AMTS ડ્રાઈવર મોહસીન પઠાણે મોહિત બની મહિલાને પ્રેમજાળમાં ફસાવી:ત્રણ બાળકો છતાં અપરિણીત હોવાનું કહી દુષ્કર્મ આચર્યું, ઓળખ છૂપાવવા નકલી આધાર બનાવ્યું; આરોપીની ધરપકડ

Gujarat4/7/2026, 6:35:00 PM
AMTS ડ્રાઈવર મોહસીન પઠાણે મોહિત બની મહિલાને પ્રેમજાળમાં ફસાવી:ત્રણ બાળકો છતાં અપરિણીત હોવાનું કહી દુષ્કર્મ આચર્યું, ઓળખ છૂપાવવા નકલી આધાર બનાવ્યું; આરોપીની ધરપકડ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં AMTS બસ ડ્રાઈવર મોહસીન પઠાણે પોતાની ઓળખ છુપાવી 'મોહિત પટેલ'ના નામે એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ ખોટું આધાર કાર્ડ બનાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેનો ભાંડો ફૂટતા ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર મામલો? શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં નોકરી કરતી મહિલા બસમાં અવરજવર દરમિયાન ડ્રાઈવર મોહસીન પઠાણના સંપર્કમાં આવી હતી. મૂળ ગોધરાનો રહેવાસી અને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા મોહસીને પોતાનું નામ 'મોહિત પટેલ' હોવાનું અને પોતે અપરિણીત હોવાનું કહી મહિલાને વિશ્વાસમાં લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેણે મહિલાને અલગ-અલગ હોટલોમાં લઈ જઈ લગ્નની ખાતરી આપી અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. હોટલમાં એન્ટ્રી માટે તે 'મોહિત પટેલ'ના નામનું નકલી આધાર કાર્ડ પણ રજૂ કરતો હતો. મોબાઈલ તપાસતા આરોપીનો ભાંડો ફૂટ્યો મહિલાને શંકા જતાં તેણે આરોપીનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાંથી તેને આરોપીની બહેનનો નંબર મળી આવ્યો હતો. તેની બહેન સાથે વાતચીત કરતા સત્ય સામે આવ્યું કે તેનું સાચું નામ મોહસીન પઠાણ છે. વધુમાં તે પરિણીત છે અને તેને ત્રણ બાળકો પણ છે. જ્યારે મહિલાએ આ બાબતે પૂછપરછ કરી ત્યારે મોહસીને તેને ધમકી આપી ડરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી પીડિત મહિલાએ સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીએ નકલી આધાર કાર્ડ કોની મદદથી બનાવ્યું હતું અને અગાઉ આ પ્રકારે અન્ય કોઈ મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ. આગામી રિમાન્ડ દરમિયાન આ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Read Original Article →