આનંદનગર પોલીસ સ્ટેશનમાં યુવકે માથું ટીવી પર અથડાવ્યું:પટ્ટા-ટોપી ઉતારવાની ધમકી આપીને કોન્સ્ટેબલના અંગૂઠા પર બચકું ભર્યું, આંબેડકરની જન્મ જયંતીના ધ્વજને પણ ફાડ્યો'તો
અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારી સાથે યુવકે ઝપાઝપી કરી હતી. યુવકે પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભર્યું હતું, જ્યારે યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે યુવકે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપીને જાતે જ માથું ટીવી પર પછાડ્યું હતું. યુવકે પોલીસ પર ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે આનંદ નગર પોલીસે યુવક સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આંબેડકરની જન્મ જયંતીના લગાવેલા ધ્વજને ફાડ્યો'તો
આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ફરિયાદ નોંધાવી છે કે, આનંદનગરના ગોકુલ આવાસ ઔડાના મકાન ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લગાવેલા ધ્વજને વિજયસિંહ પરમારે ફાડી નાખતા જયવીરસિંહ ત્યાં બંદોબસ્તમાં હાજર હતાં. ત્યારે આવાસ યોજનાના મકાનની બાજુમાં ફેબ્રિકેશનની દુકાનમાંથી એક વ્યક્તિ સામાન બહાર કાઢતા હતા તેમને વિજયસિંહના ભાઈ કમલસિંહે રોક્યા હતા અને તે વ્યક્તિ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. બાદમાં આ બંને વ્યક્તિઓ પોલીસ પાસે આવ્યા હતા. પોલીસે બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે કમલસિંહ પરમારે પોલીસ કર્મચારીઓને ગંદી ગાળો આપી અને હાથાપાઈ કરવા લાગ્યા હતાં. પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી, અંગૂઠા પર બચકું ભર્યું
કમલસિંહે એક પોલીસ કર્મચારીના અંગૂઠા પર બચકું પણ ભરી લીધું હતું. પોલીસે કમલસિંહને ગાડીમાં બેસાડ્યા અને પોલીસ સ્ટેશન લાવ્યા હતા ત્યારે રસ્તામાં કમલસિંહે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દેવાની ધમકી આપી હતી અને કઈ રીતે નોકરી કરો છો તેવુ કહ્યું હતું. ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડી, આરોપીની ધરપકડ
જે બાદ કમલસિંહને સર્વેલ્ન્સ સ્કોડની ઓફિસમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમણે કહ્યું કે હું મારું માથું ભટકાવીને ઇજા કરી તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરીશ. કમલસિંહે સીસીટીવી માટે લગાવેલા ટીવી પર માથું ભટકાવી ટીવીની ડિસ્પ્લે તોડીને 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું. કમલાસિંહે કરેલા હંગામા બાબતે આનંદનગર પોલીસે ફરિયાદ નોધી આરોપીની ધરપકડ કરી છે.
Read Original Article →