શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 217 કેસો:પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ, ગુજરાત યુનિવર્સિટી રોડ પર ઝાડ કાપી નાખતા તપાસની માંગ

Gujarat5/12/2026, 2:24:38 PM
શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 217 કેસો:પાણીના જગ વેચનારા એકમોમાં તપાસ, ગુજરાત યુનિવર્સિટી રોડ પર ઝાડ કાપી નાખતા તપાસની માંગ
ઉનાળા દરમિયાન પાણીજન્ય રોગો ન થાય તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને પાણીના જગનું વિતરણ કરનારા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં બે જેટલા પાણીના જગના વિક્રેતાનું સેમ્પલ ફેલ આવતા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 1થી 10 મે સુધીમાં ઝાડા ઉલટીના 217, ટાઈફોઈડના 41, કમળાના 10 કેસ નોંધાયા છે. 10 દિવસમા 2309 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમાં 9 સેમ્પલ ફેલ થયા છે. વૃક્ષોને ગેરકાયદે કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ શહેરના ગુજરાત યુનિવર્સિટી રોડ પર સોમવારે મોડી રાતે જાહેરાતના બોર્ડ આડે આવતા નડતરરૂપ વૃક્ષોને ગેરકાયદે કાપવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના ગાર્ડન વિભાગની ઘોર બેદરકારી અને ખાનગી એજન્સી સાથેની મિલીભગતના લીધે આ વૃક્ષ કાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. એડવોકેટ અતિક સૈયદના જણાવ્યા અનુસાર, આ કામગીરી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે પર્યાવરણીય કારણો વગર માત્ર ખાનગી એજન્સીને આર્થિક ફાયદો કરાવવા માટે કરવામાં આવી છે. વૃક્ષો કાપનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કરીને એજન્સી સાથે મેળાપીપણું કર્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. આ ઘટનાના પગલે ગાર્ડન વિભાગના ડાયરેક્ટર સામે તપાસની માગણી કરવામાં આવી છે. એજન્સીનું લાઇસન્સ રદ કરવા અને વૃક્ષો કાપનાર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે માંગણી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે જવાબદારો સામે સખત પગલાં લેવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. AMC દ્વારા ઉપયોગમાં વાહનોના ઇંધણ પાછળ 16 કરોડનો ખર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે વર્ક ફ્રોમ હોમનો અમલ કરવા, મેટ્રોનો ઉપયોગ કરવા, ઓનલાઈન મીટિંગ કરવા, પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી મોટરકાર સહિતના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વપરાશ પાછળ વર્ષે રૂ. 16 કરોડ, 53 લાખથી વધુ રકમ ખર્ચ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EV બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ માટે ડીઝલ અને પેટ્રોલ વાહનનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે. AMCના વાહનોમાં દરરોજ 100 લિટર પેટ્રોલ અને 5,000 લિટર ડીઝલનો વપરાશ AMCના જમાલપુર એસ. ટી. ડેપો પાસે આવેલા સેન્ટ્રલ વર્કશોપમાંથી AMCના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ પૂરવામાં આવે છે. AMCના વાહનોમાં દરરોજ 100 લિટર પેટ્રોલ અને 5,000 લિટર ડીઝલનો વપરાશ થાય છે. આમ, AMCના વાહનોમાં મહિને 3,000 લિટર પેટ્રોલ અને 1 લાખ, 50 હજાર ડીઝલનો વપરાશ કરવામાં આવે છે અને તે મુજબ વર્ષે દહાડે AMCના વાહનોમાં 36,000 લિટર પેટ્રોલ અને 18 લાખ લિટર ડીઝલનો વપરાશ થાય છે. આમ, AMCના વાહનોમાં મહિને પેટ્રોલ રૃ.2 લાખ, 76 હજાર અને મહિને ડીઝલ પાછળ રૃ. 1 કરોડ, 35 લાખનો ખર્ચ થાય છે અને તે મુજબ વર્ષે દહાડે પેટ્રોલ પાછળ રૃ.33 લાખ, 12 હજારનો ખર્ચ થાય છે તેમજ વર્ષે દહાડે ડીઝલ પાછળ રૃ. 16 કરોડ, 20 લાખનો ખર્ચ થાય છે. આમ, AMCના પેટ્રોલ અને ડીઝલ પાછળ કુલ રૂ. 16 કરોડ, 53 લાખથી વધુનો ખર્ચ થાય છે.
Read Original Article →