અસારવા ગામના દરવાજાનો રવિવારે તોરણ મહોત્સવ રંગેચંગે ઉજવાયો:ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગે ગામના નાના-મોટા તમામ વયના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા

Gujarat4/13/2026, 5:39:05 PM
અસારવા ગામના દરવાજાનો રવિવારે તોરણ મહોત્સવ રંગેચંગે ઉજવાયો:ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગે ગામના નાના-મોટા તમામ વયના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા
અસારવા ગામનો ભવ્ય દરવાજો રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની આકર્ષક ઝગમગાહટે સમગ્ર વાતાવરણને પ્રકાશમય બનાવી દીધું હતું. પ્રકાશની વચ્ચે દરવાજાની ભવ્યતા વધુ નિખરી ઊઠી હતી, જેને નિહાળી ગામજનોમાં આનંદ અને ગર્વની લાગણી છલકાઈ ઊઠી હતી. આ ઐતિહાસિક ક્ષણ અસારવા ગામના વિકાસ અને ગૌરવગાથામાં એક યાદગાર અધ્યાય બની રહેશે. અસારવા ગામનો તોરણ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી આ અંગે અસારવા યુથ સર્કલ પ્રમુખ સંજય પટેલ અને ગામના મુખી હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 12મી એપ્રિલ ને રવિવારના રોજ અસારવા ગામના નવ નિર્માણ પામેલા દરવાજાને પરંપરાગત તોરણ મહોત્સવ ભવ્ય અને રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક વિધિઓ સાથે ગામ ટોળાના માતાજી શ્રી માતર ભવાની માતાજીના મંદિરે વધામણું આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો આ ઉપરાંત તાજેતરમાં નિર્માણ પામેલા અસારવા ગામના હેરિટેજ દરવાજા પર પરંપરાગત રીતે ગામનું તોરણ બાંધી શુભ પ્રસંગને વિશેષ ગૌરવ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગે ગામના નાના-મોટા તમામ વયના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. અસારવા ગામ પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષના સતત સંઘર્ષ, અનેક પડકારો અને લાંબા સમય સુધી ચાલેલા વાદ-વિવાદોની વચ્ચે અંતે અસારવા ગામનો ભવ્ય દરવાજો સફળતાપૂર્વક તૈયાર થઈ ગયો છે. આ દરવાજો માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ગામજનોની એકતા, ધીરજ અને અડગ સંકલ્પનું પ્રતિક છે. અનેક અવરોધો છતાં સૌના સહકાર અને પ્રયત્નોથી આ કાર્ય પૂર્ણ થયું છે, જે અસારવા ગામ માટે ગૌરવની ક્ષણ સમાન છે.
Read Original Article →