શાહના હુંકારના 5મા દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ:અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા, CPએ પૂછપરછ કરી; અહીં જે પૈસા કમાતા એ વાયા કોલકાતા બાંગ્લાદેશ મોકલતા

Gujarat6/3/2026, 3:25:32 AM
શાહના હુંકારના 5મા દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ:અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા, CPએ પૂછપરછ કરી; અહીં જે પૈસા કમાતા એ વાયા કોલકાતા બાંગ્લાદેશ મોકલતા
28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ એટલે કે ગઇકાલે(2 જૂન )ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગિડયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. સાથે જ કેટલીક મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલાતા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી હતી. પોલીસ કમિશનરે પકડાયેલા બાંગ્લાદેશીઓને પૂછ્યું કે ક્યારે આવ્યા, ક્યારે બોર્ડર ક્રોસ કરી, કેટલા સમયથી અહીંયા છો, ક્યાં રહો છો આ સહિતના સવાલ પૂછ્યા હતા. સાથે જ સર્ચ ઓપરેશન કરનાર ટીમ સાથે વાત કરી તમામની કામગીરી બિરદાવી હતી. અમદાવાદમાં 300 શકમંદની અટક, 166 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે. ચંડોળામાં કાર્યવાહી બાદ અનેક શંકાસ્પદો અલગ અલગ વિસ્તારમાં વિખેરાયા હતા ગઇકાલે સવારે શરૂ થયેલું પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું અને શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર-ઠેર દરોડા, પૂછપરછ, દોડધામ અને અટકાયતોના દ્રશ્યો જોવા મળ્યા હતા. વર્ષોથી ગેરકાયદેસર રીતે શહેરમાં છુપાઈને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતરી હતી. પોલીસના સૂત્રો મુજબ, ચંડોળા વિસ્તાર પર અગાઉ થયેલી કાર્યવાહીઓ બાદ અનેક શંકાસ્પદ લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિખેરાઈ ગયા હતા અને પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા. ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે પોલીસ અધિકારીઓનું માનવું છે કે ચંડોળા વિસ્તારમાં સતત ચાલતી કાર્યવાહીઓ બાદ ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે. તેઓ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો, કામદારોના રહેઠાણો અને વ્યાવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા સુધી મર્યાદિત નહીં રહેતા સમગ્ર શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા, દાણીલીમડામાં સર્ચ ગઇકાલે વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં એકસાથે ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસના વાહનો, અધિકારીઓના કાફલા અને સતત ચેકિંગને કારણે અનેક વિસ્તારોમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ક્યાંક હોટલોમાં તપાસ ચાલી રહી હતી તો ક્યાંક ભાડાના મકાનોમાં રહેતા લોકોના દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા હતા. તાળું મારી સંચાલક ફરાર, અંદર યુવતીઓ, બહાર પોલીસ ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં જ્યારે એસઓજીની ટીમ પહોંચી ત્યારે ત્યાંના કેટલાક સ્પા સેન્ટરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક સ્પા સેન્ટરોમાં બાંગ્લાદેશી યુવતીઓ કામ કરતી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ એક સ્પા સંચાલક સ્થળ છોડીને ભાગી ગયો હતો અને સ્પા સેન્ટરને બહારથી તાળું મારી દીધું હતું. અંદર રહેલી યુવતીઓ બહાર નીકળવાના રસ્તા શોધી રહી હતી ત્યારે પોલીસ તાળું તોડવાના પ્રયાસમાં લાગી હતી. આ દરમિયાન જે બન્યું તે ફિલ્મી દ્રશ્યો જેવું હતું. સ્પાની બારીમાંથી યુવતીઓ બહાર નીકળવા લાગી હતી. કેટલાક લોકોએ તેમને નીચે ઉતરવા માટે સીડી પણ મૂકી આપી હતી. જેના કારણે કેટલીક યુવતીઓ પોલીસ પહોંચે તે પહેલાં જ નાસી છૂટવામાં સફળ થઈ હોવાનું જાણવા મળ્યું છે. રિંગ રોડ પર લોકોને રોકી પોલીસે આઈડી ચેક કર્યા ઓઢવ અને નિકોલ એસ.પી. રિંગ રોડ ઉપર પણ પોલીસની કાર્યવાહી દરમિયાન ભારે દોડધામ જોવા મળી હતી. દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકો સ્થળ છોડીને નીકળી ગયા હોવાની માહિતી મળતાં પોલીસ સીધી રોડ ઉપર ઉતરી હતી. ચાલતા જતા લોકો, એકલા ફરતા યુવક-યુવતીઓ અને શંકાસ્પદ જણાતા લોકોને રોકીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને અન્ય ઓળખના પુરાવાઓની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી. કેટલાક લોકો કલાકો સુધી પોતાની ઓળખ સાબિત કરવા માટે પોલીસ સમક્ષ દસ્તાવેજો રજૂ કરતા જોવા મળ્યા હતા. ‘મહિલાઓ સ્પા અને દેહ વેપારની પ્રવૃતિઓમાં વધુ સંડોવાયેલી’ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસની ટીમોએ સાથે મળીને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ગત વર્ષે સૌથી મોટી ઓપરેશન કર્યું હતું જેમાં 465 બાંગ્લાદેશી ઝડપાયા હતા. તમામ પાસેથી ઇન્ડિયન આધાર કાર્ડ મળ્યા હતા. પૂછપરછમાં એજન્ટના નામ સામે આવ્યા છે. આ ઓપરેશન સતત ચાલુ રહેશે. મહિલાઓ સ્પા અને દેહ વેપારની પ્રવૃતિઓમાં વધુ સંડોવાયેલી હતી. બાંગ્લાદેશીઓ અહીંયા જે કમાતા હતા તે પૈસા આંગડિયા મારફતે કોલકતા જતા ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. કેટલીક મોબાઈલ એપ્લિકેશનથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલતા હતા. પોલીસ કમિશનરે બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પણ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી હતી. પોલીસ કમિશનરે પકડાયેલા બાંગ્લાદેશીઓને પૂછ્યું કે ક્યારે આવ્યા, ક્યારે બોર્ડર ક્રોસ કરી, કેટલા સમયથી અહીંયા છો, ક્યાં રહો છો આ સહિતના સવાલ પૂછ્યા હતા. સાથે જ સર્ચ ઓપરેશન કરનાર ટીમ સાથે વાત કરી તમામની કામગીરી બિરદાવી હતી. ‘એજન્ટની તપાસ થઈ રહી છે’ પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલના સુપરવિઝનમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 300 શકમંદની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 166 બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું છે. જેમાં 41 પુરુષ, 95 મહિલા અને 30 બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ બાંગ્લાદેશો પૈકી કેટલાક થોડા મહિના પહેલા આવ્યા તો કેટલાક થોડાંક વર્ષો અગાઉ આવ્યા હતા. કયા એજન્ટ દ્વારા અહીંયા આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા બાંગ્લાદેશીઓમાં જે મહિલાઓ છે તે સ્પા અને દેહ વેપારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે તો પુરુષો છૂટક મજૂરી કામ કરે છે. સુરતમાં 50થી વધુ શકમંદ ઝડપાયા સુરતમાં એસઓજી પોલીસે બાંગ્લાદેશીઓની શોધખોળ હાથ ધરવા અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતા. ક્રાઇમબ્રાંચ, એસઓજી સહિતની પોલીસની ટીમોએ લિબાયત, પાંડેસરા, ભાઠેના સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી 50થી વધુ શકમંદને પકડ્યા છે. રાજકોટમાં 272 બાંગ્લાદેશીઓની પૂછપરછ રાજકોટ શહેર પોલીસની અલગ અલગ 10 ટીમે ગઇકાલે રાત્રિના 1 વાગ્યાથી બાંગ્લાદેશીઓને પકડવા સર્ચ ઓપરેશ હાથ ધર્યું હતું. ગૃહ વિભાગ તરફથી મળેલી યાદી મુજબ રાજકોટ શહેર પોલીસે 272 બાંગ્લાદેશીઓની પૂછપરછ કરી છે જેમાં મોટા ભાગના તમામ વર્ક પરમીટ સાથે રાજકોટમાં રહી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. જે લોકો આધાર પુરાવા નથી આપી શક્યા તેમના માટેની તપાસ પૂછપરછ હાલમાં ચાલુ છે. જેમની પાસે વિઝા કે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ નહિ મળે તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટમાં 10 મહિનામાં 38 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં 1 જૂન,2025થી 17 એપ્રિલ, 2026 સુધીના સમય દરમિયાન કુલ 38 બાંગ્લાદેશી નાગરિકો જેમાં 29 મહિલા, 6 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે જેને ઝડપી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો:ઘૂસણખોરો સામે ઝુંબેશ તેજ,દ્વારકા જિલ્લામાંથી એક બાંગ્લાદેશી ઝડપાયો
Read Original Article →