ટ્રાફિક સમસ્યા નિવારવા 'જંકશન બંધ મોડલ':કરોડો ખર્ચી AMC-ટ્રાફિક પોલીસે ડિઝાઇન બદલી, ઇસ્કોન અને પેલેડિયમ મોલ જંકશન પર બ્રિજ નીચે રોડ બંધ કરી લોખંડના ડ્રમ મૂક્યા
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસજી હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સનાથલથી લઈ સરખેજ સુધી 20 મિનિટમાં પહોંચી જવાય તેના માટે એસજી હાઇવે પર મોટા જંકશન ઉપર ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે, ત્યારે હવે ઓવર બ્રિજની નીચે આવેલા ચાર રસ્તાને પણ બંધ કરીને ત્યાંના ટ્રાફિકને દૂર કરવા માટે લોખંડના ડ્રમ અને પ્લાસ્ટિકના રોડ બેરિયર્સ મૂકી ટ્રાફિક સમસ્યા દૂર કરવાનો પ્રયોગ હાથ ધર્યો છે. પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક પ્રાયોગિક ધોરણે આ કામગીરી કરવામાં આવી છે અને ત્યારબાદ આખા એસજી હાઇવે પરના તમામ જંકશન પર આ પ્રકારે ડ્રમ મૂકી અને યુ ટર્ન લઈ લોકોને અવર-જવર કરવી પડશે. એસજી હાઇવે પર બ્રિજની નીચે પણ અનેક મોટા જંકશન આવેલા છે. ચાર રસ્તા ઉપર ક્યાંય પણ વાહનો ઉભા ન રહે તેમજ વાહનો સતત ચાલ્યા કરે અને ચારેય દિશામાંથી સિગ્નલફ્રી ટ્રાફિક સરળતાથી પસાર થઈ શકે તે હેતુસર આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ટ્રાફિક જામ, અકસ્માતોની શક્યતાઓ અને વાહનોની અનિયમિત અવરજવર જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાત કન્સલ્ટન્ટ તથા ટ્રાફિક પોલીસના સૂચનોના આધારે આ આયોજન અમલમાં કરવામાં આવ્યું છે. પેલેડિયમ મોલ નજીક 29 લોખંડના ડ્રમ્સ મૂક્યા
કરોડો રૂપિયાનું બજેટ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક સંસ્થાઓ પાસે ટ્રાફિકના સર્વે કરાવીને બ્રિજ બનાવવાની કામગીરી અને ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કર્યા બાદ ટ્રાફિક પોલીસ અને અલગ અલગ નવા વિચારો સાથે દરેક મોટા જંકશન પર હવે લોખંડના ડ્રમ્સ મૂકવાની તથા કેપ્સુલ શેપ બનાવી રહ્યું છે. જે અંતર્ગત એસ.જી. હાઇવે પર ઇસ્કોન મંદિર નજીક 23 લોખંડના ડ્રમ્સ તથા પેલેડિયમ મોલ નજીક 29 લોખંડના ડ્રમ્સ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 54 પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ જે ભાગમાં કેપ્સુલ ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યાં 25 પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે
AMCના અધિકારીએ જણાવ્યું હતું કે, આ વ્યવસ્થા ગોઠવવાથી નાગરિકોને ટ્રાફિક જામમાં ઘટાડો થશે. વાહનોના ઈંધણના બર્નિંગમાં ઘટાડો થશે તેમજ સમયની બચત થશે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક કનજેશનમાં ઘટાડો થવાની અને જંકશન ઉપર સતત મુવિંગ ટ્રાફિક મળવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ અકસ્માતોની સંભાવનામાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બે સ્થળો પર ટ્રાયલ બેઝ તરીકે અમલીકરણ
જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા આ બે સ્થળો પર આ પ્રકારે આયોજન કરીને ટ્રાયલ બેઝ તરીકે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો આ પ્રયોગ સફળ સાબિત થશે તો શહેરના અન્ય જંકશનો ઉપર પણ આવી ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની યોજના પર વિચારણા કરવામાં આવશે.
Read Original Article →