અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટીનું થશે સરપ્રાઇઝ ચેકિંગ:DEOની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી રિપોર્ટ તૈયાર કરશે, બેદરકારી દાખવનાર સ્કૂલો સામે થશે કડક કાર્યવાહી
અસહ્ય ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેમજ થોડા દિવસ પહેલા દિલ્હીમાં હોટેલમાં આગ લાગવાથી અનેક લોકોના મોત થયા હતા. જેથી અમદાવાદ શહેરને શાળાઓમાં આગ લાગવાની ઘટના ન બને તે માટે અગમચેતી રાખવા અને સતર્ક રહેવા શાળાઓને સૂચના આપવામાં આવી છે. તેમજ શાળાઓ શરૂ થતા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે. શહેરની શાળાઓમાં ફાયર સેફ્ટી ના સાધનો ચાલુ છે કે બંધ તેની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવે છે. જો કોઈ શાળા ફાયર સેફ્ટીની બાબતમાં બેદરકારી દાખવશે તો તેની સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આવતીકાલથી સ્કૂલો શરૂ થશે
છેલ્લા કેટલાક દિવસમાં અમદાવાદ શહેરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી છે. મોટાભાગે ઈલેક્ટ્રીક ઉપકરણમાં શોર્ટ સર્કિટના કારણે અથવા અસહ્ય ગરમીના કારણે એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. તેમજ આવતીકાલથી (8 જૂન) અમદાવાદ શહેરની તમામ શાળાઓ શરૂ થવા જઈ રહી છે. શાળાઓમાં એસી અને કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ વધારે થતો હોય છે. જેથી શાળાઓમાં આગ લાગવાની કોઈ ઘટના ન બને અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણીનો રિપોર્ટ તૈયાર કરાશે
તેમજ શાળાઓ શરૂ થયા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તેમની ટીમને સરપ્રાઈઝ ચેકિંગ કરવાની સૂચના આપી છે. શહેરની તમામ શાળાઓ પાસે ફાયર NOC તો છે. પરંતુ ફાયર સેફ્ટીના સાધનો ચાલુ હાલતમાં છે કે પછી બંધ હાલતમાં તેની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરી DEOને સોંપવામાં આવશે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જો કોઈ શાળાની બેદરકારી સામે આવશે અથવા ફાયર સેફ્ટીના ઉપકરણો બંધ હાલતમાં હશે તો તેના સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. ગરમીના કારણે આગ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરની તમામ શાળાઓ પાસેથી દર મહિને ફાયર સેફ્ટીને લઈને રિપોર્ટ માંગવામાં આવે છે. અત્યારે એક પણ શાળા એવી નથી કે જેના પાસે ફાયર NOC ન હોય. પરંતુ ખાલી ફાયર NOC હોય તેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા પૂર્ણ થાય. તેમજ આગામી સમયમાં શાળાઓ અને નવું સત્ર શરૂ થવાનું છે, જેથી અમારી ટીમને સૂચના આપવામાં આવી છે કે શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ચાલુ છે કે બંધ તેની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે. તેમજ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શાળાઓમાં ગરમીના કારણે કોમ્પ્યુટર રૂમમાં અને એસી સહિતના ઇલેક્ટ્રિક ઉપકરણમાં આગ ન લાગે તેની તકેદારી રાખવા સૂચના અપાઈ છે. સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપવી પડશે, ઓવરકોન્ફિડન્સ ન રાખવા તાકીદ
વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અસહ્ય ગરમીના કારણે ઈલેક્ટ્રીક ઉપકરણમાં આગ લાગવાની ઘટના વધારે બનતી હોય છે. દિલ્હીમાં પણ આગની ઘટનામાં અનેક લોકોના મોત થતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ એલર્ટ રહેવા માટે પણ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. જેથી શાળાઓ શરૂ થાય ત્યારે ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવશે. ઓવરકોન્ફિડન્સ રાખવાના બદલે વિદ્યાર્થીઓની સલામતીના કારણે ફાયરના પૂરતા સાધનો પણ શાળાઓમાં રાખવા સૂચના અપાઈ છે. તેમજ સ્ટાફને પણ ફાયર સેફ્ટીમાં સાધનોની તાલીમ આપવામાં આવશે. ફાયરની બાબતોમાં કોઇપણ પ્રકારની શાળાની બેદરકારી ચલાવી શકાય નહીં. જેથી કોઈ શાળા બેદરકારી રાખશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
Read Original Article →