હેબતપુરમાં હિટ એન્ડ રન:કારે બાઇકચાલકને ઉડાવ્યો

Gujarat4/12/2026, 12:00:00 AM
હેબતપુરમાં અનંતબાગ વિલા સામેના જાહેર માર્ગ પર શુક્રવારે સવારે પૂરપાટ સફારી કારના ચાલકે બાઇકસવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના અને હાલ અમદાવાદમાં રહીને નોકરી કરતા 20 વર્ષીય ગણેશ કૃષ્ણલાલ રોત શુક્રવારે સવારે પોતાનું બાઇક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો. સવારના સમયે હેબતપુર અનંતબાગ વિલા સામેથી પસાર થતી વખતે સફારી કારના ચાલક સત્યમ પંડ્યાએ બેદરકારી અને ગફલતભરી રીતે કાર હંકારી ગણેશની બાઇકને ટક્કર મારી હતી. આથી હવામાં ફંગોળાઈ રસ્તા પર પટકાઈ પડતા ગણેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. મૃતકના પિતા કૃષ્ણલાલ રોતે સવારે દીકરાને ફોન કર્યો ત્યારે 108ને એક મહિલાએ અકસ્માતની જાણ કરી હતી. ત્યાર બાદ પિતા સહિત પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સત્યમ પંડ્યા સામે ગુનો નોંધ્યો છે.
Read Original Article →