કફ સીરપના કાળા કારોબારનો પર્દાફાશ:ફતેહવાડીમાંથી SOGએ 852 કફ સીરપની બોટલ સાથે રિક્ષાચાલક યુવકની ધરપકડ કરી, ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો તેની તપાસ
અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજા બાદ હવે કફ સીરપ પણ યુવાનો અને શ્રમિકો માટે નશાનું સરળ સાધન બની રહ્યું છે. નશાના આ કાળા કારોબાર સામે અમદાવાદ એસઓજી (SOG)ની ટીમને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં આવેલા મન્નત ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રહેણાંક ઘરમાંથી ગેરકાયદેસર રાખેલો 852 બોટલ કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કફસીરપ સાથે રિક્ષાચાલક યુવકની ધરપકડ
આ મામલે પોલીસે ગેરકાયદે વેપાર કરતા એક રિક્ષાચાલક યુવક મહંમદ જાવેદ ઉર્ફે રોગની અફઝલખાન પઠાણની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી પોતાના ઘરમાં જ આ જથ્થો રાખીને ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. ફતેવાડી વિસ્તાર લાંબા સમયથી નશાખોરીના હબ તરીકે ચર્ચામાં રહ્યો છે, જ્યાં સાંજ પડતાની સાથે જ કેટલાક તત્વો રિક્ષા અને અન્ય વાહનો દ્વારા કફ સીરપનો નશો વેચતા હોવાનું સામે આવ્યું છે. સપ્લાય ચેઈનનું નેટવર્ક તોડવા પોલીસની તપાસ
છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને શ્રમજીવીઓ દિવસભરની મહેનત બાદ ગાઢ નિંદ્રા માટે અને યુવાનો નશાની મજા મેળવવા માટે આ સીરપનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં એસઓજીની ટીમે કફ સીરપનો જથ્થો કબજે કરીને આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં કફ સીરપ ક્યાંથી આવતું હતું અને ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા તથા શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફેલાયેલી આ આખી સપ્લાય ચેઇનનું નેટવર્ક તોડવા પોલીસે તપાસ તેજ કરી છે.
Read Original Article →