આજથી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે:ગાંધીનગરમાં વિકાસ કાર્યો અને અમદાવાદમાં હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે, ઓલમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે પોતાના વતન અને મતક્ષેત્ર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર તેમજ સરહદીય વિસ્તારોમાં આયોજિત વિવિધ વિકાસ કાર્યો અને સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત રહેશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં લોકભાગીદારી અને સીએસઆર (CSR) ફંડ હેઠળ તૈયાર થયેલા અનેક પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવશે. સવારના સત્રમાં ગાંધીનગર અને કલોલમાં લોકાર્પણની વણઝાર
પ્રવાસના પ્રથમ દિવસે 28 મેના રોજ સવારે 10.30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગરના વડસર ખાતે આનંદમ પરિવારના સી.એસ.આર (CSR) ફંડ દ્વારા નવનિર્મિત 'જેડવા તળાવ'નું લોકાર્પણ કરીને પ્રવાસની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ વડસર, જલુંદ અને સરઢવ ખાતે ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડના સી.એસ.આર. ફંડથી તૈયાર થયેલા અદ્યતન વાંચનાલયોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, અરવિંદ ફાઉન્ડેશન દ્વારા ખાત્રજ ખાતે નિર્માણ પામનાર તળાવ બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત અને નવીન ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ પણ તેમના હસ્તે સંપન્ન થશે. ગૃહમંત્રી કલોલ તાલુકાના મોટી ભોયણ ખાતે પહોંચી નવીન પે સેન્ટર પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સોનીપુર ખાતે ગામ તળાવ તેમજ કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના વિવિધ લોકઉપયોગી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. પૂર્વ સરપંચના ઘરે બપોરનું ભોજન અને 'શ્રી કમલમ' ખાતે હાઈલેવલ બેઠક
સોનીપુર ખાતેના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, અમિત શાહ ભાજપના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોરના નિવાસસ્થાને જશે, જ્યાં તેઓ પરિવાર સાથે બપોરનું પરંપરાગત ભોજન લેશે. બપોર બાદ તેઓ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના મુખ્યાલય "શ્રી કમલમ" ખાતે પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની એક મહત્વની બેઠક યોજાશે, જેમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના નેતાઓ સાથે આગામી સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. સાંજે અમદાવાદમાં સોલા ઉમિયાધામ અને ભારત માતા સ્કલ્પચરનું લોકાર્પણ
સાંજના સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સાંજે 4.30 વાગ્યે સોલા સ્થિત ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે નિર્માણ પામેલા અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 5.30 વાગ્યે નવા વાડજ સર્કલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દેશભક્તિના પ્રતીક સમું નવનિર્મિત "ભારત માતા" સ્કલ્પચર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા
ગુરુવારે મોડી સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન સંદર્ભે ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા રમતગમત સત્તામંડળ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. બીજા દિવસે કચ્છ પ્રવાસ
ગુરુવારના આ ભવ્ય રોડ-મેપ બાદ, મુલાકાતના બીજા દિવસે એટલે કે 29 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી સરહદીય જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે પહોંચશે. તેઓ ભુજ અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં આયોજિત વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપી નવીન પરિયોજનાઓની ભેટ ધરશે
Read Original Article →