વિશ્વ પર્યાવરણ દિવસ પર AMCની અનોખી પહેલ:"કેચ ધ રેઇન" અભિયાનથી અમદાવાદમાં દર વર્ષે 35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ કરવાનું ભવ્ય લક્ષ્ય

Gujarat6/5/2026, 3:30:00 AM
વિશ્વ પર્યાવરણ દિવસ પર AMCની અનોખી પહેલ:"કેચ ધ રેઇન" અભિયાનથી અમદાવાદમાં દર વર્ષે 35 કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહ કરવાનું ભવ્ય લક્ષ્ય
આજે 5 જૂન એટલે કે 'વિશ્વ પર્યાવરણ દિવસ' છે. અમદાવાદ જેવા ઝડપથી વિકસતા શહેરમાં પાણીની માંગ સતત વધી રહી છે અને ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે ઘટી રહ્યું છે. પાણીની આ અછતને પહોંચી વળવા, ગ્રાઉન્ડ વોટર લેવલ વધારવા તેમજ વરસાદી પાણીના વૈજ્ઞાનિક સંચાલનને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા “કેચ ધ રેઇન” અભિયાન વેગવંતું બનાવવામાં આવ્યું છે. 1750 જાહેર ઇમારતો પર લાગશે સિસ્ટમ આ અભિયાન અંતર્ગત અમદાવાદની આશરે 1750 જાહેર ઇમારતોમાં રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની મહત્વકાંક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટની લગભગ ૫૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને ચોમાસા પૂર્વે અંદાજે 1000 જેટલી સિસ્ટમ કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ પણ ચાલુ રાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં AMCના મુખ્ય કાર્યાલયો, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલો, શાળાઓ, લાઇબ્રેરીઓ, અર્બન હેલ્થ સેન્ટરો તેમજ પાણી પંપિંગ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. અદ્યતન 'વેજ વાયર સ્ક્રીન ફિલ્ટર' ટેક્નોલોજીનો ઉપયોગ રૂફ-ટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અંતર્ગત ધાબા અને ખુલ્લા વિસ્તારોમાં પડતું વરસાદી પાણી એકત્રિત કરીને વિશિષ્ટ ફિલ્ટરેશન પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. વરસાદી પાણીમાં રહેલા પ્લાસ્ટિકના ટુકડા, પાંદડા અને અન્ય કચરાને દૂર કરવા માટે Apollo Screens પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટેનલેસ સ્ટીલ આધારિત 'વેજ વાયર સ્ક્રીન ફિલ્ટર સિસ્ટમ' અને અદ્યતન 'ટ્રિપલ ફિલ્ટર એસેમ્બલી'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં એક્ટિવેટેડ કાર્બન અને ફિલ્ટર સેન્ડ જેવા માધ્યમો હોવાથી વરસાદી પાણી વધુ સ્વચ્છ, દુર્ગંધમુક્ત અને રિચાર્જ માટે યોગ્ય બને છે. ગુજરાત અને દેશના સ્તરે આ પ્રકારની ટેક્નોલોજીનો પ્રયોગ એક અનોખી અને નવતર પહેલ છે. વોટર હાર્વેસ્ટિંગના ફાયદા: વાર્ષિક 350 મિલિયન લિટર પાણી બચાવવાનો અંદાજ ગત વર્ષે ચોમાસાની શરૂઆતના આશરે 30 દિવસ દરમિયાન માત્ર 300 રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા જ અંદાજિત 29 મિલિયન લિટર પાણીનું સંરક્ષણ નોંધાયું હતું. આ સફળતાના આધારે, તમામ 1750 સિસ્ટમો કાર્યરત થયા બાદ અને સરેરાશ 30 ઇંચ વરસાદને ધ્યાને લેતા દર વર્ષે અંદાજિત 350 મિલિયન લિટર જેટલા પાણીનો સંચય થવાની સંભાવના છે. આ પહેલને “સ્માર્ટ સિટી” અને “ક્લાઇમેટ રિઝિલિયન્ટ અમદાવાદ”ના વિઝન સાથે જોડવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ પ્રાવધાન રખાયું છે, જે હેઠળ પ્રિ-મોન્સૂન અને પોસ્ટ-મોન્સૂન દરમિયાન નિયમિત જાળવણી કરાશે. હવે ખાનગી સોસાયટીઓમાં પણ યોજના શરૂ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી ઇમારતોમાં આ પ્રયોગ સફળ રહ્યા બાદ, આગામી સમયમાં રાજ્ય સરકારની 'મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના' અંતર્ગત જનભાગીદારી (Public Participation)ના માધ્યમથી ખાનગી રહેણાંક સોસાયટીઓમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના ઘડવામાં આવી છે. આ નવતર અભિગમથી ખાનગી વસાહતોમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને જળ સંરક્ષણ ઝુંબેશને વધુ મજબૂતી મળશે.
Read Original Article →