અમદાવાદના રોડ પર ભરઉનાળે પણ ‘ભૂવા’:શહેરમાં 15 દિવસમાં 5 જગ્યાએ ભૂવા પડતા વાહનચાલકોને હાલાકી, ડ્રેનેજ અને પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી રોડ બેસી ગયા

Gujarat5/28/2026, 8:41:40 AM
અમદાવાદના રોડ પર ભરઉનાળે પણ ‘ભૂવા’:શહેરમાં 15 દિવસમાં 5 જગ્યાએ ભૂવા પડતા વાહનચાલકોને હાલાકી, ડ્રેનેજ અને પાણીની લાઈનો વર્ષો જૂની હોવાથી રોડ બેસી ગયા
અમદાવાદમાં રોડની નીચે આવેલી ડ્રેનેજ અને પાણીની લાઈનો હવે ગમે ત્યારે તૂટી જવાના કારણે રોડ બેસી જવાની અને ભૂવા પડવાની ઘટનાઓ વધી રહી છે. સામાન્ય રીતે ચોમાસામાં આવી ઘટનાઓ વધારે બનતી હોય છે, પરંતુ હવે ગમે ત્યારે રોડ પર ભૂવો પડે છે. જેના કારણે થઈને નાગરિકોને હાલાકી પડી રહી છે. શહેરના વાડજ, ખાડિયા, વટવા, સોલા, એસજી હાઈવે સહિતના અલગ અલગ સ્થળોમાં છેલ્લા 15 દિવસમાં 5 જેટલા ભૂવા પડ્યા છે. ડ્રેનેજ લાઈનો વર્ષો જૂની થઈ ગઈ હોવાના પગલે ખવાઈ ગઈ છે અને લાઈન તૂટી જતા રોડ બેસી જવાથી ભુવો પડે છે. વાડજ બ્રિજ પાસે ભૂવો પડતા ડાયવર્જન અપાયું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યાએ ડ્રેનેજ લાઈનના રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાડજ બ્રિજ પાસે ભુવો પડતા રોડ બંધ કરી વાહનચાલકોને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે ગલીઓમાં થઈને વાહનો કાઢવા પડી રહ્યા છે. નવા ફ્લાયઓવર બ્રિજ પાસે મેન હોલ પાસે લાઈન તૂટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લાઈનોને રીપેર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ અનેક જગ્યાએ જૂની લાઈન ખવાઈ ગઈ હોવાના કારણે તૂટી જાય છે. જેથી રોડ બેસી જવાની અને ભૂવો પડવાની ઘટનાઓ બનતી હોય છે. વાડજ વિસ્તારમાં નવો ફ્લાય ઓવરબ્રિજ બની રહ્યો છે જેની બાજુમાં રોડની નીચે ડ્રેનેજ લાઈન આવેલી છે, જે લાઈન જૂની હોવાના કારણે બ્રિજના બાંધકામને અડીને આવેલા મેન હોલ પાસે લાઈન તૂટી ગઈ હોવાથી રોડ બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે તાત્કાલિક ધોરણે રોડને બંધ કરવામાં આવ્યો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે. સોલામાં છેલ્લા 15 દિવસથી 'ભૂવા' રીપેરીંગની કામગીરી શહેરના ખાડિયા વિસ્તારમાં ઝકરીયા મસ્જિદ પાસેના રોડ ઉપર પણ ભુવો પડ્યો છે. રોડ પર ભૂવો પડ્યો હોવાના કારણે થઈને આસપાસમાં બેરીકેડિંગ કરવાની જરૂરિયાત હોય ત્યાં યોગ્ય રીતે બેરીકેડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી અને ખૂબ સાંકડો રોડ છે. જેથી આ રોડ ઉપરથી પસાર થનારા વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભૂવો રીપેરીંગ કરવામાં આવશે ત્યારે આ રોડને બંધ કરવામાં આવશે જેથી લોકોને ફરીને જવું પડશે. એસજી હાઇવે પર સોલા વિસ્તારમાં પણ છેલ્લા 15 દિવસથી ભૂવો રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વટવામાં ક્રેન ભૂવામાં પડી ગઈ હતી શહેરના વટવા વિસ્તારમાં પણ બીબી તળાવ પાસે 20 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો. દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ ભૂવાના રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલા દિવસથી આ કામગીરી ચાલી રહી હતી. ત્યારે આ કામગીરી દરમિયાન એક ક્રેન ભૂવામાં પડી ગઈ હતી. છેલ્લા 20 દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે લોકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે. ભૂવો પડ્યો હોવાના કારણે રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી એક તરફના રોડ પરથી જ લોકોને અવર-જવર કરવી પડી રહી છે.
Read Original Article →