સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મેનિફેસ્ટોને કોંગ્રેસનું કમિટમેન્ટ નામ અપાયું:6-7 એપ્રિલે 15 મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ કરી જાહેર કરાશે; ધારાસભ્ય-સાંસદોને હાજર રાખવા સૂચના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતીને ફરી બેઠી થવા માટેના પ્રયાસ કરી રહી છે. જે માટે મતદારોને વધુ આકર્ષવા જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકામાં મેનિફેસ્ટો જાહેર કરવાની છે. આગામી 6 અને 7 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને મેનિફેસ્ટો જાહેર કરવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ મહાનગરપાલિકાના પ્રમુખોને સૂચના આપી છે. માત્ર એટલું જ નહીં મેનિફેસ્ટો જાહેર કરતા સમયે વિપક્ષ નેતા, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સાંસદોને પણ હાજર રાખવા માટે સૂચના અપાઈ છે. કોંગ્રેસ 6-7 એપ્રિલે પ્રેસ કોન્ફરન્સ કરીને મેનિફેસ્ટો જાહેર કરશે
ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માત્ર ચૂંટણી નથી, પરંતુ સ્થાનિક સ્તર પર બેઠું થવાનો એક ચાન્સ છે. તેમજ 2027ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષને મજબૂત કરવાનો મોકો પણ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ભાજપનું શાસન છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે. ત્યારે પ્રજાનો વિશ્વાસ જીતીને તમામ બેઠક પર મજબૂતાઈથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ જનતાનો વિશ્વાસ જીતવા માટે જનતાના મુદ્દાઓ પર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. મેનિફેસ્ટો માટે નેતાઓ ઘર-ઘર સુધી ગયા હતા
મેનિફેસ્ટો માટે કોંગ્રેસના નેતાઓ વોર્ડ, તાલુકા અને જિલ્લાઓમાં મતદારોના ઘર ઘર સુધી ગયા હતા. મતદારોના શું પ્રશ્નો છે તેને લઈને સૂચનો માંગવામાં આવ્યા હતા. જનતાની શું સમસ્યા છે હજુ પણ કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર
ચૂંટણી માટે બનાવેલી મેનિફેસ્ટોની ટીમ દ્વારા કોંગ્રેસનું કમિટમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે સૌથી પહેલા 15 મહાનગરપાલિકામાં જાહેર કરવામાં આવશે. જેના માટે 15 મહાનગરપાલિકામાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસ ચૂંટણી જીત્યા બાદ ક્યાં ક્યાં કમિટમેન્ટ પૂરા કરશે તેની જાહેરાત કરવામાં આવશે. જો કે તે બાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જાહેરાત કરવામાં આવશે.
Read Original Article →