હવેથી 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત:SCના નિર્દેશ બાદ AMCનું કડક અમલીકરણ, રહેણાંક-કોમર્શિયલ એકમો માટે 4-વેસ્ટ સેગ્રીગેશન ફરજિયાત; નિયમ ભંગ થશે તો કડક કાર્યવાહી

Gujarat5/12/2026, 1:13:16 PM
હવેથી 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત:SCના નિર્દેશ બાદ AMCનું કડક અમલીકરણ, રહેણાંક-કોમર્શિયલ એકમો માટે 4-વેસ્ટ સેગ્રીગેશન ફરજિયાત; નિયમ ભંગ થશે તો કડક કાર્યવાહી
અમદાવાદ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં રહેણાંક તેમજ કોમર્શિયલ એકમોએ કચરાનું 4 અલગ પ્રકારમાં સેગ્રીગેશન કરીને જ ડોર ટુ ડોર કલેક્શન વાહનોને આપવાનું રહેશે. નવી વ્યવસ્થા મુજબ ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી કચરો અને વિશેષ કાળજીનો કચરો (Special Care Waste) અલગ અલગ રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ભીના કચરામાં રસોડાનો કચરો, ફળો અને શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે સૂકા કચરામાં કાગળ, પ્લાસ્ટિક, કાચ અને ધાતુ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. સેનિટરી કચરામાં વપરાયેલા ડાયપર, સેનિટરી પેડ્સ સહિતનો કચરો આવશે, જેને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી બેગ અથવા યોગ્ય કાગળમાં સુરક્ષિત રીતે લપેટીને અલગ આપવાનો રહેશે. ઉપરાંત જોખમી ઘરગથ્થુ કચરાને “વિશેષ કાળજીનો કચરો” તરીકે અલગ રાખવાની સૂચના આપવામાં આવી છે. રહેણાંક અને વેપારી એકમો માટે નિયમો ફરજિયાત AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કચરો શેરીઓમાં, ખુલ્લી જગ્યાઓમાં, ગટરમાં અથવા જળાશયોમાં ફેંકવો, બાળવો કે દાટવો કાનૂની ગુનો ગણાશે. શહેરના તમામ રહેણાંક અને વેપારી એકમો માટે આ નિયમો ફરજિયાતપણે લાગુ પડશે. જો કોઈ એકમ દ્વારા 4 પ્રકારના કચરાનું યોગ્ય રીતે સેગ્રીગેશન કરવામાં નહીં આવે અથવા નિયમોના અમલમાં બેદરકારી દાખવવામાં આવશે તો તે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના સમાન ગણાશે. આવી સ્થિતિમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ લાગુ પડતા અન્ય પર્યાવરણીય કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. નવી અને કડક માર્ગદર્શિકા અમલમાં કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સિવિલ અપીલ નં. 6174/2023 માં તા. 19/02/2026 ના રોજ આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશોને અનુસરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં કચરા વ્યવસ્થાપન માટે નવી અને કડક માર્ગદર્શિક અમલમાં મૂકવામાં આવી છે. ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ ફરજિયાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ઝોન અને વોર્ડમાં Bulk Waste Generators (BWGs) માટે કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં મોટા પાયે કચરો ઉત્પન્ન કરતા એકમો માટે હવે ઓન-સાઇટ વેસ્ટ પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક કચરા વ્યવસ્થાપન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવી જોગવાઈઓ મુજબ જે એકમોનું કુલ બાંધકામ ક્ષેત્રફળ 20,000 ચોરસ મીટર અથવા તેથી વધુ હોય, અથવા જેમનો દૈનિક પાણીનો વપરાશ 40,000 લિટર કે તેથી વધુ હોય, અથવા જે એકમો દ્વારા દરરોજ 100 કિલોગ્રામ કે તેથી વધુ ઘન કચરાનું ઉત્પાદન થતું હોય, તે તમામને ‘Bulk Waste Generator’ તરીકે ગણવામાં આવશે. AMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયમો હેઠળ હોટલ-રેસ્ટોરન્ટો, ધાર્મિક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મોટા રહેણાંક એપાર્ટમેન્ટ્સ, ફ્લેટ અને સોસાયટીઓ, વાણિજ્યિક એકમો તેમજ શોપિંગ મોલ્સ સહિતના મોટા એકમોનો સમાવેશ થાય છે. લેન્ડફિલ પરનો બોજ ઘટાડવા ભાર મૂકાયો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 મુજબ આવા તમામ BWGs માટે તેમની પ્રિમાઇસીસમાં જ બાયોડિગ્રેડેબલ એટલે કે ભીના કચરાનું On-site Processing કરવું ફરજિયાત રહેશે. ઉપરાંત ઉત્પન્ન થતા સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને તેને અધિકૃત રિસાયકલર્સને જ સોંપવાનો રહેશે. AMCના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા દ્વારા શહેરમાં લેન્ડફિલ પરનો બોજ ઘટાડવા, કચરાનું વૈજ્ઞાનિક સંચાલન સુનિશ્ચિત કરવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નિયમનું ઉલ્લંઘન SCના આદેશની અવમાનના ગણાશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે જો કોઈ એકમ દ્વારા ઓન-સાઇટ પ્રોસેસિંગની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવશે અથવા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના ગણવામાં આવશે. આવી સ્થિતિમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026 તેમજ લાગુ પડતા અન્ય પર્યાવરણીય કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
Read Original Article →