ગૃહમંત્રી અમિત શાહ આજથી ગાંધીનગર-અમદાવાદની મુલાકાતે:SG હાઇવેના ડેવલોપમેન્ટ સહિતની ચર્ચા, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે મુલાકાત; 17મેના મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજ(16મે)થી બે દિવસ ગુજરાતની મુલાકાત છે. ગૃહમંત્રી અમદાવાદ અને ગાંધીનગર ખાતે બેઠક તેમજ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આજે સવારે 10:00 વાગ્યે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે SG હાઇવે પર કર્ણાવતી ક્લબ નજીક આવેલી દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે બેઠક કરશે. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિન્કિંગ અને નવીનીકરણ અંગે અધિકારીઓ સાથે બેઠક કરશે. SG હાઇવેના ડેવલોપમેન્ટ સહિતને લઈને ચર્ચા
કેન્દ્રીય ગૃહ મંત્રી બપોર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે ગાંધીનગર લોકસભા અંગે બેઠક કરવાના છે જેમાં SG હાઇવેના ડેવલોપમેન્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા અંતર્ગત માણસા નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવશે જેમાં તળાવો, હોસ્પિટલો અને અન્ય કાર્યો અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે તેવી શક્યતા છે. લોકસભા ક્ષેત્રમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક
તાજેતરમાં આસામ, પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપાની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પધારી રહ્યા છે. જેમાં 16મેના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા બેઠક યોજાશે. લોકસભા ક્ષેત્રની સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીની સમીક્ષા બેઠક, અખંડ આનંદ તેમજ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરી અંગેની બેઠકો પણ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ - 16 મે કાર્યક્રમ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કાર્યરત અનુપમ પહેલ “રમશે બાળક – ખીલશે બાળક” અભિયાન અંતર્ગત રમકડા એકત્રિકરણ અભિયાનના ઇન્ચાર્જઓ અને સહ-ઇન્ચાર્જઓ તેમજ ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી તથા નારણપુરા વિધાનસભા વિસ્તારોમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરશે. 17મેના મધુર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
17 મેના રોજ અમિત શાહના હસ્તે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત “મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક” આઈ.ટી. અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિ. (મધુર ડેરી) દ્વારા નિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા અદ્યતન પ્લાન્ટનું ઉદ્ઘાટન ઉપરાંત ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ (NID) ના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર (IIC) નું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
Read Original Article →