દીવાન-બલ્લુભાઈ શાળામાં પ્રવેશોત્સવનો બીજો દિવસ ઉજવાયો:વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાયા
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ શાળામાં નર્સરી અને શિશુવર્ગના નવા વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનો બીજો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પર ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત નૃત્યથી થઈ હતી. વિદ્યાર્થીઓએ 'વૃક્ષ વાવો, જીવન બચાવો' વિષય પર નાટક રજૂ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શિક્ષકો દ્વારા રમૂજી ગીત અને 'પ્રાણી બચાવો' વિષયક પ્રેરણાદાયી ગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા. શાળાના કેમ્પસ કો-ઓર્ડિનેટર પાયલબહેન ઠાકોરે વાલીઓને પર્યાવરણ જાળવણી અને બાળકોના સર્વાંગી વિકાસ અંગે માહિતી આપી હતી. આચાર્ય બિપીનચંદ્ર પંચાલ અને વિભાગીય કો-ઓર્ડિનેટર પીનલબહેન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન હર્ષદભાઈ પટેલે કર્યું હતું. બાળકો અને વાલીઓએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો, જેના કારણે પ્રવેશોત્સવનો આ બીજો દિવસ આનંદમય અને યાદગાર બની રહ્યો હતો.
Read Original Article →