78 તોલા સોનું-4 કિલો ચાંદી આપી છતાં દહેજ માટે ત્રાસ:પતિ આયરલેન્ડ ગયા બાદ ન બોલાવતા પત્ની સ્વખર્ચે પહોંચી, અમદાવાદમાં પરિણીતાની સાસરિયા સામે ફરિયાદ
દહેજ લેવા પર પ્રતિબંધ હોવા છતાં હજુ પણ દહેજ માટે સાસરિયાંઓ તરફથી નવવધુને ત્રાસ આપવામાં આવતો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં અવિરતપણે આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં નોંધાયો છે. પિતાએ પુત્રીને લગ્નમાં 78 તોલા સોનાના દાગીના તથા આશરે 4 કિલો ચાંદીના દાગીના આપ્યાં હોવા છતાં સાસરિયાંઓ તરફથી ગાડી તથા મિલકત માટે પુત્રવધુને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેવટે કંટાળીને પુત્રવધુએ સાસરિયાંઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. લગ્નના 4 દિવસમાં યુવતીને સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું
અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર સોલા સિવિલ હોસ્પિટલ પાસે રહેતી યુવતીના લગ્ન 16 ફેબ્રુઆરી 2021ના રોજ આણંદ એચ.એમ. પટેલ સ્ટેચ્યુની પાછળ લક્ષ આઇકોનમાં રહેતાં સોહમ ગીરીશભાઇ બ્રહ્મભટ્ટ સાથે થયા હતા. લગ્ન સમયે પિતાએ દીકરીને આશરે 78 તોલા સોનાના દાગીના તથા આશરે 4 કિલો ચાંદીના દાગીના તથા ઘરવખરીનો સરસામાન આપ્યો હતો. લગ્નને ત્રણ ચાર દિવસ વીત્યા હશે ત્યાં જ સાસરીયાઓ તરફથી તું તારા બાપના ઘરેથી અમારા મોભા મુજબનો કરિયાવર લાવી નથી. ફોર વ્હીલર ગાડી અને 51 લાખની માંગણી કરી હતી
તું તારા બાપના ઘરેથી ફોર વ્હીલર ગાડી તેમ જ એકાવન લાખની માંગણી કરી હતી. પરંતુ મેં મારા પતિને જણાવ્યું કે, મારા પિતાએ તેમની યથાશક્તિ મુજબ કરિયાવર આપ્યું છે. મારી મમ્મીની કોરોનાની સારવારમાં વધુ ખર્ચ થયો હતો છતાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. જેથી તમને ફોર વ્હીલર ગાડી આપી શકશે નહીં. આ વાત સાંભળીને ઉશ્કેરાયેલાં મારા સાસરિયાઓએ મને વધુ ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. ત્યાં સુધી કે મારા સાસુ-સસરા કહેતાં હતા કે તારાથી સારી છોકરીઓ મળતી હતી તારી સાથે લગ્ન કરાવીને અમે ભૂલ કરીના મ્હેણાં-ટોણાં મારતા
યુવતીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તારાથી વધુ દહેજ લઇને આવે તેવી પણ મળતી હતી, પરંતુ તારી સાથે લગ્ન કરાવીને અમે ભૂલ કરી છે તેવા મ્હેણાં-ટોણાં મારતા હતા. એટલે સુધી કે તું ઉતરતા ખાનદાનની છે તારા જોડે આમારા દીકરાના લગ્ન કરાવી અમે પસ્તાઈ રહ્યાં છીએ. મારી પાસે ઘરનું તમામ કામકાજ કરાવતા હતા અને નાની નાની બાબતે ઝગડો કરીને તને રાંધતા આવડતું નથી. તારી મા એ તને કંઇ શીખવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતાં હતા અને મારા પતિને ચડમણી કરતાં હતા. મારા પતિ ઝગડો કરીને ગડદાપાટુનો માર મારતાં હતા
મારા પતિ મારી સાથે ઝગડો કરીને ગડદાપાટુનો માર મારતાં હતા. લગ્ન થયા ત્યારથી મારા પતિએ મારી સાથે પત્ની તરીકેનો કોઇ સંબંધ રાખ્યો નથી. આ અંગે મેં મારી સાસુને જાણ કરતાં મારા પતિ મારી પર ઉશ્કેરાઇ ગયા હતા. દરમિયાનમાં મને જાણ થઈ કે મારા પતિને લગ્ન પહેલાં અન્ય છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. તે અંગે પણ અમે સાસુ-સસરાને જણાવતાં તેઓએ આ વાત કોઇને નહીં કરવા જણાવ્યું હતું. તેઓ તેમના દીકરાને સમજાવી દેશે. બીજી તરફ અમે ઘર સંસાર ન તૂટે તે હેતુથી ચૂપચાપ સહન કરતાં હતા. ઘર સંસાર તોડવા ન માંગતા મૂંગા મોંઢે ત્રાસ સહન કરતી
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું નોકરી કરતી હોવાથી મારા સાસુ-સસરા મને ત્રાસ આપતા હતા અને મારો પગાર લઇ લેતાં હતા. મને વાપરવા માટે પૈસા પણ આપતાં ન હતા. હું મારો ઘર સંસાર તોડવા માંગી ન હતી અને એક દિવસ મારો પતિ સુધરી જશે તેવું વિચારીને મૂંગા મોંઢે ત્રાસ સહન કરતી હતી. લગ્ન પહેલાં મારી સગાઇ થઇ ત્યારે અમારી કેનેડાના પી.આર.ની ફાઇલ મૂકી હતી. તે મંજૂર થઈ તેમ જ તેના અનુસંધાને મારા પતિને મેડિકલ, ફિંગરપ્રિન્ટ તથા રેટીના સ્ક્રેનીંગ કે.ડી. હોસ્પિટલ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યા હતા. મારા પિતાએ મદદ કરી મને આયરલેન્ડ મોકલી હતી
મારા પતિએ પાછળથી મને જણાવ્યું કે, એજન્ટ દ્રારા આપણી જોબ ઓફર અન્ય ત્રાહિત વ્યક્તિને વેચી મારી છે. જેથી આપણે કેનેડા જઇ શકીશું નહીં. ત્યારબાદ મારી તથા મારા પતિની આયરલેન્ડ જવા માટે ફાઇલ મૂકી હતી. પણ મારી ફાઇલ પ્રોસેસમાં રીજેકશન આવ્યું અને મારા પતિ સપ્ટેમ્બર-2023ના રોજ આયરલેન્ડ જતાં રહ્યાં હતા. ત્યારબાદ ઘણો સમય થવા છતાં મારા પતિએ મને આયરલેન્ડ લઇ જવા કોઇ કાર્યવાહી કરી ન હતી. જેથી મારા પિતા તથા ભાઇએ મારી આયરલેન્ડની ફાઇલ મૂકી હતી. જેમાં મારા પિતા તથા ભાઇએ નાણાકીય મદદ કરી હતી અને હું આયરલેન્ડ પહોંચી હતી. આયરલેન્ડમાં હું અને મારા પતિ બંને અલગ અલગ રહેતા હતા
મારા પતિ મને મળવા સુધ્ધાં આવ્યા નહીં. એટલું જ નહીં પરંતુ હું ફક્ત 104 કિલોમીટર દૂર રહેતી હોવા છતાં મારા પતિ મારી સાથે રહેતાં ન હતા કે મને સાથે રાખવા તૈયાર ન હતા. ના છૂટકે મારે અલગથી ભાડે મકાનમાં રહેવું પડ્યું હતું. આયરલેન્ડ ગયા બાદ બે મહિના પછી મને મેડિકલ ઇમરજન્સીના અનુસંધાને એક દિવસ વેન્ટીલેટર અને બે દિવસ આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવી હોવા છતાં મારા પતિ મને મળવા કે ખબર કાઢવા આવ્યા ન હતા. મારા પિતા સમજાવવા જતા અપમાન કરી કાઢી મૂક્યા હતા
આમ મારા પતિએ મારી કોઇ દરકાર લીધી ન હતી. છેવટે મારા પિતાએ સગાં-સંબંધીઓ દ્વારા મારા પતિ તથા સાસુ-સસરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેમનું અપમાન કરી ઘરમાંથી કાઢી મૂકયાં હતા. હું ગઇ તા. 26 મે 2026ના રોજ અમદાવાદ આવી છું. આમ દહેજ બાબતે મારા સાસરિયાંઓ તરફથી મને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. યુવતીની ફરિયાદના આધારે સોલા હાઈકોર્ટ પોલીસે તેના પતિ સોહમ, સસરા ગીરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટ તેમજ સાસુ માધુરી ગીરીશભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →