CNGમાં ભાવ વધારાથી સ્કૂલ વાનના ભાડા વધવાના સંકેત:અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન ભાવ વધારો કરવાના સમર્થનમાં, જૂનની શરૂઆતમાં બોલાવેલી બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય

Gujarat5/24/2026, 7:45:23 AM
CNGમાં ભાવ વધારાથી સ્કૂલ વાનના ભાડા વધવાના સંકેત:અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશન ભાવ વધારો કરવાના સમર્થનમાં, જૂનની શરૂઆતમાં બોલાવેલી બેઠકમાં લેવાશે અંતિમ નિર્ણય
અમદાવાદ સહિત ગુજરાતભરમાં પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે CNGના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા CNGના ભાવ વધારાની અસર સ્કૂલ વર્ધી એસોસિએશન પર થવાની છે. જેથી CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન સ્કૂલ વાહનના ભાડામાં વધારો કરવાની તરફેણમાં આવ્યું છે. CNGના ભાવ વધારા સામે ભાડામાં વધારો કરવો કે નહીં તેને લઈને જૂન મહિનાની શરૂઆતમાં અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી છે. સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો કરવો કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે. CNGમાં ભાવ વધારાથી વાન ચાલકોને મુશ્કેલી છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ - ડીઝલ ભાવમાં વધારો થઈ રહ્યો છે. એની સાથે CNGના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે જે CNGના હાલના ભાવ પ્રમાણે ભાડા દર પર વાન અને રિક્ષા ચલાવવી મુશ્કેલ બની રહી છે. જેના કારણે નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓના સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો થાય તેવી શક્યતા છે. જો સ્કૂલ વર્ધીના ભાડામાં વધારો થશે તો તેનો સીધો બોઝ વાલીઓ પર પડવાનો છે. દર 3 વર્ષ ભાવવધારાનું નક્કી કરાયું હતું જો કે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં દર ત્રણ વર્ષે વધારો કરવો તેવું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2024માં સ્કૂલ વર્ધીના ભાડામાં 200 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વાલીઓ પર બોઝ ન પડે તે માટે 2027માં ભાડામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2024માં કરેલા ભાડામાં વધારા બાદ અંદાજે 10 રૂપિયા જેટલો CNGના ભાવમાં વધારો થઈ ગયો છે. 11 જૂન 2024ના ભાડામાં વધારો કરાયો ત્યારે CNGનો ભાવ 76 રૂપિયા હતો જે અત્યારે વધીને 86 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લે વર્ષ 2024માં ભાડામાં વધારો કર્યો હતો સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા 2024માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. 2024ની સરખામણીએ CNGમાં પ્રતિ કિલો 10 રૂપિયાનો ભાવ વધ્યો છે. તેમ છતાં અત્યારે પ્રતિ કિલોમીટરે સ્કૂલ વાનમાં મહિને 1200 રૂપિયા ફી લેવામાં આવે છે. એક કિલોમીટરથી વધુ દૂર હોય તો પ્રતિ કિમી 200 વધારે ભાડું લેવાય છે. સ્કૂલ રિક્ષામાં ઓછામાં ઓછું 750 રૂપિયા ભાડું લેવામાં આવે છે. મિનિમમ ભાડા પર પ્રતિ કિલો મીટર 100 રૂપિયાથી વધુ ભાડું વસૂલાય છે. જેથી ભાડામાં વધારો થાય તો તેની સીધી અસર વાલીઓને થવાની છે. જૂનમાં બેઠક, ભાડા વધારા અંગે નિર્ણય લેવાઈ શકે જેથી અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા જૂન મહિનાની શરૂઆતમાં બેઠક બોલાવી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. વર્ષ 2027 પહેલા ભાડામાં વધારો કરવો કે નહીં તેને લઈને નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ વર્ધી ચાલકનું માનવું છે કે જે પ્રમાણે ભાવ વધી રહ્યો છે તેને જોતા ભાડામાં વધારો થઈ શકે છે. જેથી જૂન મહિનામાં ભાડા વધારો કરવો કે કેમ ? તે અંગે નિર્ણય લેવાશે. 'CNGના ભાવમાં 10 રૂ. વધ્યા છતા ભાડા નથી વધાર્યાં' અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટે જણાવ્યું હતું કે, અગાઉ અમે ભાડામાં વધારો કર્યો હતો. તે સમયે CNGનો ભાવ 76 રૂપિયા હતો અત્યારે 86 રૂપિયા થઈ ગયો છે. જેથી અત્યાર સુધીમાં 10 રૂપિયાનો વધારો થયો છે. છતાં પણ અમે ભાડામાં વધારો કર્યો નથી. જેથી સતત ભાવ વધારો થતા આગામી મહિનામાં બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ભાડામાં વધારો કરવો કે નહીં તેને લઈને ચર્ચા કરવામાં આવશે. દરેક વસ્તુમાં ભાવ વધારા ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. વધુમાં ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં કેટલો હજુ વધારો થાય છે તેના આધારે ભાડામાં વધારો કરવામાં આવી શકે છે. કારણ કે અત્યારે યુદ્ધની સ્થિતિમાં જો શાળાઓ ઓનલાઇન થઈ જશે તો વધારે ખરાબ સ્થિતિ ઊભી થશે. કારણ કે ગાડીઓના હપ્તા ભરવા મુશ્કેલ થઈ જશે. વાહન ચાલકને પણ પરિવાર છે જ જેથી તેને નડવાનું જ છે. જેથી ભાડામાં વધારા બાબતે ફેર વિચારણા કરવામાં આવશે.
Read Original Article →