જ્યોર્જિયામાં MBBS કરી રહેલા અમદાવાદનો વિદ્યાર્થી 10 દિવસથી ગુમ:ફ્લેટ માલિક ધમકાવતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ, માતાએ રડતા રડતા કહ્યું- 'સરકાર મારા દીકરાને પરત લાવી આપે'

Gujarat5/23/2026, 6:35:21 PM
જ્યોર્જિયામાં MBBS કરી રહેલા અમદાવાદનો વિદ્યાર્થી 10 દિવસથી ગુમ:ફ્લેટ માલિક ધમકાવતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ, માતાએ રડતા રડતા કહ્યું- 'સરકાર મારા દીકરાને પરત લાવી આપે'
જ્યોર્જિયામાં MBBSનો અભ્યાસ કરી રહેલો અમદાવાદનો વિદ્યાર્થી 10 દિવસથી ગુમ થઈ જતા અમદાવાદમાં રહેતા પરિવારજનો ચિંતિત બન્યા છે. ધ્વનિત રાજદીપ નામના યુવકનો 14 તારીખથી ગુમ છે. અમદાવાદમાં રહેતા માતાપિતા સાથે છેલ્લે 14 તારીખે ફોન પર વાત થઈ હતી. માતાપિતાનું માનીએ તો, છેલ્લે જ્યારે પુત્ર સાથે વાત થઈ ત્યારે તે જે ફ્લેટમાં ભાડે રહેતો હતો તેના મકાન માલિક દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી અને ધમકી આપવામાં આવી હતી. જેના કારણે યુવાન અન્ય જગ્યાએ રહેવા જવાની તૈયારી કરતો હતો. ત્યારબાદ તેનો સંપર્ક કપાઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા છે. માતાએ રડતા રડતા કહ્યું હતું કે, સરકાર મારા દીકરાને પરત લાવી આપે. અમદાવાદના સાંસદે પણ વિદેશ મંત્રાલયના ધ્યાન પર સમગ્ર મામલો મૂક્યો છે. છેલ્લે 13મેના દિવસે માતાપિતા સાથે વાત થઈ હતી અમદાવાદના વિરાટનગર ખાતે રહેતા પરિવારનો દીકરો ધ્વનિત જ્યોર્જિયામાં ગુમ થતાં પરિવાર પર આફત આવી પડી છે. ધ્વનિત રાજદિપ અગાઉ મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો. પરંતુ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે તેને ભારત પરત આવવું પડ્યું હતું. જેથી તે બાદ અધુરો અભ્યાસ પૂર્ણ કરવા માટે તે 4 વર્ષ અગાઉ જ્યોર્જીયા ગયો હતો. તે જ્યોર્જિયાની કોકસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ખાતે MBBSનો અભ્યાસ કરતો હતો. તેના નવમા સેમેસ્ટરનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન 14મેના રોજ ધ્વનિતની માતા ધર્મીષ્ઠાબેન સાથે તેની વાત થઇ હતી. 10 દિવસ પહેલા વાત થઈ પરંતુ તે બાદ અચાનક તેનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. જે બાદ અત્યાર સુધી કોઈપણ સંપર્ક થઈ શક્યો નથી. અચાનક દીકરો ગુમ થઈ જતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમજ બીજા દીકરાને પણ ધ્વનિતને શોધવા માટે જ્યોર્જિયા મોકલવામાં આવ્યો છે. ત્યાંની એમ્બેસીને અને પોલીસ જાણ કરવામાં આવી છે છતાં કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળતો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. જે ફ્લેટમાં ભાડે રહેતો હતો તેના માલિક દ્વારા ટોર્ચર કરાયો હોવાનો આક્ષેપ ધ્વનિત રાજદીપ જ્યોર્જિયામાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો.જે ફલેટના માલિક અનિલ તથા અનિલની ગલફ્રેન્ડ માન્યા સતત તેને માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવાર ગંભીર આક્ષેપ કર્યા છે. ફ્લેટ માલિકના ત્રાસથી કંટાળી ધ્વનિતે રૂમ બદલીને અન્ય જગ્યાએ ફ્લેટ રાખ્યો હતો. પરંતુ અનિલ અને તેની ગર્લફ્રેન્ડ દ્વારા ધ્વનિતનો સામાન રાખીને તેના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હતી. જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જેથી દીકરાની સુરક્ષાને કારણે જેટલા પણ રૂપિયા માંગ્યા હતા તે તમામ આપી દેવામાં આવ્યા હતા. પરંતુ તે બાદ પણ ધ્વનિતને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો. કેટલોક સામાન લેવા જ્યારે તે અનિલના રૂમ પર ગયો ત્યારે તેને રૂમમાં પુરી દેવામાં આવ્યો હતો અને તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અનિલની માંગણી મુજબ રૂપિયા આપ્યા હતા અને ધ્વનિતને અમદાવાદ પરત આવવા જણાવ્યું હતું. જેની ટિકિટ પણ અમદાવાદથી કરાવી હતી. ધ્વનિત 14 તારીખના રોજ સવારે પાસપોર્ટ લઇ ભારત આવવા માટે એરપોર્ટ રવાના થયો હતો. પરંતુ ત્યારબાદ તેનો ફોન અચાનક બંધ થઈ ગયો છે. પરિવારને ચિંતા છે કે, અનિલ અને તેની ગર્લફ્રેન્ડે તેને અમદાવાદ આવવા દીધો નથી. જેથી 10 દિવસ સુધી દીકરા સાથે કોઈ સંપર્ક ન થતા પરિવારે રડતા રડતા સાંસદ દિનેશ મકવાણાને રજૂઆત કરી છે. તેમજ ગુજરાત સરકાર અને ભારત સરકાર તેમના દીકરાને સલામત રીતે પરત લાવે તેવી માંગ કરી છે. મારા દીકરાને ફ્લેટના માલિક દ્વારા હેરાન કરવામાં આવતો હતો- પિતા ધ્વનિતના પિતા મયુરકુમાર રાજદીપે જણાવ્યું હતું કે, મારો દીકરો છેલ્લા બે વર્ષથી જ્યોર્જિયામાં છે.પરંતુ 14 તારીખે દોઢ વાગ્યા બાદ તેનો ફોન અચાનક સ્વીચઓફ થઈ ગયો છે. જે બાદ અમારો કોઈ પણ પ્રકારે સંપર્ક થઈ શક્યો નથી. જ્યોર્જિયા કોકસસ મેડિકલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેમજ ટીબલીસી સિટીમાં એક ફ્લેટમાં ભાડે રહેતો હતો. જેના પાસેથી ફ્લેટ લીઝ પર લેવામાં આવ્યો હતો તે લોકો મારા દીકરાને મેન્ટલી હેરેસમેન્ટ કરતા હતા. અનિલ અને તેની ગર્લફ્રેન્ડ માન્યા અને તેનો પાર્ટનર ઝાકી મેન્ટલી પરેશાન કરતા હતા. જેથી તેને અલગ ફ્લેટ લીધો હતો પરંતુ તેમ છતાં તેને સતત હેરાન કરવામાં આવતો હતો. છેલ્લે અમારે તેની સાથે 14 તારીખે વાત થઈ હતી. ફલેટના માલિક મેન્ટલી હેરેસમેન્ટ કરતા હોવાના આક્ષેપ સાથે મયુરકુમારે જણાવ્યું હતું કે, ધ્વનિતે આગલા દિવસે અન્ય ફ્લેટ પર અડધો સામાન શિફ્ટ કરી દીધો હતો. પરંતુ ત્યારબાદ અનિલે તેને ધમકી આપવાની શરૂઆત કરી હતી. 'તું જે નવી જગ્યાએ જાય છે તે અમને ખ્યાલ આવી ગયો છે, જેથી ત્યાં આવીને તને મારી નાખીશું' તેવી ધમકી આપવામાં આવી હતી. તેમજ તેને મેસેજમાં મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી. જે બાદ અનિલે મારા દીકરા પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી મારો દીકરો પૈસા આપવા માટે, સામાન લેવા માટે અને ભાડે લીધેલા ફ્લેટની ચાવી આપવા માટે ત્યાં ગયો હતો. ત્યાં પણ તેને મેન્ટલી હેરાન કરવામાં આવ્યો હતો. જેથી આખરે કંટાળીને મારા દીકરાએ મને ફોન કર્યો હતો. પૈસા આપવા છતાં હેરાન કરતા હોવાનું મને જણાવ્યું હતું. જ્યોર્જિયામાં પોલીસ સપોર્ટ ન કરતી હોવાનો પિતાનો આક્ષેપ મયુરકુમારે જણાવ્યું હતું કે,અમે ધ્વનિતને પરત અમદાવાદ આવવા માટે કહ્યું હતું. જે બાદ તે અમદાવાદ આવવા માટે નીકળ્યો હતો અને અચાનક જ તેનો ફોન સ્વીચઓફ થઈ ગયો છે. જેથી અમે એમ્બેસી અને કોલેજમાં જાણ કરી છે. તેમજ મારો બીજો દીકરો તેને શોધવા માટે પણ ગયો છે. પરંતુ પોલીસ તરફથી કોઈપણ પ્રકારનો સપોર્ટ મળી રહ્યો નથી. મારા દીકરાને શું થયું છે ? ક્યાં ગયો છે ? તેનો કોઈપણ જવાબ આપવા પોલીસ તૈયાર નથી. જેથી ગુજરાત સરકાર અને ભારત સરકારને મારા દીકરાને પરત લાવવા માટે અપીલ કરીએ છીએ. ફ્લેટ માલિકની મોર્ડસ ઓપરેન્ડી હોય તેવું લાગી રહ્યું હતું. કારણ કે અગાઉ પણ એક દીકરી ત્યાં રહેતી હતી અને તેના પાસેથી પણ આ લોકોએ પરેશાન કરીને પૈસા પડાવી લીધા હતા. જેથી તે દીકરી કંટાળીને જ્યોર્જિયા દેશ છોડીને પરત આવી ગઈ હતી. પરંતુ આ વાત મારા દીકરાએ અગાઉ મને કરી ન હતી. સરકાર મારા દીકરાને પરત લાવી આપે- માતા રડતા રડતા ધ્વનિતની માતા ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે, મારે દીકરા સાથે છેલ્લી વખત 13 તારીખે વાત થઈ હતી. પરંતુ બીજા દિવસે મારા પતિ સાથે તેને વાતચીત કરી હતી. મારે વાત થઈ ત્યારે તેને એવું કહ્યું હતું કે હું સામાન લઈને નવા ફ્લેટ પર આવી ગયો છું. છેલ્લે 14 તારીખે અમારો સંપર્ક થયો હતો તે બાદ અમારી કોઈપણ પ્રકારની વાત થઈ નથી. હું સરકારને એટલી જ માંગણી કરી રહી છું કે તે લોકો જ્યોર્જિયા સરકારને રજૂઆત કરે. મારા દીકરાને ઝડપથી પરત લાવી આપે તેવી જ અમારી માંગ છે. મારો દીકરો સ્કોલર વિદ્યાર્થી હતો ખૂબ જ મહેનત કરતો હતો. સપ્ટેમ્બર મહિનામાં મારો દીકરો ડોક્ટરની ડિગ્રી લઈને પરત આવી જવાનો હતો. ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે જેટલું ઝડપી બને તેટલો મારા દીકરાને પરત લાવવામાં આવે. બીજું મારે હવે કઈ જોઈતું જ નથી. અમદાવાદ પશ્ચિમના સાંસદે સમગ્ર બાબતે વિદેશ મંત્રાલયનું ધ્યાન દોર્યું અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મયુરભાઈ રાજદીપ મારી પાસે આવ્યા હતા. જેમનો દીકરો ધ્વનિત રાજદીપ જે જ્યોર્જિયામાં MBBSનો અભ્યાસ કરવા માટે ગયો હતો. ત્યાં રહેવા માટે બાબતે કોઈ બબાલ થઈ હોવાથી છેલ્લા 10 દિવસથી દીકરો ગુમ થયેલો છે. ફોન પર વાત કરતા કરતા અપહરણ થયું હોવાની શંકા છે. ગઈકાલે સમાચાર મળ્યા બાદ તાત્કાલિક વિદેશ મંત્રાલયમાં મેઈલ કરવામાં આવ્યો છે. સોમવારે ફરી વાત કરીને દીકરો ફરી પરત જલ્દી આવે તે માટેના પ્રયાસ કરીશું. જે પણ મદદની જરૂર હશે તે તમામ મદદ કરવા માટે અમે તૈયાર છીએ.
Read Original Article →