બોયફ્રેન્ડનો સાથ ને 1.66 કરોડના ચોરેલા દાગીના:રાજસ્થાન-દિલ્હીમાં ફરતા ગયા ને પૈસાની જરૂર પડતી ગઈ તેમ તેમ દાગીના વેચતા ગયા, અમદાવાદી સેલ્સગર્લે હોટલોમાં જલસો કર્યો

Gujarat5/19/2026, 6:35:00 PM
બોયફ્રેન્ડનો સાથ ને 1.66 કરોડના ચોરેલા દાગીના:રાજસ્થાન-દિલ્હીમાં ફરતા ગયા ને પૈસાની જરૂર પડતી ગઈ તેમ તેમ દાગીના વેચતા ગયા, અમદાવાદી સેલ્સગર્લે હોટલોમાં જલસો કર્યો
અમદાવાદના નિકોલમાં 11 મે 2026ના રોજ જ્વેલર્સ શો રૂમમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ 1.2 કિલો જેટલા 1.66 કરોડના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરી તેણીએ બોયફ્રેન્ડ સાથે રહેવા માટે કરી હતી. ત્યાર બાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં સાથે રહ્યા હતા. જોકે, હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદાને માણકેચોકમાં દાગીના વેચવા આવી ત્યારે ઝડપી લીધી હતી. આરોપી યુવતી હર્ષિદા સોનાના દાગીના ચોરીને પોતાના બોયફ્રેન્ડ મયુર માળી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ પહેલા ગાંધીનગર ગયા હતા. ત્યારબાદ ત્યાંથી રાજસ્થાન અને દિલ્હી ગયા હતા. જ્યાં જુદી જુદી હોટલોમાં રોકાયા હતા. આ દરમિયાન જેમ જેમ પૈસાની પૈસાની જરૂર પડતી ગઈ તેમ તેમ અમુક દાગીના વેચતા ગયા હતા. જો કે બોયફ્રેન્ડ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ હર્ષિદા પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી હતી. ત્યાર બાદ પોલીસે સાત દિવસના રિમાન્ડની માંગ સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી. ગાંધીનગરથી, રાજસ્થાન થઈ દિલ્હી પહોંચ્યા હતા અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરકારી વકીલ તુષાર.એલ.બારોટે યુવતીના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે, આરોપીઓ પાસેથી મુદ્દામાલની રિકવરી બાકી છે. મહિલાનો પુરુષ મિત્ર એવો સહ આરોપી હજી ઝડપાયો નથી. આરોપીઓ ગાંધીનગરથી, રાજસ્થાન થઈ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં રાજસ્થાન અને દિલ્હીમાં હોટલોમાં રોકાયા હતા. તેઓએ કેટલાક દાગીના પણ વેચ્યા હતા, તે દાગીના કોને વેચ્યા છે તે પણ જાણવાનું છે. આરોપી ઉપર અન્ય ગુના છે કે કેમ તે પણ જાણવાનું છે. કોર્ટે સરકારી વકીલની દલીલોને આધારે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હર્ષિદાએ તેના બોયફ્રેન્ડ સાથે રહેવા માટે ચોરી કરી હતી. ત્યાર બાદ બંને ભાગીને ઉત્તર ભારતના અલગ અલગ રાજ્યોમાં સાથે રહ્યા હતા. જોકે, હર્ષિદા નાહવા ગઈ તે સમયે બોયફ્રેન્ડ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. શો રૂમમાં એક લકી ઓછી જણાતા તપાસ કરાઈ નિકોલમાં અનમોલ સર્કલ પાસે ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના-ચાંદીનો શો રૂમ ધરાવીને વ્યવસાય કરે છે. દર્શનભાઈના શો રૂમમાં મેનેજર, સેલ્સમેન, માર્કેટિંગ સહિત કૂલ 19 લોકોનો સ્ટાફ કામ કરે છે. 11 મહિના પહેલા શો રૂમમાં હર્ષિદા શેટ્ટી નામની યુવતી સેલ્સ ગર્લ્સ તરીકે જોડાઈ હતી. જોકે, 11 મે 2026ના રોજ સાંજે 5 વાગ્યે દર્શનભાઈ શો રૂમ ઉપર આવ્યા હતા અને તે સમયે એક ગ્રાહક ખરીદી કરવા આવ્યો, ત્યારે સ્ટાફના કાનજીભાઈને ટ્રેમાં રાખેલી સોનાની એક લકી ઓછી જણાઈ હતી. આ પણ વાંચો: Stay Loyalનું સ્ટેટસ, શૂટ-પેન્ટ ને ચહેરા પર સ્માઇલ; અમદાવાદના શો-રૂમમાંથી વીંટી, ચેઇન, લકી, બુટ્ટી, મંગળસૂત્ર લઈ રફુચક્કર CCTVમાં હર્ષિદા તિજોરીમાંથી દાગીના સરકાવતી દેખાઈ આ દરમિયાન શો રૂમમાં હાજર સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટી હાજર નહોતી. જેથી આ બાબતે પૂછતા તેણે કહ્યું કે, તમારી રજા લઈને ઇમરજન્સી કામ હોવાથી 4:30 વાગ્યે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ કોઈ રજા આપી નહોતી અને કહ્યા વગર નીકળી જતા સીસીટીવી તપાસ્યા હતા. જેમાં શો રૂમમાં લાગેલા CCTV તપાસતા હર્ષિદા સાંજે 4થી 4:30 વાગ્યાના સમયગાળા દરમિયાન બેઠકની પાછળના ભાગે કબાટમાં રાખેલા સોનાના દાગીના કાઢી ખિસ્સામાં મુક્તિ જોવા મળી હતી. શો રૂમમાંથી 1.66 કરોડના દાગીના ગાયબ હતા ત્યાર બાદ હર્ષિદા દુકાનના બીજા માળે આવેલા સ્ટોર રૂમ તરફ ગઈ હતી અને ત્યાંથી પોતાની બેગ લઈને બહાર નીકળી હતી. હર્ષિદાના મોબાઈલ ફોન ઉપર ફોન કરતા તે સ્વિચ ઓફ આવતો હતો. જેથી આખા શો રૂમમાં સોનાના દાગીનાની તપાસ કરતા સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓ મળી કૂલ 1.66 કરોડના સોનાના દાગીના લઈને ફરાર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે નિકોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. છ મહિના પહેલા જ હર્ષિદાનો યુવક સાથે સંપર્ક થયો હતો હર્ષિદાની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થયા હતા જેમાંથી છૂટાછેડા પણ થયા હતા. 11 મહિનાથી નોકરી કરતી હતી જેથી શેઠને વિશ્વાસ હતો. હર્ષિદાના શેઠ ધંધાની બાબતમાં ક્યાય બહાર જવાનું હોય તો હર્ષિદાને જ્વેલર્સ શો રૂમ તરફથી મોકલતા હતા. આ દરમિયાન હર્ષિદાને એક યુવક સાથે સંપર્ક થયો હતો. હર્ષિદાએ બોયફ્રેન્ડ સાથે સેટલ થવા શો રૂમમાં ચોરી કરી છેલ્લા 6 મહિનાથી હર્ષિદા અને યુવક એકબીજાના પરિચયમાં આવ્યા હતા. યુવક પરિણીત હતો અને બાળકો પણ છે. તે જાણ હોવા છતાં બંને વચ્ચે 4 મહિનાથી પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન બોયફ્રેન્ડે સાથે રહીને સેટલ થવાની વાતચીત કરી હતી. હર્ષિદા ઘણા સમયથી એકલી હોવાથી ભાવુક થઈ ગઈ હતી. હર્ષિદાએ બોયફ્રેન્ડની વાતોમાં આવીને શો રૂમમાંથી ચોરી કરી હતી. જોકે, અંતમાં હર્ષિદાને પણ બોયફ્રેન્ડે દગો આપ્યો હતો. હર્ષિદાની ધરપકડ કરી નિકોલ પોલીસને સોંપવામાં આવશે.
Read Original Article →