અમદાવાદીએ ટુ-વ્હીલરમાં 0001 નંબર લેવા 73000 ખર્ચ્યા:GJ01YW નવી સિરીઝ શરૂ થતા પંસદગી નંબરોની હરાજી, RTOને 12 લાખની આવક; યુવાનોમાં ફેન્સી નંબર પ્લેટનો ભારે ક્રેઝ

Gujarat5/16/2026, 12:30:00 AM
અમદાવાદીએ ટુ-વ્હીલરમાં 0001 નંબર લેવા 73000 ખર્ચ્યા:GJ01YW નવી સિરીઝ શરૂ થતા પંસદગી નંબરોની હરાજી, RTOને 12 લાખની આવક; યુવાનોમાં ફેન્સી નંબર પ્લેટનો ભારે ક્રેઝ
અમદાવાદીઓમાં ફેન્સી નંબર પ્લેટનો ભારે ક્રેઝ વધ્યો છે. સુભાષબ્રિજ ખાતે આવેલી RTOને તાજેતરમાં યોજાયેલી હરાજીમાં લાખો રૂપિયાની આવક થઈ છે. ફેન્સી નંબરનો ક્રેઝ માત્ર ફોર-વ્હીલર પૂરતો મર્યાદિત ન રહેતા હવે ટુ-વ્હીલરમાં પણ જોવા મળ્યો હતો. ટુ-વ્હીલરમાં પસંદગીના નંબર માટે સુભાષબ્રિજ RTOને 12 લાખથી વધુની આવક થઈ છે. GJ01YW નવી સિરીઝ શરૂ થતા પંસદગી નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ ટુ-વ્હીલરમાં 0001 નંબર માટે વાહન ચાલકે 73000 રૂપિયા ખર્ચ્યા છે. ટુ-વ્હીલરમાં પસંદગીના નંબર સહિત 411 નંબરની હરાજી કરવામાં આવી હતી. પસંદગીનો નંબર મેળવવા વાહનચાલકોમાં ભારે ઉત્સાહ અમદાવાદમાં હવે ફક્ત લક્ઝરી કાર કે મોંઘી બાઇક જ સ્ટેટસ સિમ્બોલ નથી રહી, પરંતુ વાહન પર લગાવાતો ફેન્સી નંબર પણ લોકોની ઓળખ અને શોખનું પ્રતિક બની રહ્યો છે. શહેરના વાહન માલિકોમાં પોતાની પસંદગીનો નંબર મેળવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુભાષબ્રિજ ખાતે આવેલી RTOમાં GJ01YW નવી સિરીઝ શરૂ થઈ હતી. જેથી આ નવી સિરીઝ માટે ફેન્સી નંબરની હરાજી કરવામાં આવી હતી. ફેન્સી નંબરની હરાજીમાં વાહન માલિકોએ ખુલ્લા હાથે રૂપિયા ખર્ચ્યા હતા. ટુ-વ્હીલરના પસંદગીના નંબરો માટે RTOને 12 લાખની આવક સુભાષબ્રિજ RTOમાં યોજાયેલી હરાજીમાં માત્ર ટુ-વ્હીલરના પસંદગીના નંબરોમાંથી જ RTOને 12 લાખ રૂપિયાથી વધુની આવક થઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી વધુ ચર્ચામાં રહેલો નંબર 0001 રહ્યો, જેને મેળવવા માટે એક વાહનચાલકે 73 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. એટલે કે ટુ વ્હીલરમાં પણ પસંદગીના નંબર માટે પણ વહન માલિકો હજારો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. RTO દ્વારા કુલ 411 જેટલા પસંદગીના નંબરોની હરાજી કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. બુલેટ, સ્પોર્ટ્સ બાઇક માટે પસંદગીના નંબર લેવાની હોડ અગાઉ કાર માલિકો જ ખાસ નંબર માટે મોટી રકમ ખર્ચતા જોવા મળતા હતા. પરંતુ હવે યુવાનોમાં બુલેટ, સ્પોર્ટ્સ બાઇક અને અન્ય ટુ-વ્હીલર માટે પણ પસંદગીના નંબર લેવાની હોડ લાગી છે. અનેક વાહન માલિકો પોતાના જન્મદિવસ, મોબાઇલ નંબર, ધાર્મિક આસ્થા, ન્યુમરોલોજી અથવા લકી નંબરના આધારે ખાસ નંબર મેળવવાનો આગ્રહ રાખી રહ્યા છે. કેટલાક લોકો માટે 0786 ધાર્મિક મહત્વ ધરાવે છે તો કેટલાક માટે 1111 અને 7777 જેવા નંબર સ્ટેટસ અને લકી ચાર્મ તરીકે જોવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ફેન્સી નંબર માટે લોકોનો રસ સતત વધી રહ્યો છે અને દરેક નવી સિરીઝ શરૂ થાય ત્યારે હરાજીમાં ભારે પ્રતિસાદ જોવા મળે છે. હરાજીમાં 0001 નંબર માટે વાહન માલિકે 73000 ખર્ચ્યા જેથી ફેન્સી નંબરનો ક્રેઝ હવે માત્ર ફોર-વ્હીલર સુધી મર્યાદિત રહ્યો ન હોય તેવું સામે આવ્યું હતું. GJ01YWની નવી સિરીઝની હરાજીમાં 0001 માટે 73000, 0007 નંબર માટે 63000, 1111 નંબર માટે 31000, 0009 નંબર માટે 30000, 7777 નંબર માટે 28000, 0002 નંબર માટે 18,500 અને 0055 નંબર માટે 11000 રૂપિયા વાહન માલિકોએ ખર્ચ્યા છે.
Read Original Article →