સ્વરોજગારીની સાંકળ:સંસ્થાની દરેક મહિલા દર મહિને 20 મહિલાને વ્યવસાયની તાલીમ આપે છે
શહેરની એક સંસ્થા 104 મહિલા માટે આશીર્વાદ સમાન બની છે. શહેરમાં અનોખી પહેલરૂપે કાર્યરત ‘ધરતી વિકાસ મંડળ’ મહિલાઓને માત્ર રોજગાર જ નહીં, પણ આત્મવિશ્વાસ અને સ્વાભિમાન સાથે જીવન જીવવાની તક આપી રહી છે. આ સંસ્થાની વિશેષતા એ છે કે સમગ્ર સંચાલનથી લઈને ઉત્પાદન અને વેચાણ સુધીનું દરેક કાર્ય મહિલાઓ જ સંભાળે છે. એક જ બિલ્ડિંગમાં મહિલાઓ ગાંઠિયા, ફૂલવડી, પૂરી, ચવાણાં સહિતનાં ફરસાણ તૈયાર કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. આ કાર્યથી મહિલાઓ મહિને રૂ.10 હજારથી 15 હજાર સુધીની આવક મેળવી રહી છે. સંસ્થા માત્ર રોજગાર પૂરતી સીમિત નથી રહી. અહીં મહિલાઓને સ્વરોજગારી માટે તાલીમ પણ અપાય છે. એક મહિલા દર મહિને આશરે 20 અન્ય મહિલાને ફરસાણ બનાવવાની અને ઘરઆધારિત વ્યવસાય ઊભો કરવાની તાલીમ આપે છે. મહિલાઓ હવે આત્મનિર્ભર બની પરિવારનું સંચાલન કરી રહી છે. ‘રસોઈ કળા અમારા માટે આવકનું સાધન બની’
મંડળનાં દક્ષાબેનના જણાવ્યા મુજબ ઘરગથ્થુ કામ સુધી સીમિત રહેલી અનેક મહિલાઓ હવે પોતાની રસોઈ કળાને રોજગારમાં ફેરવે છે. મહિલાઓ ફરસાણ બનાવવાની તાલીમ બાદ મહિલાઓ પોતાના પગ પર ઊભી થઈ રહી છે. સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે
મંડળની સૌથી મોટી વિશેષતા એ છે કે ખરીદીથી લઈને ઉત્પાદન, પેકિંગ, હિસાબ અને વેચાણ સુધીની દરેક જવાબદારી મહિલાઓ જ સંભાળે છે. શહેરમાં આ પ્રકારનું સંપૂર્ણ મહિલા સંચાલિત મોડલ વિરળ ગણાય છે.
Read Original Article →