દુર્ઘટનાનું ચોંકાવનારું વિશ્લેષણ:કરોડોની ફાયર સિસ્ટમ દીવાલો પર શોભાના ગાંઠિયા સમાન, ટ્રેનિંગના અભાવે ‘ગોલ્ડન અવર’ ચૂકાયો
શહેરમાં તાજેતરમાં લાગેલી પાંચ મોટી આગમાં આધુનિક સેફ્ટી સાધનો ઉપલબ્ધ હોવા છતાં, લોકોમાં પ્રાયોગિક ટ્રેનિંગના અભાવે સામાન્ય આગ વિકરાળ બની હતી. કટોકટીના સમયે લોકો શરૂઆતની 3થી 5 મિનિટનો ‘ગોલ્ડન અવર’ ચૂકી જતાં કરોડોની ફાયર સિસ્ટમ દીવાલો પર શોભાના ગાંઠિયા સમાન લટકતી રહી. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા દર મહિને સરેરાશ 45જગ્યાએ ફ્રી તાલીમ અપાય છે, પરંતુ 700 લોકોની વસ્તીવાળા બિલ્ડિંગમાંથી માત્ર 30-40લોકો જ હાજર રહે છે. લોકોમાં ગંભીરતાનો આ અભાવ જ મોટી દુર્ઘટનાઓ નોતરે છે. SG હાઈવે પર બારીના કાચ તોડી 100ને બહાર કઢાયા હતા 1. સોલિટેર બિલ્ડિંગ (એસ.જી. હાઈવે): ત્રીજા માળે ઓફિસમાં શોર્ટ સર્કિટ બાદ સ્ટાફે સિલિન્ડર ન વાપરતાં આગ પાંચમા માળ સુધી પ્રસરી. 100 લોકોને બારીઓ તોડી બચાવવા પડ્યા. 2. રત્નાકર-૩ ફ્લેટ: હાઈરાઈઝ બિલ્ડિંગમાં સ્થાનિક લોકો સમયસર સિસ્ટમ એક્ટિવેટ ન કરી શકતાં ભારે અફરાતફરી મચી. 3. સાંગ્રીલા-2 આર્કેડ (શ્યામલ) : એટીએમમાંથી શરૂ થયેલી આગ પાર્કિંગ સુધી પહોંચી, જિમ-ઓફિસના 25 લોકો ફસાયા. સ્ટાફ ટ્રેન્ડ હોત તો પ્રાથમિક આગ ત્યાં જ ડામી શકાત. 4. સ્કાયસિટી રિવેરા ઇલાઇટ (શેલા) : એસીમાં શોર્ટ સર્કિટ બાદ સેફ્ટી સાધનોનો તાત્કાલિક ઉપયોગ ન થતાં લાકડાના ઇન્ટિરિયરને કારણે આખો ફ્લેટ બળીને ખાખ થયો. 5. રાધા કોમ્પ્લેક્સ (આનંદનગર) : કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ક્લિનિકમાં આગ લાગી હતી. સદનસીબે તે સમયે દર્દીઓ નહોતા, પરંતુ સ્ટાફ લેવલે જો ફાયર ટ્રેનિંગનો ક્વિક રિસ્પોન્સ હોત, તો ફાયર ફાઈટરોની ગાડીઓ આવે તે પહેલાં જ નાની આગ પર કાબૂ મેળવી શકાયો હોત.
Read Original Article →