ક્રેટામાં ચાર લોકો યુવતીનું અપહરણ કરી ગયા, CCTV:અમદાવાદમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને સાસુ સામે જ વહુને ઉઠાવી ગયા, પૂર્વ પ્રેમી હોવાની આશંકા

Gujarat5/28/2026, 5:53:31 AM
ક્રેટામાં ચાર લોકો યુવતીનું અપહરણ કરી ગયા, CCTV:અમદાવાદમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને સાસુ સામે જ વહુને ઉઠાવી ગયા, પૂર્વ પ્રેમી હોવાની આશંકા
અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે અપહરણની ઘટના બની છે. ઘરમાં ખાટલામાં સુતી યુવતીને ચાર લોકો જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા. યુવતીને બચાવવા દોડેલી સાસુને પણ ધક્કો મારી ધમકી આપવામાં આવી હતી. ક્રેટામાં ચાર લોકો અપહરણ કરી ગયાના CCTV પણ સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાની પાછળ યુવતીના પૂર્વ પ્રેમીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાબરમતી પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. લગ્ન બાદ પણ પ્રેમી યુવતીને પરેશાન કરતો હોવાનો પરિવારજનોનો આરોપ મોટેરા વિસ્તારમાં આવેલા ભીલવાસમાં રહેતા શારદાબેન નાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના દિકરા કમલેશના લગ્ન રાજસ્થાનમાં રહેતી કોમલ નામની યુવતી સાથે થયા હતાં. કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે મનમેળ નહીં રહેતા અંતે છૂટાછેડા થઈ ગયા હતાં. પરંતુ કોમલના જીવનમાં આ પહેલાંથી જ એક વધુ વ્યક્તિ હતી. કોમલને ગેવર ગુર્જન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. લગ્ન બાદ પણ ગેવર વારંવાર કોમલને હેરાન પરેશાન કરતો હોવાનું પરિવારજનોનો આરોપ છે. ગઈકાલે કમલેશ રોજની જેમ નોકરી પર ગયો હતો. ઘરમાં માત્ર કોમલ અને તેની સાસુ શારદાબેન હાજર હતા. યુવતી બૂમાબૂમ કરતી રહી ને ખેંચીને કારમાં બેસાડી દીધી બપોરના સમયે કોમલ ઘરમાં ખાટલામાં સૂતી હતી. ત્યારે અચાનક એક કાર ઘરની બહાર આવીને ઉભી રહી હતી. કારમાંથી ત્રણ યુવકો અને એક યુવતી નીચે ઉતર્યા હતાં. શારદાબેન કંઈ સમજે તે પહેલાં જ ચારેય લોકો સીધા ઘરમાં ઘૂસી ગયા હતાં. ઘરમાં પ્રવેશ્યા બાદ અપહરણકર્તાઓ સીધા કોમલ પાસે પહોંચ્યા હતાં. કોમલ કંઈ સમજે તે પહેલાં જ તેને જબરદસ્તી પકડી લેવામાં આવી હતી. કોમલ બૂમાબૂમ કરતી રહી પરંતુ આરોપીઓએ તેને ખેંચીને સીધી કારમાં બેસાડી દીધી હતી. યુવતીના સાસુને ધક્કો મારી દીધો અને ધમકી આપી આ દરમિયાન શારદાબેન બચાવવા દોડી આવ્યા હતા. જોકે અપહરણકર્તાઓએ તેમને ધક્કો મારી દીધો હતો. સાથે જ ધમકી આપી હતી, તમે અમારી વચ્ચે નહીં આવતાં. ઘટના એટલી ઝડપથી બની હતી કે આસપાસના લોકો કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓ ક્રેટા કારમાં યુવતીને લઈને ફરાર થઈ ગયા હતા. અપહરણમાં પૂર્વ પ્રેમી હોવાની આશંકા સમગ્ર ઘટનામાં હવે પોલીસની શંકા સીધી ગેવર ગુર્જન તરફ જઈ રહી છે. પરિવારજનોના જણાવ્યા મુજબ ગેવર અગાઉથી જ કોમલને હેરાન કરતો હતો અને તેના લગ્ન બાદ પણ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. પોલીસ હવે આ સમગ્ર ઘટનામાં પ્રેમ સંબંધ, જૂની અદાવત અને જબરદસ્તી યુવતીને લઈ જવાના એંગલથી તપાસ કરી રહી છે.
Read Original Article →