RTEના બે રાઉન્ડ બાદ પણ અમદાવાદમાં 656 બેઠકો ખાલી:ત્રીજા રાઉન્ડ માટે 8 જૂન સુધી સ્કૂલોની પુનઃપસંદગી કરી શકાશે, સૌથી વધુ હિન્દી મીડિયમમાં 440 બેઠકો ખાલી

Gujarat6/6/2026, 11:31:26 AM
RTEના બે રાઉન્ડ બાદ પણ અમદાવાદમાં 656 બેઠકો ખાલી:ત્રીજા રાઉન્ડ માટે 8 જૂન સુધી સ્કૂલોની પુનઃપસંદગી કરી શકાશે, સૌથી વધુ હિન્દી મીડિયમમાં 440 બેઠકો ખાલી
RTE હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 14 હજાર જેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બે રાઉન્ડ બાદ હજુ પણ 656 જેટલી બેઠકો ખાલી પડી છે. જેથી આજથી ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખાલી પડેલી 656 બેઠક માટે વાલીઓ આગામી 8 તારીખ સુધી ઓનલાઇન અરજીમાં સ્કૂલોની પંસદગીમાં ફેરફાર પણ કરી શકશે. જેથી વાલીઓને અગાઉ જે શાળા પંસદ કરી હતી તે શાળામાં બેઠકો ભરાઈ ગઈ હોય તો અન્ય શાળા પંસદ કરવા મેસેજ કરીને સૂચના પણ આપવામાં આવી છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં 14,570 વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ અમદાવાદ શહેરમાં 1300 જેટલી ખાનગી શાળાઓની 14 હાજર બેઠકો માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે માટે 38 હજાર જેટલી અરજીઓ એપ્રુવ કરવામાં આવી હતી. જે બાદ પ્રથમ અને બીજા રાઉન્ડમાં 14,570 જેટલા વિદ્યાર્થીઓને શાળાઓ ફાળવવામાં આવી હતી. પરંતુ તેની સામે માત્ર 13,360 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જેથી હજુ પણ અમદાવાદ શહેરમાં ખાલી પડેલી 656 બેઠકો માટે ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ હિન્દી મીડીયમની શાળાઓમાં બેઠકો ખાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં હિન્દી મીડિયમમાં 440, ગુજરાતી મીડીયમમાં 107, અંગ્રેજી મીડીયમમાં 109 જગ્યા ખાલી પડી છે. ખાલી બેઠકોના આધારે સ્કૂલ પસંદગી કરશે તો પ્રવેશ મળી શકે પ્રથમ અને બીજા રાઉન્ડ બાદ પણ ઘણા એવા વાલીઓ છે કે જેમના બાળકોને શાળાઓ ફાળવવામાં આવી નથી. કારણ કે પ્રથમ રાઉન્ડ બાદ વાલીઓને શાળાઓની પુનઃ પસંદગી કરવા સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ પણ ઘણા વાલીઓએ અગાઉ જે શાળા પસંદ કરી હતી તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ કર્યો ન હતો જેથી બીજા રાઉન્ડમાં પણ તેમના બાળકોને પ્રવેશ મળી શક્યો નથી. પરંતુ હવે વાલીઓ જો શાળાઓની ખાલી પડેલી બેઠકોના આધારે શાળા પસંદગી કરશે તો ત્રીજા રાઉન્ડમાં તેમના બાળકોને પ્રવેશ મળી શકે છે. તેમજ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પણ કઈ શાળાઓમાં કેટલી બેઠકો ખાલી છે તેના આધારે શાળાની પંસદગી કરવા વાલીઓને સૂચના અપાઈ છે. '656 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલુ' અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓમાં RTEમાં પ્રવેશ માટે બે રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યા છે. ત્રીજા રાઉન્ડ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શહેરની 656 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. તેમજ વાલીઓ શાળાઓની પસંદગી પણ બદલી શકશે. તેમજ જે પ્રમાણે જગ્યાઓ ખાલી હશે તે પ્રમાણે વાલીઓ શાળાનો ક્રમ પણ બદલી શકશે. અત્યાર સુધી 13,360 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન થઈ ચૂક્યા છે. જેથી ખાલી પડેલી બેઠકો ત્રીજા રાઉન્ડમાં ભરવામાં આવશે. વધુમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર માટે 38 હજાર જેટલા ફોર્મ એપ્રુવ કરવામાં આવ્યા હતા. જેની સામે 14 હજાર જેટલી જ જગ્યાઓ હતી. જેથી સ્વાભાવિક છે કે દરેક વિદ્યાર્થીને એડમિશન ન મળી શકે. કેટલાક વાલીઓ અમુક વિસ્તારની અને અમુક માધ્યમની શાળાઓ જ પસંદ કરતા હોય છે. એક વખત રાઉન્ડ પૂર્ણ થયા બાદ વાલીઓને શાળાની પસંદગી બદલવાનો મેસેજ કરવામાં આવે છે. પરંતુ ઘણા વાલીઓ શાળાની પસંદગી બદલતા ન હોવાથી તેમના બાળકોને પ્રવેશ મળી શકતો નથી. કઈ જગ્યાએ કેટલી સીટ ખાલી છે તેના આધારે વાલીઓએ શાળાની પસંદગી બદલી લેવી જોઈએ. થોડી દુર શાળા હોય તો તેની પણ પસંદગી કરશે તો ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી શકશે.
Read Original Article →