોટિસમાં લખ્યું હતું કે તમારું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જેથી યુવકે જે નંબર પરથી મેસેજ આવ્યો તેમાં વોટ્સએપ કોલ કર્યો હતો. સામે વાત કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે હું તમને ફાઈલ મોકલી આપું છું, જેમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો અને તમારી જૂની એપ્લિકેશન અપડેટ નથી. જેથી અમારી પાસે તમારી માહિતી નથી. ગઠીયાઓના કહ્યા મુજબ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં વિગતો પણ એડ કરી હતી.જે બાદ ગઠીયાઓએ યુવકને કહ્યું તે પ્રમાણે યુવકે 12 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું હતું. ફોનનું એક્સેસ મેળવીને ગઠિયાઓએ ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવ્યા યુવકે બેંકની વિગતો નાખી તે બાદ 30 મિનિટ રાહ જોવાનું જણાવ્યું હતું. થોડા સમયમાં જ યુવકના ફોનનું એક્સેસ મેળવીને ગઠિયાઓએ ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા યુવકના ખાતામાંથી કુલ 6.68 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.યુવકને પૈસા ઉપાડ્યાના મેસેજ આવતા બેંકમાં જઈને તપાસ કરી ત્યારે યુવક સાથે સાઇબર ક્રાઇમ થયાની જાણ થઈ હતી.આ અંગે યુવકે સાયબર ક્રાઇમમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →