અમદાવાદમાં 79 જેટલા સ્થળ પર ટ્રાફિક:AMTS-BRTS બસોના ડ્રાઇવરો પાસેથી વિગતો મેળવીને સર્વે કર્યો, ટ્રાફિક સમસ્યા નિવારવા ઉકેલ લાવશે
અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવે છે. ટ્રાફિકના કારણે AMTS અને BRTS બસો પણ મોડી પહોંચતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ અવરજવર કરતા રૂટો ઉપર દોડતી બસોના ડ્રાઈવરો પાસે સર્વે કરાવાવવામાં આવ્યો હતો. શહેરમાં 79 જેટલા વિસ્તારમાં ઉપર સૌથી વધારે ટ્રાફિક સમસ્યા થાય છે જેના કારણે AMTS અને BRTS બસો મોડી પહોંચી રહી છે. સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા ક્યાં રૂટ ઉપર સર્જાય છે તે અંગેની માહિતી મેળવી હતી જેના આધારે હવે આ ફળો ઉપર દબાણ દૂર કરવા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવશે. સર્વેમાં શું શું સામે આવ્યું?
AMTS અને BRTSની અંદાજે 75 ટકા જેટલી બસો હાલમાં સમયસર સ્ટોપ ઉપર પહોંચી રહી હોવા છતાં કેટલાક રૂટ પર બસો સતત મોડું પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. AMC દ્વારા વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન શહેરના સાતેય ઝોનમાં કુલ 79 એવા સ્થળો મળી આવ્યા હતા જ્યાં ટ્રાફિક દબાણ, રોડ ઉપર ગેરકાયદે પાર્કિંગ, દબાણો, લોકો દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવાની પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોના પાલનમાં બેદરકારી સંબંધિત સમસ્યાઓને કારણે બસોની ગતિ ધીમી પડી રહી હતી અને જેના કારણે બસો સમયસર પહોંચી શકતી નહોતી. હોટસ્પોટ્સના કારણે ઘણી બસો સ્ટોપ સુધી સમયસર પહોંચી નહોતી
AMCના સર્વેમાં સામે આવ્યું હતું કે, આવા ટ્રાફિક હોટસ્પોટ્સના કારણે ઘણી બસો સ્ટોપ સુધી સમયસર પહોંચી શકતી નહોતી, જેના સીધા પ્રભાવ રૂપે મુસાફરોને રાહ જોવી પડતી હતી અને સમગ્ર રૂટની સમયસૂચિ પ્રભાવિત થતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન કેટલીક જગ્યાઓ ઉપર બસોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડતું હતું. ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી શરૂ કરી
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCના એસ્ટેટ વિભાગ, ટ્રાફિક વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના ઓળખાયેલા 79 સ્થળોએ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી અને જરૂરી સ્થળોએ પાર્કિંગ સુવિધા ઉભી કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા કામગીરી કરવામાં આવશે બાદમાં ટ્રાફિક અવરોધ દૂર થતાં AMTS અને BRTS બસો વધુ સમયબદ્ધ રીતે દોડી શકશે અને મુસાફરોને વધુ ઝડપી જાહેર પરિવહન સેવા મળશે.
Read Original Article →