અમદાવાદમાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ શરૂ:12 જૂન સુધી ચાલશે, હસ્તકલા અને સંસ્કૃતિનો સંગમ
અમદાવાદમાં 'મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ'નો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત 'ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ.' દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો 6 જૂન, 2026 થી શરૂ થઈ 12 જૂન, 2026 સુધી ચાલશે. મહિલા ઉદ્યોગસાહસિકો અને કારીગરોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ ફેસ્ટિવલ ન્યુ રાણીપ વિસ્તારમાં, રામબાગ ગાર્ડનની સામે, સરદાર ચોક પાસે આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન મેદાન ખાતે યોજાઈ રહ્યો છે. મુલાકાતીઓ માટે મેળાનો સમય બપોરે 4:00 વાગ્યાથી રાત્રિના 12:00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. આનાથી નાગરિકો પરિવાર સાથે ખરીદી અને કળાનો અનુભવ કરી શકશે. આ ફેસ્ટિવલમાં ગુજરાત અને દેશની વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતી અસંખ્ય હસ્તકલા અને ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મુખ્યત્વે કાપડ અને વણાટકામમાં પટોળા, બાંધણી, અજરખ બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલીયા, મશરૂ અને કલમકારી જેવી કલાઓનો સમાવેશ થાય છે. હસ્તકલા અને ગૃહ સુશોભનમાં હાથવણાટ (કાથશાળ), વાંસકામ, કાષ્ટકલા (લાકડાની કલા) અને ટેરાકોટા જેવી વસ્તુઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પરંપરાગત કારીગરીમાં માટીકામ, મોતીકામ, ચર્મકામ (ચામડાની વસ્તુઓ) અને કચ્છી ભરતકામ જેવી કળાઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. આ મેળો સ્થાનિક મહિલા કારીગરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં અને તેમની પરંપરાગત કળાઓને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. કલાપ્રેમીઓ માટે વિવિધ ચીજો ખરીદવાની આ એક તક છે.
Read Original Article →