કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવીની રીવ્યુ અરજી નકારી:જેલ પ્રશાસન અને ATS ઉપર આક્ષેપ, કોર્ટ ઉપર ભરોસો નહીં હોવાનું કહ્યું; વકીલે પણ કેસ છોડ્યો
કિશન ભરવાડ હત્યા કેસમાં 40 વર્ષીય આરોપી મૌલવી કમરગની ઉસ્માની ઉપર ધંધુકા પોલીસ મથકે IPC, આર્મ્સ એક્ટ, ગુજસીટોક, UAPA એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી કે તે છેલ્લા 45 મહિનાથી જેલમાં છે અને તેને રાજકીય કારણોસર ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે. જેલર અને અન્ય અધિકારીઓ દ્વારા તેની વહીવટી પજવણી કરવામાં આવી રહી છે. જેલ પ્રશાસન હેઠળ પોતાની સુરક્ષાનો ભય
અદાલતના આદેશો હોવા છતાં કેદીને કાયદાકીય સુધારો મેળવવા માટેના અરજી ફોર્મ આપવામાં આવતા નથી અને તેના વકીલ સાથેની ગુપ્ત વાતચીતો અટકાવવામાં આવે છે. જેલમાં ATSના અધિકારીની હાજરી રહે છે. અરજદારને હાયપરટેન્શન છે અને તેને કસ્ટડી દરમિયાન બે વખત હાર્ટ એટેક આવી ચૂક્યો છે. તેને જેલ પ્રશાસન હેઠળ પોતાની સુરક્ષાનો ભય છે. તેને માંગ કરી હતી કે જેલના ચોક્કસ CCTV ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવે, જેલ પ્રશાસનના ગેરવર્તણૂક સામે નિષ્પક્ષ તપાસ થાય અને ઉપરી સત્તાધિશોને અરજી કરવાનો હક આપવામાં આવે. જો માંગણીઓ પૂરી નહીં થાય, તો તે ફરીથી ભૂખ હડતાળ પર ઉતરશે. આરોપી જેલના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરે છે
સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી જેલના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારો છે. તે જેલ પ્રશાસન અને કાયદાકીય એજન્સીઓ પર દબાણ લાવવા માટે ખોટી અને પાયાવિહોણી અરજીઓ કરે છે. ATSના અધિકારી માત્ર અતિ સંવેદનશીલ કેદીઓની મુલાકાતે આવતા મુલાકાતીઓ પર દેખરેખ રાખવા માટે કાયદેસર રીતે આવે છે. આરોપીએ અગાઉ જેલ સેન્સરશીપના નિયમોનો ભંગ કરીને જેલ પ્રશાસનની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે પોતાના વકીલને સંવેદનશીલ કાગળિયાઓ સુપ્રત કર્યા હતા. આ ઉપરાંત તે જેલ સ્ટાફ સાથે અપશબ્દો બોલવા, લોક-અપનો ઇનકાર કરવો અને ફોન પર શંકાસ્પદ વાતો કરવા માટે દોષિત ઠર્યો છે, જેના કારણે ભૂતકાળમાં તેની કેન્ટીન અને ફોનની સુવિધાઓ સસ્પેન્ડ કરાઈ હતી. જાન્યુઆરી, 2025 માં તેણે ભૂખ હડતાળ કરી હતી
અરજદારની કાયદાકીય મદદથી વંચિત રાખવાનો દાવો તદ્દન ખોટો છે. કારણ કે તેને વર્ષ 2024માં 7 અને વર્ષ 2025 માં 17 કાયદાકીય અરજીના કાગળો પૂરા પાડવામાં આવ્યા છે. તબીબી મોરચે પણ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ. એન. મહેતા હોસ્પિટલ જેવી સ્પેશિયાલિટી સંસ્થાઓમાં સારવાર આપવામાં આવી છે. આરોપી હાલમાં સાબરમતી જેલના સૌથી સુરક્ષિત ગણાતા 200 ખોલી વિભાગમાં છે, જેથી તેની સુરક્ષા સામેનો ભય કાલ્પનિક છે. જાન્યુઆરી, 2025 માં તેણે ભૂખ હડતાળ કરી હતી. પરંતુ કાઉન્સેલિંગ બાદ તેણે પોતે લેખિતમાં સ્વીકાર્યું હતું કે તેને કોઈ પજવણી થઈ નથી. જેલ પ્રશાસન અને ATS સામે કરાયેલા મનઘડંત આક્ષેપો
આથી અદાલતે નોંધ્યું હતું કે અરજદાર દ્વારા જેલ પ્રશાસન અને ATS સામે કરાયેલા આક્ષેપો માત્ર મનઘડંત વિધાનો છે અને તેને સમર્થન આપતા કોઈ જ પુરાવા નથી. અરજદાર જેલના શિસ્તભંગના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરતો હોવાનું સાબિત થાય છે. જ્યારે જેલ પ્રશાસન દ્વારા તેને તમામ જરૂરી તબીબી અને કાયદાકીય સુવિધાઓ નિયમબદ્ધ રીતે પૂરી પાડવામાં આવી રહી છે, ત્યારે આ અરજી જેલ પ્રશાસનની વહીવટી પ્રક્રિયાને બાયપાસ કરવાનો અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ માત્ર છે. અદાલતે અરજદારની અરજી નકારી નાખી હતી. સાથે જ જેલ સત્તાધીશોને એવી પણ સૂચના આપી છે કે જો ભવિષ્યમાં અરજદાર કેદીને કોઈ તબીબી સારવાર, કાયદાકીય સલાહ કે ઉપરી અધિકારીઓને રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થાય, તો જેલ સત્તાધિશોએ જેલના નિયમો અનુસાર કાર્યવાહી કરશે. અરજદાર જેલના નિયમો તોડવા માટે ટેવાયેલો છે
ઉપરોક્ત અરજી ફગાવી દેતા અરજદારે કોર્ટમાં રિવ્યૂ અરજી દાખલ કરી હતી. જેમાં ઓથોરિટીએ જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અરજદારને જેલના નિયમો મુજબ કાગળો, ટોઇલેટ ચેર અને વ્હીલચેર જેવી જરૂરી સુવિધાઓ અપાયેલી છે. ખોરાકમાં કંઈક ભેળવવામાં આવતું હોવાનો આક્ષેપ તદ્દન ખોટો છે. કારણ કે કેદીઓને ખોરાક આપતા પહેલાં ડોક્ટર અને જવાબદાર અધિકારી દ્વારા તેની ચકાસણી થાય છે. અરજદાર જેલના નિયમો તોડવા માટે ટેવાયેલો છે અને જેલ પ્રશાસનને ગેરમાર્ગે દોરવા માટે આવા ઉપજાવી કાઢેલા આક્ષેપો કરે છે. કોર્ટ પર પરોક્ષ દબાણ લાવવાનો પ્રયાસ
વળી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયેલા અરજદારે જણાવ્યું હતું કે જો કોર્ટ તેના અગાઉના આદેશની પુનઃવિચારણા નહીં કરે તો તેને કોર્ટ પર કોઈ ભરોસો નથી. અરજદારે તેના વકીલને પણ કોર્ટમાં તેના તરફથી કેસ ન લડવા અને હાજર ન રહેવા સૂચના આપી દીધી હતી. આથી તેના વકીલે પણ કેસમાંથી હટી ગયા છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે કોર્ટને ભૂખ હડતાળ પર ઉતરવાની અને કંઈ પણ અનિચ્છનીય બનશે તો કોર્ટને જવાબદાર ગણવાની ધમકી આપવી એ કોર્ટ પર પરોક્ષ દબાણ લાવવાનો પ્રયાસ છે. ભવિષ્યમાં ટ્રાયલ લંબાવવાનો પ્રયાસ કાયદેસરની કાર્યવાહી નોતરશે
અંતે કોર્ટે અરજદારના વલણ અને ધમકીની આકરા શબ્દોમાં નિંદા હતી. કોર્ટે અરજદાર કાચા કામનો કેદી હોવાના નાતે તેની સામે કોર્ટના તિરસ્કારની કાનૂની કાર્યવાહી આગળ ન વધારવાનું ઉદાર વલણ અપનાવ્યું છે. પરંતુ, તેને કડક ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ટ્રાયલ લંબાવવાનો આવો કોઈ પણ પ્રયાસ કાયદેસરની કડક કાર્યવાહી નોતરશે, કારણ કે આ કેસમાં અન્ય સહ-આરોપીઓ પણ જેલમાં બંધ હોવાથી કેસમાં વિલંબ સહન કરી શકાય નહીં. કોર્ટે આરોપીની રિવ્યૂ અરજી પણ નકારી નાખી
અગાઉના વકીલ કેસમાંથી મુક્ત થઈ ગયા હોવાથી, કોર્ટે અરજદારને આગામી મુદત પર અથવા તે પહેલાં નવા વકીલ રોકી લેવા આદેશ કર્યો છે. જો તે વકીલ નહીં રોકે, તો કેસની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધશે અને તેને લીગલ એઇડ મારફતે સરકારી ખર્ચે વકીલ પૂરા પાડશે. આખરે કોર્ટે આરોપીની રિવ્યૂ અરજી પણ નકારી નાખી છે.
Read Original Article →