RBIને રૂ. 8.70 કરોડનો ચૂનો લગાવનાર બેંક કર્મચારી ઝડપાયો:ચોરીના પૈસાથી 2 કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી, પત્ની RPFમાં હેડ કોન્સ્ટેબલ
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં RBIની કરન્સી ચેસ્ટમાંથી રૂ. 8.70 કરોડ સગેવગે કરનારા જોઈન્ટ કસ્ટોડીયનને પોલીસ ઝડપી પાડ્યો છે. કરોડો રૂપિયાની ચોરી કર્યા બાદ આરોપીએ અમદાવાદમાં બે કરોડનો બંગલો અને 1.40 કરોડની દુકાન ખરીદી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 2.20 કરોડની રોકડ કબજે કરી છે. આરોપીની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. પૈસાની દેખરેખની જેની જવાબદારી હતી તેને જ ચોરી કરી
અમદાવાદના કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બેંકમાં RBI દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા.બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી. જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. આરોપીએ ભંગારનું કહીને કરોડો રૂપિયાના બોક્સ બહાર કાઢ્યા હતા
બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે.ગત 13 એપ્રિલના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. તે પછી વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો હતો. આરોપી પાસેથી પોલીસે રૂ. 2.20 કરોડની રોકડ કબજે કરી
ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ઝોન 3 એલસીબી સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.આરોપી સોલામાં ઔડાના મકાનમાં રોકાયો હતો. ઔડાના મકાનની નીચે પાર્ક કરેલી આર્ટિકા કારમાંથી પોલીસને 2.20 કરોડ રોકડ પણ મળી આવી હતી જે આરોપીએ ચોરી કરી હતી.આરોપીની ધરપકડ કરીને 2.20 કરોડ,આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ ચોરી કરી હતી.આરોપીએ ભંગારના ખોખાની આડમાં ચોરી કરી રોકડ પોતાના ઘરે લઈ ગયો હતો.જે બાદ 90 દિવસમાં સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જશે તેવું માનીને 90 દિવસ સુધી નોકરી પણ કરી હતી.ચોરીના 90 દિવસ બાદ બહાના બનાવી નોકરી આવવાનું બંધ કરી દીધું હતું. અમદાવાદના ચાંદખેડામાં 3.40 કરોડની કિંમતનો બંગલો અને દુકાન ખરીદી
આરોપીએ ચોરી કરેલી રકમમાંથી ચાંદખેડામાં 2 કરોડની વધુ રકમનો બંગલો ખરીધ્યો હતો.આરોપીએ 1.40 કરોડની દુકાન પણ ખરીદી હતી.આરોપીએ એક છોટા હાથી ખરીદ્યું હતું.આ ઉપરાંત કેટલીક રકમથી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું.આરોપીએ તેની સાથે કામ કરતા વૈશાલી બેનને મકાન લેવા 23 લાખ આપ્યા હતા અને બાદમાં બીજા 5 લાખ એમ કુલ 28 લાખ રૂપિયા આપ્યા હતા. હરસિદ્ધ કડિયારની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ
આરોપીના પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. ફરિયાદ થયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો.જોકે આરોપીને મનાલીમાં જાણ થઈ ગઈ હતી કે, ફરિયાદ થઈ છે અને પોલીસ શોધે છે જેથી બહાનું કાઢીને ત્યાંથી પણ નાસી ગયો હતો.આરોપી સાથે અન્ય બે ઇસમો પણ સંડોવાયેલા છે જે કેશ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે જેમાંથી એક સુલતાન અને બીજો ઝુલ્ફીકાર હતા.બંનેની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આરોપી 15 વર્ષથી બેંક ઓફ બરોડાનો કર્મચારી
આરોપી છેલ્લા 15 વર્ષથી બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતો હતો.વર્ષો નોકરી કર્યા બાદ આરામથી જિંદગી જીવવા આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.આરોપી સાથે તેની પત્ની સંડોવાયેલી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.આરોપી સાથે અન્ય ઇસમો પણ સંડોવાયેલા હોવાની શંકા છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
Read Original Article →