RTE હેઠળ પ્રવેશને લઈ વાલીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ:હેલ્પ લાઈન નંબર પરથી પણ માર્ગદર્શન, દરોજ 100 વાલીઓની સમસ્યાનું નિરાકરણ

Gujarat4/9/2026, 8:26:08 AM
RTE હેઠળ પ્રવેશને લઈ વાલીઓ માટે હેલ્પ ડેસ્ક શરૂ:હેલ્પ લાઈન નંબર પરથી પણ માર્ગદર્શન, દરોજ 100 વાલીઓની સમસ્યાનું નિરાકરણ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા બેઠક વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ એડમિશન અપાવવા માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જેથી ફોર્મ ભરતા સમયે વાલીઓને કોઈ હાલાકી ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માર્ગદર્શન આપવા માટે DEO કચેરીની ટીમ અને શિક્ષકોને રાખવામાં આવ્યા છે. શહેરની 14,177 બેઠક પર RTE હેઠળ પ્રવેશ અપાશે અમદાવાદ શહેરની 1,343 સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14,177 બેઠક પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. જેથી મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. 79279 12966 હેલ્પ લાઇન નંબરથી પણ માર્ગદર્શન વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોવાથી ઘણી વખત તેમાં અનેક ખામીઓ રહી જતી હોય છે. જે હાલાકી ન પડે તે માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. RTE માટે ડોક્યુમેન્ટ કયાંથી મેળવવા ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સમસ્યાઓ વાલીઓને થતી હોય છે. જેથી તેમને પૂરતી માહિતી મળી રહે તે રીતે મદદ કરવામાં આવી રહી છે. જ્યાં રોજના 100 વાલીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સૌથી વધુ જાતિના દાખલા, આવક દાખલા અને ડોક્યુમેન્ટ માટેની માહિતી વાલીઓ મેળવી રહ્યા છે. તેમજ હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી વાલીઓ 79279 12966 હેલ્પ લાઇન નંબર પર ફોન કરી માર્ગદર્શન લઈ શકશે.
Read Original Article →