મકરબામાં રેપીડો એપથી કેબ બુકીંગ કરીને 5 લાખની લૂંટ કરી:4 શખ્સો ડ્રાઈવરને બંધક બનાવીને છરીની અણીએ રોકડા, દાગીના અને ગાડી લૂંટી રફૂચક્કર થયા
અમદાવાદમાં રેપિડો એપ્લિકેશનથી કેબ બુક કરાવી ચાર અજાણ્યા શખ્સોએ ડ્રાઇવરને માર મારીને પૈસા, દાગીના અને ગાડી સહિત 5 લાખથી વધુની લૂંટ ચલાવી છે. લૂંટારૂઓએ ડ્રાઇવરને મારમારીને લૂંટી ગાડીમાંથી નીચે ઉતારી દીધો હતો. આનંદનગર પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બે વાગ્યે અચાનક રેપીડો એપ પર બુકિંગ કરાવ્યું હતું
રામોલ વિસ્તારમાં આવેલા શરણમ એલીગન્સમાં રહેતા રજનીકાંત રાવળ રોજની જેમ પોતાની કાર લઈને રાત્રે કમાણી માટે નીકળ્યા હતા. રાત્રે વેજલપુર ખાતે આવેલી રજવાડુ હોટલ પાસે બે મહિલા પેસેન્જરને ઉતાર્યા બાદ રજનીકાંત બીજી ટ્રીપની રાહમાં પ્રહલાદનગર વિસ્તારમાં ઉભા રહ્યા હતાં. રાત્રે લગભગ બે વાગ્યે અચાનક રેપીડો એપ પર એક બુકિંગ ફ્લેશ થયું. 'રોડ પર અંધારું અને આસપાસ કોઈ દેખાતું નહોતું'
કૃષ્ણધામ ઔડાનું પિકઅપ લોકેશન હતું, જેથી રજનીકાંતે તરત જ ટ્રીપ સ્વીકારી લીધી. કારણ કે મધરાતની ટ્રીપ એટલે વધુ કમાણી. જ્યારે તેઓ પીકઅપ લોકેશન પર પહોંચ્યા ત્યારે આખો વિસ્તાર શાંત હતો. રોડ પર અંધારું અને આસપાસ કોઈ દેખાતું નહોતું. રજનીકાંતે પેસેન્જરને ફોન કર્યો. રજનીકાંત કાર લઈને મકરબા ફાટક તરફ પહોંચ્યા ત્યારે ચાર શખ્સો ઉભા હતા, ચારેયને બેસાડીને રજનીકાંત ટ્રીપ શરૂ કરી હતી. યુવકે અચાનક છરી કાઢીને ડ્રાઇવરના ગળા પર મૂકી દીધી
કાર ધીમે ધીમે શહેરની લાઈટોથી દૂર અંધારામાં આગળ વધી રહી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. પરંતુ થોડા સમય બાદ એક યુવકે કહ્યું ભાઈ, કાર સાઈડમાં રાખો, બાથરૂમ જવું છે. ડ્રાઈવર સીટની પાછળ બેઠેલા યુવકે અચાનક છરી કાઢીને રજનીકાંત(ડ્રાઇવર)ના ગળા પર મૂકી દીધી હતી. ડ્રાઈવરને પાછળ બેસાડીને એક લૂંટારો કાર ચલાવા લાગ્યો
બાજુમાં બેઠેલા બીજા શખ્સે મુક્કા મારવાનું શરૂ કરી દીધું. બહાર ગયેલો યુવક પાછો આવ્યો અને રજનીકાંતને ડ્રાઈવર સીટ પરથી ખેંચીને બહાર કાઢી દીધા. ત્યારબાદ તેમને પાછળની સીટમાં બે લૂંટારૂઓની વચ્ચે બેસાડી દેવામાં આવ્યા જ્યારે એક શખ્સ કાર ચલાવવા લાગ્યો. 'કોઈને ફોન કરીને 1 લાખ મંગાવ, નહીં તો તને મારી નાખીશું'
લૂંટારૂઓએ રજનીકાંતનો મોબાઈલ કબજે કરીને બેંક એકાઉન્ટ ચેક કર્યું હતું.ઓનલાઈન બે હજાર ટ્રાન્સફર કર્યા બાદ ગળામાં પહેરેલી ચાંદીની ચેઈન પણ ખેંચી લીધી હતી. ત્યારબાદ આરોપીઓએ ધમકી આપી હતી. 'કોઈને ફોન કરીને 1 લાખ મંગાવ, નહીં તો તને મારી નાખીશું.' ડરના માર્યા રજનીકાંતે પોતાના મિત્રને ફોન કરીને એક લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ મધરાતે આવેલા ફોનને મિત્રએ મજાક માની લીધી હતી. કાર કેનાલ તરફ વળી લીધી ને રજનીકાંતને ઉતારી દીધો
આ દરમિયાન લૂંટારૂઓ સતત રજનીકાંતને માર મારતા રહ્યા હતાં. કોઈએ રૂપિયા મોકલ્યા નહીં અને આખરે આરોપીઓએ નિર્ણય લીધો અને કાર કેનાલ તરફ વળી લીધી હતી. લૂંટારૂઓએ રજનીકાંતને નીચે ઉતારી દીધા અને ધમકી આપી હતી કે, જો પોલીસમાં જઈશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું. ત્યારબાદ ચારેય શખ્સો કાર તેમજ રોકડ સહિતના ડોક્યુમેન્ટ લઈને ફરાર થઈ ગયા હતા. ગભરાયેલા શખસે ગેરેજના માલિકને વિગત જણાવી
લૂંટારૂઓ જતા રહ્યા બાદ ગભરાયેલા હાલતમાં રજનીકાંત સર્વિસ રોડ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ નજીકના ગેરેજના માલિકને ઊંઘમાંથી ઉઠાવીને સમગ્ર હકીકત જણાવી હતી. ગેરેજના માલિકે પોતાનો મોબાઈલ આપતા રજનીકાંતે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને મદદ માગી હતી.આનંદનગર પોલીસે સમગ્ર મામલે લૂંટ અને ધાડનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read Original Article →