હનીમૂન પર પતિએ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો:લગ્ન બાદથી જ પત્નીથી દૂર રહેતો, સાસરિયાઓ 20 લાખ દહેજ માંગતા પરિણીતાની ફરિયાદ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય માર્કેટિંગ મેનેજર યુવતીએ તેના હરિયાણા સ્થિત સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ પતિએ પોતે એ-સેક્સ્યુઅલ હોવાનો સ્વીકાર કરી મારપીટ કરતો અને સાસરિયાઓએ વધુ રૂ. 50 લાખની માંગણી સાથે હેરાનગતિ કરતા પીડિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પતિ નોકરીના બહાને પત્નીથી દૂર રહેતો
મૂળ રાજસ્થાનની યુવતીના લગ્ન સામાજિક રિવાજ મુજબ થયા હતા, જેમાં તેના પિતાએ રૂ. 25 લાખની લોન લઈને અને રૂ. 30 લાખના દાગીના આપીને ધામધૂમથી પ્રસંગ ઉકેલ્યો હતો. જોકે, લાલચુ સસરાએ વિદાય વખતે જ વધારાના રૂ. 50 લાખની માંગણી કરી દીકરીને સાસરે ન લઈ જવાની ધમકી આપી હતી. પિતાના આજીજી અને નાણાં ચૂકવવાના વાયદા બાદ યુવતી હરિયાણા સાસરે પહોંચી હતી, પરંતુ ત્યાં શરૂઆતથી જ પતિ નોકરીના બહાને તેનાથી અંતર જાળવતો હતો. હનીમૂન પર પતિ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો થયો
દંપતી જ્યારે હનીમૂન માટે વિયેતનામ ગયું ત્યારે પતિના અસલી સ્વરૂપનો પર્દાફાશ થયો હતો. પતિએ કબૂલાત કરી હતી કે તે પોતે 'એ-સેક્સ્યુઅલ' (જાતીય ઈચ્છાનો અભાવ ધરાવતો) છે અને માત્ર તેના નાના ભાઈના લગ્ન થઈ શકે તે માટે પરિવારના દબાણમાં આવીને તેણે આ લગ્ન કર્યા હતા. આ સત્ય સામે આવ્યા બાદ પણ સુધરવાને બદલે પતિએ યુવતી સાથે રહેવામાં શરમ અનુભવતો હોવાનું કહી તેની સાથે ઝઘડા કરી મારપીટ શરૂ કરી હતી. યુવતીએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
સાસરિયાઓનો ત્રાસ એટલેથી ન અટકતા, તેમણે પતિની સારવાર કરાવવાના બહાને પિયર પક્ષ પાસે વધુ રૂ. 20 લાખની માંગણી કરી હતી. અંતે માંગણીઓ પૂરી ન થતા સાસરિયાઓએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. છેલ્લા એક વર્ષથી પિયરમાં રહેતી યુવતીએ કંટાળીને સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →