મંત્રી દર્શનાબેન વાઘેલાના મતવિસ્તાર અસારવામાં જનાક્રોશ:પ્રદૂષિત પાણી મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓને બંધક બનાવ્યા; પોલીસ તેડાવવી પડી

Gujarat6/8/2026, 5:56:42 AM
મંત્રી દર્શનાબેન વાઘેલાના મતવિસ્તાર અસારવામાં જનાક્રોશ:પ્રદૂષિત પાણી મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓને બંધક બનાવ્યા; પોલીસ તેડાવવી પડી
રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાના પોતાના જ મતવિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી આવી રહેલા પ્રદૂષિત (ગંદા) પાણીના વિરોધમાં સ્થાનિક લોકોએ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે તપાસ માટે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કર્મચારીઓને લોકોએ બંધક બનાવીને બેસાડી દીધા હતા, જેને પગલે અંતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. 6 મહિનાથી પ્રદૂષિત પાણીની સમસ્યા, તંત્ર નિષ્ક્રિય સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી અત્યંત પ્રદૂષિત અને ગંદુ આવી રહ્યું છે. ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. આ બાબતે સ્થાનિકો દ્વારા એએમસી (AMC) ના સત્તાધીશોને અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું નથી. AMC કર્મીઓ સાથે ગેરવર્તન કરીને ગાડીઓની ચાવીઓ પણ લઈ લીધી શહેરના શાહીબાગ વોર્ડમાં આવેલા ભોગીલાલની ચાલીમાં AMC અધિકારીઓ પાણીના પ્રેશર તેમજ પોલ્યુશન અંતર્ગત વિઝીટ કરતા ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા બોલાચાલી તેમજ હાથા પાઇ કરવામાં આવી હતી તેમજ ગાળા ગાળી કરીને ગેરવર્તન કરીને ગાળો બોલીને તેમજ સ્ટાફની ગાડીઓની ચાવીઓ પણ લઈ લીધી હતી. સવારે પાણી સવારે પાણીના ટેન્કર સપ્લાય કરવામાં આવ્યું હતું. પાણીની લાઈનના જોડાણ માટેની કામગીરી હાલમાં સ્થળ ઉપર ચાલુ છે. છેલ્લા અઠવાડિયામાં પોલ્યુશનની ફરિયાદ અનુસંધાને આ જગ્યાએ ડ્રેનેજ લાઈન ચોકિગની કામગીરી કરી ત્યારબાદ ચોકીગ દૂર કરવા માટે રિસાયકલ મશીનરી મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવી છે. ત્યારબાદ સીસીટીવી મશીન દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે. ચાલીમાં અંદરના ભાગના આવેલા ચાલીમાં અને ગલીમાં કામગીરી પણ કરવામાં આવેલા પોલ્યુશન અંતર્ગત પહેલા વોશ આઉટની પણ કામગીરી કરવામાં આવી હતી. મંત્રી અને કોર્પોરેટરને રજૂઆતો છતાં પરિણામ શૂન્ય લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલા નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે, તેમણે આ સમસ્યા અંગે સ્થાનિક કોર્પોરેટર તેમજ ખુદ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાને પણ વારંવાર રજૂઆતો કરી હતી. આમ છતાં, નેતાઓ કે તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું. નેતાઓ અને અધિકારીઓની આ ઘોર ઉપેક્ષાને કારણે સ્થાનિકોમાં લાંબા સમયથી ભારે રોષ ભભૂકી રહ્યો હતો. ગત રોજ જ્યારે એએમસી (AMC) ના કર્મચારીઓની એક ટીમ પાણીની લાઈન અને પ્રદૂષણના ચેકિંગ માટે ભોગીલાલની ચાલી ખાતે પહોંચી, ત્યારે સ્થાનિક લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. કર્મચારીઓને ગોંધી રાખ્યા મોટી સંખ્યામાં એકત્રિત થયેલા મહિલાઓ અને પુરુષોએ કર્મચારીઓ સામે પોતાનો ભારે બળાપો કાઢ્યો હતો અને તેમને ત્યાં જ રોકી રાખીને બેસાડી દીધા હતા. ચાલીમાં ભારે અફરાતફરી અને હોબાળાની સ્થિતિ સર્જાતા એએમસી દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો આગામી દિવસોમાં આ પ્રદૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મંત્રીના જ વિસ્તારમાં વિકાસના દાવાઓ વચ્ચે ગંદા પાણીની આ સમસ્યા હવે ભારે રાજકીય ચર્ચાનો વિષય બની છે.
Read Original Article →