જાહેરમાં પથ્થરમારો અને મારામારીથી ડરનો માહોલ:બહેરામપુરામાં પાર્કિંગ નવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, 6 લોકો ઇજા થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે જાહેર રોડ પર બે પરિવારો વચ્ચે લાકડીઓ, લોખંડની પાઈપો વડે હુમલો અને સામસામે ભારે પથ્થરમારો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વ્યસ્ત રોડ પર લોકોની અવર-જવર વચ્ચે થયેલા આ હિંસક પથ્થરમારાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ લોહીયાળ અથડામણમાં ત્રણ મહિલાઓ સહિત કુલ છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે કાગડાપીઠ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક્ટિવા પાર્ક કરવા જેવી નજીવી બાબતે વિવાદ સર્જાયો
મળતી માહિતી મુજબ બહેરામપુરા વિસ્તારમાં આવેલી નારણદાસની ચાલી અને મોમીનની ચાલીમાં રહેતા બે પરિવારો વચ્ચે આ વિવાદ સર્જાયો હતો. મોમીનની ચાલીમાં રહેતા જીયાઉદ્દીન શેખના ઘરની સામે રહેતા અનવર કુરેશીનો દીકરો ઘર પાસે પોતાનું એક્ટિવા સ્કૂટર પાર્ક કરતો હતો. આ પાર્કિંગ બાબતે બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા અને શરૂઆતમાં જોરદાર ગાળાગાળી તેમજ ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાહેર રોડ રણમેદાનમાં ફેરવાયો, પસાર થતા લોકો જીવ બચાવી ભાગ્યા
જોતજોતામાં આ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષના લોકો લોખંડની પાઇપો અને લાકડાના દંડા જેવા ઘાતક હથિયારો લઈને રોડ પર ઉતરી આવ્યા હતા. બંને પરિવારોના ઘર આમને-સામને હોવાથી તેમણે એકબીજા પર છૂટા પથ્થરોનો વરસાદ શરૂ કરી દીધો હતો. રોડ પરથી પસાર થઈ રહેલા નિર્દોષ નાગરિકો આ દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યા હતા અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગવા લાગ્યા હતા. હુમલાખોરોએ રસ્તા પર પાર્ક કરેલા એક્ટિવા સ્કૂટરમાં પણ ભારે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે આખો રોડ જાણે યુદ્ધનું મેદાન બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાગડાપીઠ પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ તેજ કરી
આ હિંસક મારામારી અને પથ્થરમારાની ઘટનામાં બંને પક્ષના થઈને ત્રણ મહિલાઓ સહિત કુલ 6 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ભરતી કરાયા છે. ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કાગડાપીઠ પોલીસે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બંને પક્ષો વિરુદ્ધ રાયોટિંગ અને હુમલા સહિતની કલમો હેઠળ સામસામે ગુનો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →