RBIની તિજોરીમાંથી 9 બોક્સ ભરીને 8.70 કરોડની ઉઠાંતરી, CCTV:7 ખોખા ટ્રોલીમાં ગોઠવ્યા અને બીજા બેને ધક્કો મારીને લઈ ગયા, અમદાવાદમાં એ રાત્રે રોકડાનો ખેલ કરી ગયા

Gujarat5/24/2026, 8:34:35 AM
RBIની તિજોરીમાંથી 9 બોક્સ ભરીને 8.70 કરોડની ઉઠાંતરી, CCTV:7 ખોખા ટ્રોલીમાં ગોઠવ્યા અને બીજા બેને ધક્કો મારીને લઈ ગયા, અમદાવાદમાં એ રાત્રે રોકડાનો ખેલ કરી ગયા
અમદાવાદના ગાંધીરોડની બેંક ઓફ બરોડામાં આવેલી RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી મામલે ચોરી કરનાર કસ્ટોડિયનની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદના 13 જાન્યુઆરીના રાતના 9.12 વાગ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ભંગારના ખોખાની આડમાં કરોડો રૂપિયા લઈ જતો કસ્ટોડિયન અને તેના બે સાથીઓ દેખાઈ રહ્યા છે. પોલીસે આરોપીના બે સાથીઓની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. બેંક ઓફ બરોડામાં હરસિદ્ધ કડિયાર કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હતા. લાંબા સમયની નોકરી બાદ વધુ પૈસા કમાવવા અને આરામની જિંદગી જીવવા માટે આરોપીએ RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી કરી હતી. આરોપી પાસેથી 2.20 કરોડ રોકડ મળી આવી છે. CCTVમાં શું શું જોવા મળ્યું? આરોપીએ 13 જાન્યુઆરી 2026ના રાતના સમયે ચોરી કરી હતી જે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવીમાં દેખાય છે તે મુજબ પૈસા ભરેલા ખોખા લઈને આરોપી અને તેના બે સાથીઓ બેન્કમાંથી જઈ રહ્યા છે. આરોપીએ સિકયુરિટી સ્ટાફને ભંગાર વેચવાનો છે કહીને પૈસા બહાર કાઢ્યા હતા. સીસીટીવીમાં આરોપી સાથે સુલતાન અને ઝુલ્ફીકાર પણ સીસીટીવીમાં આરોપીની મદદ કરતા દેખાઈ રહ્યા છે. પોલીસે તેની પણ અટકાયત કરી છે. અન્ય બે આરોપીઓ પાસેથી પણ 50 લાખ મળી આવ્યા છે. 2 કરોડનો બંગલો અને દુકાનો ખરીદ્યા આરોપીએ ચોરીના પૈસાથી ચાંદકેડામાં 2 કરોડનો બંગલો,1.40 કરોડની દુકાન,15 લાખનો છોટા હાથી ટેમ્પો ખરીદ્યો હતો.આરોપીએ સાથે કામ કરતી વૈશાલીને પણ 23 લાખ રૂપિયા મકાન માટે આપ્યા હતા. આ ઉપરાંત આરોપીએ ક્રિપ્ટો કરન્સીમાં પણ 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું.પકડાયેલા અન્ય આરોપીઓ પાસેથી અંદાજિત 40 લાખથી વધુ રકમ મળી આવી છે.પોલીસે દ્વારા આ મામલે વધુ તપાસ કરી બેંકના અન્ય કયા કર્મચારી સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પૈસાની દેખરેખની જેની જવાબદારી હતી તેણે જ ચોરી કરી અમદાવાદના કાલુપુર ગાંધીરોડ બ્રાંચના ચીફ મેનેજર હરીહર દેવ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ બેંકમાં RBI દ્વારા કરન્સી ચેસ્ટ (મોટી તિજોરી) રાખવામાં આવી છે, જ્યાંથી અન્ય બેંકોને જરૂરિયાત મુજબ નાણાં મોકલાય છે. આ કરોડોની રોકડના હિસાબ માટે મુખ્ય કસ્ટોડિયન તરીકે સંજય શર્મા અને જોઈન્ટ કસ્ટોડિયન તરીકે હરસિદ્ધ કડિયાર (રહે. ચાંદખેડા, અમદાવાદ) કાર્યરત હતા.બેંકમાં ઓડિટ કરવાનો સમય આવ્યો અને નવા કસ્ટોડિયનોએ તપાસ કરી ત્યારે રૂપિયા 500ના દરની કુલ 174 રીલ (બંડલો) ઓછી જોવા મળી હતી. જેની કુલ કિંમત 8.70 કરોડ રૂપિયા થતી હતી. આરોપીએ ભંગારનું કહીને કરોડો રૂપિયાના બોક્સ બહાર કાઢ્યા હતા બેંક સત્તાવાળાઓએ તાત્કાલિક સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસતા માલૂમ પડ્યું કે, ગત 13 જાન્યુઆરીના રોજ આરોપી હરસિદ્ધ કડિયાર બેંકમાંથી કેટલાક બોક્સ લઈને બહાર જઈ રહ્યો હતો. તે સમયે તેણે અન્ય સ્ટાફને એવું બહાનું આપ્યું હતું કે, આ બોક્સમાં ભંગાર ભરેલો છે અને તે ભંગાર બહાર ફેંકવા જઈ રહ્યો છે.ગત 13 એપ્રિલના રોજ તેણે ચીફ મેનેજરને તબિયત ખરાબ હોવાનો મેસેજ કરીને એક દિવસની રજા લીધી. તે પછી વધુ 5 દિવસની મેડિકલ લીવ લીધી અને ત્યારબાદ 20 એપ્રિલથી ગાયબ થઈ ગયો હતો. આરોપી પાસેથી પોલીસે રૂ. 2.20 કરોડની રોકડ કબજે કરી ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ઝોન 3 એલસીબી સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે આરોપીને સોલા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.આરોપી સોલામાં ઔડાના મકાનમાં રોકાયો હતો. ઔડાના મકાનની નીચે પાર્ક કરેલી આર્ટિકા કારમાંથી પોલીસને 2.20 કરોડ રોકડ પણ મળી આવી હતી જે આરોપીએ ચોરી કરી હતી.આરોપીની ધરપકડ કરીને 2.20 કરોડ,આર્ટિકા કાર અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ જાન્યુઆરી મહિનામાં જ ચોરી કરી હતી.આરોપીએ ભંગારના ખોખાની આડમાં ચોરી કરી રોકડ પોતાના ઘરે લઈ ગયો હતો.જે બાદ 90 દિવસમાં સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જશે તેવું માનીને 90 દિવસ સુધી નોકરી પણ કરી હતી.ચોરીના 90 દિવસ બાદ બહાના બનાવી નોકરી આવવાનું બંધ કરી દીધું હતું. હરસિદ્ધ કડિયારની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ આરોપીના પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. ફરિયાદ થયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો.જોકે આરોપીને મનાલીમાં જાણ થઈ ગઈ હતી કે, ફરિયાદ થઈ છે અને પોલીસ શોધે છે જેથી બહાનું કાઢીને ત્યાંથી પણ નાસી ગયો હતો.આરોપી સાથે અન્ય બે ઇસમો પણ સંડોવાયેલા છે જે કેશ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે જેમાંથી એક સુલતાન અને બીજો ઝુલ્ફીકાર હતા.બંનેની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આરોપી 15 વર્ષથી બેંક ઓફ બરોડાનો કર્મચારી આરોપી છેલ્લા 15 વર્ષથી બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતો હતો.વર્ષો નોકરી કર્યા બાદ આરામથી જિંદગી જીવવા આરોપીએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.આરોપી સાથે તેની પત્ની સંડોવાયેલી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.આરોપી સાથે અન્ય ઇસમો પણ સંડોવાયેલા હોવાની શંકા છે જેની પોલીસ તપાસ કરી રહી છે.
Read Original Article →