દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું નિધન:અસિત મોદી અને દિલીપ જોષીએ કહ્યું મયુર-દિશાને કલાના સંસ્કાર આપવામાં મોટું યોગદાન
ટીવી એક્ટ્રેસ દિશા વાકાણી ઉર્ફે દયા(તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા) પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84ની વયે નિધન થયું છે. મયુર વાકાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, તેઓ થોડા સમયથી બીમાર હતા. ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય હતા અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માઘ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી. તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપ્યું: અસિત મોદી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર અસિત મોદીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હું વર્ષોથી તેમને ઓળખતો હતો. અમદાવાદમાં સિરિયલ બનાવતો હતો ત્યારે કામ કર્યું. તેઓએ દીકરી માટે ખૂબ મહેનત કરી અને ટેલેન્ટેડ છે એ તેમને ખબર હતી. તેમણે તમામ સંતાનોને કલાનું શિક્ષણ આપ્યું હતું. તેમના મારા પર આશીર્વાદ હતા. થોડા સમય પહેલાં મળ્યા ત્યારે ખુબ ખુશ થઈ ગયા હતા. સિરિયલ પ્રસિદ્ધીની ટોચે હતી ત્યારે મને અને દીશાને માર્ગર્શન આપતા હતા. અમારો પરિવાર જેવો સંબંધ હતો. મુંબઈ આવો તો અચુક અમારા ઘરે આવે અને સાથે ફરવા જતા હતા. અમારે પરિવારને મોટી ખોટ પડી છે. મયુર અને દિશા માટે ખૂબ લાગણી અને માન હતા: દિલીપ જોષી
દિલીપ જોષી ઉર્ફે જેઠાલાલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, દિશા માટે ખૂબ લાગણી અને માન હતું. મયુર અને દિશા બન્ને માટે ખૂબ કર્યું. આ ફીલ્ડમાં જવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. પોતે પણ શરૂઆતમાં મુંબઈમાં દિશાને મોકલી હતી. આ એક ખૂબ મોટો નિર્ણય કહી શકાય. તેમણે સંજય ગોરડિયા સહિતના મેકર્સ સાથે ઘણાં નાટકોમાં કામ કર્યું. ‘સિનિયર અભિનેત્રીઓ કહેતી ભીમભાઈ, તમારી ઈન-હાઉસ હીરોઈન તૈયાર થઈ રહી’
થોડા વર્ષ પહેલાં દિશા વાકાણીએ પિતા સાથેની બાળપણની યાદો વાગોળતા દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે, ‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈન-હાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈરછાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે. દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈદ્યએ લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એકસપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’ ‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં! દિશા
દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’ આમિર-શાહરુખ સાથે કર્યું કામ
ભીમ વાકાણીએ ગુજરાતી થિયેટરમાં લાંબો સમય વિતાવ્યો છે. તેમણે આમિર ખાને પ્રોડયુસ કરેલી અને આશુતોષ ગોવારીકરે ડિરેકટ કરેલી ઓસ્કર-નોમિનેટેડ ‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, શાહરૂખ ખાનની 'સ્વદેશ' અને માધુરી દીક્ષિતની 'લજ્જા'નો સમાવેશ થાય છે. તારક મહેતા...ના એક એપિસોડમાં જોવા મળ્યા હતા
દિશા વાકાણીના પિતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળ્યા હતા. તેઓ એપિસોડ નંબર 1320માં બાબુજી ચંપકલાલના મિત્ર માવજી છેડાના રોલમાં જોવા મળ્યા હતા. જ્યાં બાઘા, ભૂલથી માવજીને ઘરે જઈને પ્રેશર કુકરના બદલામાં 50,000 રોકડા આપી દે છે અને ભીડેને પૈસાની જગ્યાએ કુકર આપી દે છે. આ પછી એપિસોડમાં ઘણો હોબાળો જોવા મળે છે.
Read Original Article →