RTO કચેરીએ વાહન પોર્ટલમાં ટેકનિકલ ઈશ્યૂના કારણે કામગીરી ઠપ:બીજી તરફ 50% સ્ટાફ વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં જતા સ્થિતિ વિકટ, સોમવાર સુધી ન આવવા અપીલ કરાઈ
સુભાષબ્રિજ ખાતે આવેલી RTO કચેરીમાં ત્રણ દિવસથી સર્વર ખોરવાયું છે. એક તરફ સર્વરની સમસ્યા બીજી તરફ 50 ટકા સ્ટાફ વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાથી અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સર્વર ડાઉન થતા RTO કચેરીએ જૂના વાહન ટ્રાન્સફર, વાહન પરની લોન રદ કરવા સહિતની કામગીરીને અસર થઈ રહી છે. અસહ્ય ગરમીમાં કચેરીએ આવ્યા બાદ પણ સર્વર ડાઉનના કારણે કામગીરી ન થતા અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. RTO અધિકારીએ અરજદારોને સોમવાર સુધી કચેરીએ ન આવવા અપીલ પણ કરી છે. સોમવાર સુધીમાં ટેક્નિકલ ઈશ્યૂ દૂર થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
વાહન પોર્ટલમાં ટેકનિકલ ઈશ્યૂના કારણે દરરોજ 500 કરતા પણ વધુ અરજીઓ અટકી પડી છે. જૂના વાહન ટ્રાન્સફર, વાહન પર લોન દાખલ, વાહન પરની લોન રદ કરવા સહિતની કામગીરી થઈ શકતી નથી. તેમજ જે અરજદારો ઓનલાઈન કામગીરી કરે છે તેમને પણ સર્વર ડાઉન હોવાના કારણે લોગિન થઈ શકતું નથી. જેથી કામગીરી કરાવવા માટે RTO કચેરીએ ધક્કો ખાઈ રહ્યા છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ કામ થયા વિના પરત ફરે છે
એક તરફ સર્વરની સમસ્યા યથાવત છે ત્યારે બીજી તરફ RTO કચેરીનો આશરે 50 ટકા સ્ટાફ વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં વ્યસ્ત હોવાને કારણે સ્થિતિ વધુ વિકટ બની છે. પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી અરજદારોની કામગીરી સમયસર થઈ શકતી નથી. અસહ્ય ગરમી વચ્ચે પરિણામે રોજિંદા કામકાજ માટે કચેરીએ પહોંચતા નાગરિકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. કલાકો સુધી ઊભા રહેવા છતાં ઘણા અરજદારોને કોઈ કામ થયા વગર પરત ફરવાનો વારો આવ્યો હતો. જેથી અરજદારોને અનાવશ્યક ધક્કા ન ખાવા પડે તે માટે સોમવાર સુધી કચેરીએ ન આવવાની અપીલ પણ કરવામાં આવી છે. જોકે સતત ત્રણ દિવસથી સેવા ખોરવાતા અરજદારોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. ક્યારેક સર્વર ડાઉન તો ક્યારેક બંધ
અમદાવાદ RTOએ જણાવ્યું હતું કે, ઈ પરિવહન સેવા અંતર્ગત જે વાહન પોર્ટલ કામ કર્યું છે. જેમાં ટ્રાન્સફર ઓફ ઓનર્સશિપ, રિન્યુ ઓફ રજિસ્ટ્રેશન, લોન રદ કરવાની અને રજિસ્ટ્રેશન કરવાની કામગીરી પર અસર પડી છે. વાહન પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુના કારણે સમસ્યાઓ થઈ રહી છે. સર્વર ડાઉન અને બંધ થતા વડી કચેરીના સંપર્કમાં છીએ. તેમજ અત્યારે તેના મેઇન્ટેનન્સનું ચાલી રહ્યું છે. ત્રણ દિવસથી સર્વર ડાઉન થઈ જાય છે તો ક્યારેક બંધ થઈ જાય છે. જે પણ અરજદારો આવી રહ્યા છે તેની કામગીરી ખૂબ જ ધીમી થઈ રહી છે. જેથી તમામ નવા અરજદારોને અમે અપીલ કરીએ છીએ કે કામગીરીની કોઈ ઉતાવળ ના હોય તો એક અઠવાડિયું સુધી કચેરીમાં આવવાનો ટાળો. સોમવારથી નવી એપોઇન્ટમેન્ટ લઈને કચેરીએ આવો તેવી અપીલ છે. જેથી ત્યાં સુધી જે પણ ટેકનિકલ ઇસ્યુ છે તેનું સોલ્યુશન આવી શકે. 'ગુજરાત બહાર રહું છું અને ધક્કા ખાવા છતાં કામ થયું નથી'
અરજદાર મનોજ ઠક્કરે જણાવ્યું હતું કે, મારે મારી આરસી બુક રિન્યુ કરાવવાની છે. 15 વર્ષ થઈ ગયા છે, જેથી તેને રિન્યુ કરાવવા માટે આવ્યો છું. હું અત્યારે ગુજરાત બહાર રહું છું એક મહિના માટે ગુજરાત આવ્યો છું. જેથી કામગીરી જલ્દી પૂર્ણ થઈ જાય તેવી આશા સાથે આવ્યો હતો. છેલ્લા 10 દિવસથી એક્ટિવિટી કરી રહ્યો છું પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે તે થઈ શકતું નથી. જેથી કચેરી ખાતે રૂબરૂ આવ્યો હતો. જ્યાં જન સંપર્ક અધિકારી એવું કહે છે કે તમારે બધું જાતે કરી લેવાનું. જો 5 હજાર લઈને આરસી રિન્યૂ થતી હોય તો સુવિધા આપવા માટે અહીં કોઈ માણસ જ નથી. તો શું પૈસા ચેરિટી માટે ઉઘરાવવામાં આવે છે? ગરમીમાં કચેરીમાં આવવા છતાં કોઈપણ અધિકારીઓ કામ કરી આપતા નથી.
Read Original Article →