સેવન્થ ડે સ્કૂલને ગુજરાત બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની નોટિસ:HCમાંથી રાહત બાદ સ્કૂલને અંતિમ તક, સમયમર્યાદામાં પુરાવા રજૂ નહીં કરે તો માન્યતા રદ સુધીની કાર્યવાહી થઈ શકે
મણિનગર વિસ્તારમાં આવેલી વિવાદિત સેવન્થ ડે સ્કૂલને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. વિદ્યાર્થીની હત્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં શાળાની માન્યતા સહિતની અનેક વહીવટી બેદરકારીઓ સામે આવી હતી. જે મુદ્દે સેવન્થ ડે સ્કૂલને અંતિમ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. શાળાની માન્યતા સહિતના આધાર પુરાવો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જો શાળા દ્વારા યોગ્ય આધાર પુરાવા રજુ નહીં કરવામાં આવે તો શાળાને સરકાર હસ્તક લેવામાં આવશે. તેમજ માન્યતા રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઈ શકે છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિની હત્યા બાદ શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી
19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી હતી. જે બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી હતી. જે તપાસ દરમિયાન શાળાની અનેક પ્રકારની વહીવટી બેદરકારીઓ સામે આવી હતી. જેથી શાળાની માન્યતા સહિતના પુરાવાઓ રજૂ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને સૂચના આપી હતી. અનેક વખત નોટિસ આપ્યા બાદ યોગ્ય આધાર પુરાવા રજુ ન કરતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ભલામણના આધારે શાળાને સરકાર હસ્તક લેવામાં આવી હતી. જે બાદ શાળાનો તમામ વહીવટ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો હતો. પરંતુ સેવન્થ ડે સ્કૂલ દ્વારા હાઇકોર્ટમાં જઈને શાળાને સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટની સૂચનાના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને સરકાર હસ્તક લેવાનો ઓર્ડર રદ કરી વહીવટ ફરી સંસ્થાને સોંપવામાં આવ્યો હતો. તેમજ આધાર પુરાવા રજુ કરવા સમય ન આપ્યો હોવાની રજુઆતના આધારે શિક્ષણ વિભાગ દ્વારા શાળાને અંતિમ તક આપવામાં આવી છે. ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા શાળાને અંતિમ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ શાળાને જરુરી પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી
તપાસ દરમિયાન સામેલી વહીવટી બેદરકારીઓને જવાબ રજૂ કરવા અને માન્યતા સહિતના જરૂરી આધાર પુરાવા રજુ કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શાળાને સમય આપ્યો છે. આજના દિવસમાં તમામ આધારો સાથેનો ખુલાસો રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જો યોગ્ય આધાર પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ખુલાસો રજૂ કરવા માંગતા નથી તેમ સમજીને નિયમોનુસાર કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત બોર્ડે સેવન્થ ડે સ્કૂલને શો કોઝ નોટિસ મોકલી
તો બીજી તરફ ગુજરાત બોર્ડ દ્વારા પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સોંપવામાં આવેલા તપાસ અહેવાલના આધારે સેવન્થ ડે સ્કૂલને અંતિમ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. શાળાને સરકાર હસ્તક કેમ ન લેવી ? તે બાબતે જરૂરી આધાર પુરાવા રજુ કરવા માટે શાળાને સમય આપવામાં આવ્યો છે. આગામી 29 તારીખે 12 વાગ્યા સુધીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ સમક્ષ આધાર પુરાવો રજૂ કરવા માટે શાળાને આદેશ કરવામાં આવ્યો છે. જો સમયમર્યાદામાં યોગ્ય આધાર પુરાવા શાળા દ્વારા રજૂ નહીં કરવામાં આવે તો ગુજરાત બોર્ડ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ 14 આધાર પુરાવા રજૂ કરવા સેવન્થ ડે સ્કૂલને નોટિસ અપાઈ પ્રાથમિક શિક્ષણ નિયામક અને ગુજરાત બોર્ડ દ્વારા સેવન્થ ડે સ્કૂલને 14 જેટલા આધાર પુરાવા રજુ કરવા સૂચના આપવામાં આવી છે. 1. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ મુજબ દરેક શાળાએ મંજૂરી / પ્રમાણપત્ર મેળવવાનું આવશ્યક છે. જેથી સેવન્થ ડે સ્કૂલ શાળા દ્વારા વાલીઓને શૈક્ષણિક વર્ષ 2025- 26ની પ્રવેશ પ્રક્રિયાને લગતી સુચનાઓ દર્શાવતા પત્રમાં 2 શાળાઓ 1. હરીપુરા કેમ્પસ, 2. મણીનગર કેમ્પસ ( ચર્ચ પાસે)નો ઉલ્લેખ કરેલ છે. તે બંને શાળાઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ મુજબ મંજૂરી મેળવેલ છે કે કેમ? તે અંગે સ્પષ્ટતા કરવા સૂચના આપવામાં આવી છે. જો ન મેળવેલ હોય તે સંજોગોમાં સંબંધિત અધિનિયમના ભંગ બદલ શાળા ચલાવવા બાબતે નિયમાનુંસાર કાર્યવાહી કેમ ન કરવી? તે બાબતનો ખુલાસો રજૂ કરવા પણ સૂચના અપાઈ છે. 2. જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેરના અહેવાલ અનુસાર રજૂ કરેલ શાળાના મંજૂરી પત્રો ધ્યાને લેતાં હાલ જે જગ્યાએ શાળા ચાલે છે તેમજ જે જગ્યાએ શાળાને મંજૂરી મળેલ છે તે બંને જગ્યાના સરનામામાં વિસંગતતા જોવા મળી છે. હરીપુરા કેમ્પસ અને મણીનગર કેમ્પસ (ચર્ચ પાસે)નો ઉલ્લેખ કરેલ છે તે શાળાઓ જે જગ્યાએ કાર્યરત છે તેને ક્યારે અને ક્યાંથી મંજૂરી મળેલ છે તે બાબતે ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. 3. શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈઓ અનુસાર શાળાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચાલતી ખાનગી શાળા માટે લઘુમતિ દરજ્જો મેળવવાનું પ્રમાણપત્ર મેળવેલ છે કે કેમ? તે અંગેના આધારો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. 4. શાળાનું સંચાલન કયા ટ્રસ્ટ/સોસાયટી દ્વારા કરવામાં આવે છે? તે સ્પષ્ટ થતું નથી. જિલ્લા શિક્ષણાધિકારીને રજૂ કરેલ દસ્તાવેજમાં અલગ અલગ નામો જોવા મળે છે જે અંગેની સ્પષ્ટતા સાથેના આધારો રજુ કરવા સૂચના અપાઈ છે. તેમજ કેમ્પસમાં ચાલતી કઈ કઈ શાળા કયાં કયાં ટ્રસ્ટ હેઠળ ચાલે છે તેમજ તે ટ્રસ્ટ પાસે લઘુમતિનું પ્રમાણપત્ર છે કે કેમ? તે ખુલાસો આધાર સાથે રજૂ કરવા પણ સૂચના અપાઈ છે. 5. અત્યારે શાળાના જે કેમ્પસમાં ICSCE બોર્ડની ધોરણ 9થી 12ની ખાનગી શાળા કાર્યરત છે તો તે અંગે સક્ષમ અધિકારી દ્વારા મેળવેલ NOC તેમજ સદરહુ બોર્ડના જોડાણ અંગેની મંજુરી મેળવેલ છે કે કેમ? તે અંગેના સ્પષ્ટ આધારો/પુરાવા રજુ કરવા શાળાને સૂચના અપાઈ છે. CISCE એફિલિયેશન પ્રમાણપત્રની નકલ આધારો અત્રે રજુ કરવા પણ સૂચના અપાઈ છે. FRC અને શાળાની જમીન માલિકીના આધારો ચકાસતા તેમા 3 અલગ-અલગ ટ્રસ્ટના નામના ઉલ્લેખ થયેલ છે. ક્યા ટ્રસ્ટના નામ હેઠળ CISCE એફિલિયેશન પ્રમાણપત્ર મળેલ છે? તે અંગેના અસલ આધારો રજુ કરવા તથા ટ્રસ્ટ ફેરફાર કરવામાં આવેલ હોય તો તે અંગે ગુજરાત સરકારની એન.ઓ.સી અને CISCE બોર્ડની મંજુરી મેળવ્યા અંગેના આધારો રજુ કરવા બંને શાળાઓ માટેના અલગ-અલગ આધારો રજુ કરવા સૂચના અપાઈ છે. 6. શાળા બે પાળીમાં ચલાવતા પૂર્વે સક્ષમ અધિકારીની મંજૂરી લેવી અનિવાર્ય છે. બે પાળીમાં શાળા ચલાવવા માટે અલગ સ્ટાફ, અલગ રેકોર્ડ અને સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી જેવી શરતોનું પાલન કરવું જરૂરી છે જેથી શાળા બે પાળીમાં ચાલતી હોય તો તે અંગેના સક્ષમ અધિકારીના મંજુરી આદેશો રજુ કરવા સૂચના અપાઈ છે. 7. અત્યારે કાર્યરત બન્ને શાળાઓ જે સ્થળ પર આવેલ છે તે સ્થળની જમીન પર આવેલ શાળા મકાન અને મેદાનની માલિકી કોની છે તેની માલિકીના દસ્તાવેજો તેમજ ભાડાકરાર કરેલ હોય તો લીઝના આધારો/પુરાવા સહ ખુલાસો રજુ કરવા સૂચના અપાઈ છે. 8. શાળા જે જમીન પર આવેલી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શૈક્ષણિક હેતુ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ છે. શાળાનું સંચાલન આશ્લોક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શાળાનું સંચાલન એક જ રજિસ્ટર્ડ સોસાયટી, ટ્રસ્ટ અથવા કંપની દ્વારા થવું જોઈએ જે નફાના હેતુથી ચાલતી ન હોય, આ બાબતે સ્પષ્ટતા કરવા તેમજ તમામ ટ્રસ્ટના ટ્રસ્ટ ડીડ તથા અદ્યતન પી.ટી.આર.ની નકલ રજૂ કરવા સૂચના અપાઈ છે. 9. શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે સદરહુ શાળાની માન્યતા મેળવ્યા બાદ આજદિન સુધી કરવામાં આવેલ વહીવટ, ટ્રસ્ટ કે શાળાના સ્થળ ફેરફાર કરતા પૂર્વે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો મુજબ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજુરી મેળવેલ છે કે કેમ? તે અંગેના આધારો રજુ કરવા શાળાને સૂચના અપાઈ છે. 10. રજૂ કરેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની મંજૂરી મેળવવાની દરખાસ્તમાં રજૂ કરેલ એફીડેવીટમાં જણાવ્યા મુજબ શાળાના મકાનમાં અન્ય ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળા કે અન્ય શૈક્ષણિક સંસ્થા ચાલતી નથી કે આ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી નથી તેવી લેખિત બાહેધરી આપેલ છે. તેમ છતા શાળા કેમ્પસમાં ICSCE બોર્ડની ધોરણ 1થી 12ની શાળા કાર્યરત હતી જે હકીકત છુપાવેલ છે જે બાબતે શાળાની માન્યતા રદ કેમ ન કરવી ? તે અંગેના આધારો સહ ખુલાસો રજૂ કરવા સૂચના અપાઈ છે. 11. હરીપુરા કેમ્પસ અને મણીનગર કેમ્પસ(ચર્ચ પાસે)ના પરિસરમાં આવેલ તમામ બિલ્ડીંગના હયાત મકાનના સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત પ્લાન-નકશા, બી.યુ.પી તથા ફાયર એન.ઓ.સી અંગેના આધારો બોર્ડમાં રજૂ કરવા સૂચના અપાઈ છે. 12. શાળાના પરિસરમાં પુસ્તકોનું વેચાણ કરવુ એ નફાખોરી સમાન છે. ગુજરાત સ્વનિર્ભર શાળા હેઠળ નફાખોરી પર પ્રતિબંધ છે શાળા દ્વારા જિલ્લા કચેરીને રજુ થયેલ ઓડીટેડ હિસાબમાં પુસ્તકોના વેચાણ અંગે દસ્તાવેજ રજુ કરવામાં આવેલ છે. જે અન્વયે પુસ્તકોના વેચાણથી થયેલ આવકની વિગતો ઓડિટ હિસાબમાં છે. જે કાયદાઓનો પ્રાથમિક દ્રષ્ટીએ ભંગ થયેલ જણાઈ આવે છે. જે બાબતે જરૂરી આધારો સહિતનો ખુલાસો રજુ કરવા સૂચના અપાઈ છે. 13. હરીપુરા કેમ્પસ ખોખરા ખાતે સ્થિત શાળા જે જમીન પર આવેલી છે. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધ ઇન્ડિયા ફાઇનાન્સિયલ એસોસિએશન ઓફ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ્સને શૈક્ષણિક હેતુ માટે ભાડાપટ્ટે આપવામાં આવેલ છે. જ્યારે શાળાનું સંચાલન આશ્લોક એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે બાબતે ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →