અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી:ત્રણ મુસાફર પાસેથી દુબઈથી લાવવામાં આવેલો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપાયો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર દાણચોરીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સોનાના દાગીના અને નશીલા પદાર્થો બાદ હવે વિદેશી અને નકલી સિગારેટની દાણચોરીનું પ્રમાણ પણ વધ્યું છે. આજે, 13 મેએ એરપોર્ટના આગમન હોલ (Arrival Hall) ખાતે કસ્ટમ અધિકારીઓ દ્વારા રૂટિન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દુબઈથી અમીરાત ફ્લાઈટ નંબર EK-538 દ્વારા અમદાવાદ આવેલા ત્રણ મુસાફરના સામાન પર અધિકારીઓને શંકા ગઈ હતી. આ બાબતને ગંભીરતાથી લઈને કસ્ટમ્સની ટીમે ત્રણેય મુસાફરોને અટકાવ્યા હતા અને તેમના સામાનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામાનમાં ખૂબ જ ચતુરાઈથી છુપાવવામાં આવેલી મોટી સંખ્યામાં વિદેશી મૂળની સિગારેટ મળી આવી હતી. વિદેશી બ્રાન્ડની સિગારેટનો મોટો જથ્થો જપ્ત
અધિકારીઓએ હાથ ધરેલી આ તપાસમાં બે જાણીતી વિદેશી બ્રાન્ડની સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો છે. મોન્ડ (Mond) બ્રાન્ડના 280 બોક્સ અને ગુડાંગ ગરમ બ્રાન્ડની 286 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા.આ વિદેશી સિગારેટનો જથ્થો કોઈ પણ માન્ય દસ્તાવેજ વગર લાવવામાં આવ્યો હોવાથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ જોગવાઈઓ હેઠળ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આટલી મોટી માત્રામાં સિગારેટ કોના માટે લાવવામાં આવી હતી અને તેની પાછળ કયું નેટવર્ક કામ કરી રહ્યું છે. અગાઉ પણ કિંમતી પેન અને વિદેશી સિગારેટ સાથે મુસાફરો ઝડપાઈ ચૂક્યા હોવાથી એરપોર્ટ પર સુરક્ષા અને તપાસ વધુ કડક બનાવવામાં આવી છે.
Read Original Article →