150 પેસેન્જરના જીવ અધ્ધર થયા:એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ફ્લાઈટને પક્ષી અથડાયું
અમદાવાદ એરપોર્ટ બર્ડહિટ માટે હોટસ્પોટ સાબિત થઈ રહ્યું છે. રવિવારે બપોરે અંદાજે 1.30 વાગ્યે દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન જોરદાર બર્ડહિટનો ભોગ બની હતી. ફાઈનલ એપ્રોચ પર રહેલા વિમાનના આગળના ભાગ સાથે પક્ષી અથડાવાનો જોરદાર અવાજ સંભળાતા જ પાયલોટે સુરક્ષાના ભાગરૂપે રનવે ટચ કર્યા બાદ તરત જ વિમાનને ફરી હવામાં ઉડાડી દીધું હતું. આકાશમાં એક ચક્કર માર્યા બાદ બીજા પ્રયત્ને પાયલોટે ફ્લાઈટનું સફળ અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ અણધારી ઘટનાથી ફ્લાઇટમાં સવાર 150 મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને મુસાફરો ગભરાઈને કેબિન ક્રૂ પાસે માહિતી માંગતા રહ્યા હતા. ઘટના બાદ એરપોર્ટની એન્જિનિયરિંગ ટીમે તપાસ કરતા એરક્રાફ્ટના આગળના નોઝ ભાગને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યાં લોહીના ડાઘ જોવા મળતા કોઈ મોટું પક્ષી (સંભવતઃ સમડી) અથડાઈ હોવાની આશંકા છે. આ કારણોસર એરક્રાફ્ટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દેવાતા અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી, જેના લીધે અન્ય 160 મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા.
Read Original Article →