પૂર્વ વિસ્તારમાં બે જીવલેણ અકસ્માતમાં 2ના મોત, એક ઈજાગ્રસ્ત:એપોલો સર્કલ નજીક ટ્રેલરે એક્ટિવાને કચડ્યું, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત; અન્ય એક ઘટનામાં સિક્યુરિટી ગાર્ડનો જીવ ગયો

Gujarat6/7/2026, 2:33:47 PM
પૂર્વ વિસ્તારમાં બે જીવલેણ અકસ્માતમાં 2ના મોત, એક ઈજાગ્રસ્ત:એપોલો સર્કલ નજીક ટ્રેલરે એક્ટિવાને કચડ્યું, વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત; અન્ય એક ઘટનામાં સિક્યુરિટી ગાર્ડનો જીવ ગયો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 24 કલાક દરમિયાન બે અલગ-અલગ ગંભીર માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ અકસ્માતોમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ છે. બંને ઘટનાને પગલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ફરાર વાહનચાલકોની શોધખોળ શરૂ કરી છે. ઘટના 1: એપોલો સર્કલ નજીક ટ્રેલરે એક્ટિવાને કચડ્યું એસ.પી. રિંગરોડ પર આવેલા એપોલો સર્કલ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સામે આવ્યો છે. કલોલમાં રહેતા 65 વર્ષીય મહેન્દ્રકુમાર પટેલ અને તેમના પત્ની સીતાબેન પટેલ (ઉંમર 63 વર્ષ) શાહિબાગ ખાતે એક સગાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યાંથી તેઓ હીરાવાડી સ્થિત પોતાના મકાને રોકાયા બાદ બીજા દિવસે સવારે એક્ટિવા પર પરત કલોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન એપોલો સર્કલ નજીક પાછળથી આવી રહેલા એક બેફામ ટ્રેલરે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી રોડ પર પટકાયું હતું. સીતાબેન ટ્રેલરના તોતિંગ ટાયર નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મહેન્દ્રકુમારને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થઈ જતાં ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના 2: CTM પાસે BRTS કોરિડોરમાં બોલેરોની ટક્કરથી સિક્યુરિટી ગાર્ડનું મોત બીજો અકસ્માત સીટીએમ ચાર રસ્તા બ્રિજ નીચે આવેલા બીઆરટીએસ (BRTS) કોરિડોરમાં બન્યો હતો. રામોલ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પંકજભાઈ ગોહેલ, જેઓ ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, તેઓ ગત 3 જૂનની રાત્રે સીટીએમ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલી એક બોલેરો ગાડીએ પંકજભાઈને અડફેટે લીધા હતા. બોલેરોની ટક્કર એટલી જોરદાર હતી કે પંકજભાઈ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને બોલેરો ચાલક માનવતા નેવે મૂકીને મદદ કરવા રોકાયા વિના જ નાસી છૂટ્યો હતો. ગંભીર હાલતમાં પંકજભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. આ ઘટના અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમે અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેની શોધખોળ આદરી છે.
Read Original Article →