મોદી બાદ અમિત શાહ ગુજરાત આવશે:16 અને 17 મેએ અમદાવાદ-ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે, AMCના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને મળશે
પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સૌપ્રથમ વખત ગુજરાત આવવાના છે. આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત કોર્પોરેટરોને મળશે. અમદાવાદ અને ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં અમદાવાદના મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વરણી કરવામાં આવે તેવી શક્યતા છે. 16 અને 17 મેએ બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 16 અને 17 મેના રોજ અમદાવાદ ખાતે આવશે. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગૃહમંત્રી ગુજરાત ખાતે આવી રહ્યા છે. રાજ્યમાં તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને મુખ્ય પદાધિકારીઓની નિમણૂકો હજી બાકી છે ત્યારે ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન નામોની જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. અમિત શાહની હાજરીમાં અમદાવાદ મનપાના પદાધિકારીની નિમણૂક થઈ શકે
આગામી 14 મે બાદ તમામ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટણી કરવા મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે જાહેરાત થશે. જેથી અમદાવાદમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની જાહેરાત થાય તેવી પૂરી શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકા રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે જેથી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક માટે ચર્ચા બાદ નામની જાહેરાત થશે. 16 મેએ AMC અધિકારીઓ સાથે વિકાસ કામોને લઈ બેઠક કરશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે આગામી 16 મેના રોજ ગાંધીનગર લોકસભા અંતર્ગત અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિન્કિંગ, ચોમાસામાં મિશન 5 મિલિયન ટ્રી સહિતના વિવિધ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસ કાર્યો ઝડપથી થાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે તેમજ ગાંધીનગર વિસ્તારના પણ વિકાસ કામોને લઈને બેઠક કરવામાં આવશે. ગાંધીનગર મધુર ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે
17 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત મધુર ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ચિલોડા નજીક આવેલા દશેલા પાસે નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે અને જાહેર સભાને પણ સંબોધન કરવાના છે. બપોરે 1:00 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી સમગ્ર મિલ્ક પ્લાન્ટ નું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ સભા સ્થળ પર લોકોને સંબોધન કરવાના છે.
Read Original Article →