ચાંદલોડિયામાં AMCનું બુલડોઝર ફર્યું:મહાદેવનગરથી શક્તિ વિદ્યાલય સુધીનો 12 મીટરના રોડને પહોળો કરવા મકાનોનું ડિમોલિશન, આશરો છીનવાતા મહિલા-બાળકો રડી પડ્યા

Gujarat6/8/2026, 2:54:29 PM
ચાંદલોડિયામાં AMCનું બુલડોઝર ફર્યું:મહાદેવનગરથી શક્તિ વિદ્યાલય સુધીનો 12 મીટરના રોડને પહોળો કરવા મકાનોનું ડિમોલિશન, આશરો છીનવાતા મહિલા-બાળકો રડી પડ્યા
શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ચાંદલોડિયામાં રેલવે સમાંતર 12 મીટરનો રોડ પહોળો કરવાની કામગીરી અંતર્ગત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આજે 8 જૂનના રોજ સવારથી રોડ પરના ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેના પગલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાનો તાડી પાડવામાં આવ્યા હતા. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘરનો આશરો એવા મકાન તૂટતા મહિલાઓ રડવા લાગી હતી, પરંતુ કોર્પોરેશનનું બુલડોઝર અટક્યું નહોતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મકાનો પર બુલડોઝર ફર્યું મળતી માહિતી મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મહાદેવનગરથી લઈને શક્તિ વિદ્યાલય સુધીના 12 મીટરના રોડને પહોળો કરવા માટે રોડ કપાતમાં આવતા મકાનો દુકાનો સહિતની મિલકતોને તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી હતી. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સવારથી જ મકાનો ખાલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. આશરો છીનવાતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા 40 થી 50 જેટલા મકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ડિમોલેશનની કામગીરી ચાર દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. લોકોના મકાનો અને દુકાનો તોડી પાડવાની કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોના મકાનો અને દુકાનો સહિતના મિલકતો તૂટતી હોવાને લઈને મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા હતા. રેલવે સમાંતર રોડ પહોળો કરવામાં આવી રહ્યો છે. જેથી આ મકાનો કપાતમાં આવી રહ્યાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
Read Original Article →