દીવાન-બલ્લુભાઈ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો:‘ફેરી એન્ડ ફ્લાવર’ થીમ પર નવા વિદ્યાર્થીઓનું સ્વાગત
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ શાળામાં નર્સરી અને શિશુવર્ગના નવા વિદ્યાર્થીઓ માટે 'ફેરી એન્ડ ફ્લાવર' થીમ આધારિત પ્રવેશોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ-તિલક અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા દરેક બાળકને હસ્તનિર્મિત સ્ટાર ભેટ સ્વરૂપે અપાયો હતો. પ્રવેશોત્સવની શરૂઆત પ્રાર્થના અને બાળવર્ગની વિદ્યાર્થિનીઓના સ્વાગત નૃત્યથી થઈ હતી. વિદ્યાર્થિનીઓએ પરીના પાત્ર પર આધારિત અભિનય ગીત રજૂ કર્યું હતું. શિક્ષકો દ્વારા રમૂજભર્યા ગીત રજૂ કરીને બાળકો અને વાલીઓનું મનોરંજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે ઉપસ્થિત વાલીઓને સંસ્થાના ઇતિહાસ, મૂલ્યો અને શૈક્ષણિક પરંપરાઓ વિશે માહિતી આપી હતી. તેમણે બાળકોને પ્રોત્સાહિત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિભાગીય કો-ઓર્ડિનેટર તેજલબહેન ડણાક અને પીનલબહેન રાવળ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવના આ આયોજનથી નવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Read Original Article →