RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ઉચાપતનો મામલો:સહ આરોપી સુલતાન અન્સારીની જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી
અમદાવાદના કાલુપુર પોલીસ મથકે ચાલુ વર્ષે આરોપી હરસિદ્ધ કડીયારા સામે BNSની કલમો અંતર્ગત કેસ નોંધાયો હતો. જેમાં તેને કાલુપુર ખાતે આવેલ RBI ની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની રોકડની ઉચાપત કરી હતી. ગુન્હાની તપાસ કરતા પોલીસે વધુ બે આરોપીઓ સુલતાન અન્સારી અને તેના પિતા જુલ્ફીકાર અન્સારીની ધરપકડ કરી હતી. જે પૈકી સુલતાન અન્સારીએ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નકારી નાખી છે. RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના રોકડની ચોરી કરી હતી
કાલુપુર પોલીસ મથકે નોંધાયેલા કેસ મુજબ આરોપી હર્ષદ કડીયારાએ કાલુપુરની બેંક ઓફ બરોડામાં આવેલ RBIની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડના રોકડની ચોરી કરી હતી. આરોપીઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું હતું અને જાન્યુઆરીથી મે મહિના સુધીમાં આ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. મુખ્ય આરોપી હરસિધ્ધિ કડિયારાએ સહ આરોપીના નામ આપ્યા હતા. જેમાં સુલતાન અન્સારી કરન્સી ચેસ્ટમાં લેબર વર્ક કરતો હતો. પોલીસે CCTV અને આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ એકત્ર કર્યા હતા
ચોરાયેલા રૂપિયાની 14 પેટીમાંથી 13 પેટી આરોપી હરસિદ્ધના ઘરે જ્યારે 1 પેટી સહ આરોપીઓના ઘરે રાખવામાં આવી હતી. જેમાં આશરે 1 કરોડ રૂપિયાનો સમાવેશ થતો હતો. સહ આરોપીએ આ ઉચાપતમાં પોતાનો 60 લાખ રૂપિયાનો ભાગ લીધો હતો. આરોપીઓનો પ્લાન હતો કે, તેઓ રાજકોટ ખાતે 30 કરોડ રૂપિયા મોકલશે. પોલીસે CCTV અને આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ એકત્ર કર્યા હતા. ચાંદખેડામાં દુકાન ખરીદવા પણ 47 કરોડ એક બિલ્ડરને રોકડા આપ્યા
ઉલ્લેખનીય છે કે, પોલીસને તમામ આરોપીઓ પાસેથી ભેગા મળીને આશરે 6 કરોડ જેટલા રૂપિયાની રિકવરી મેળવી ચૂકી છે. જ્યારે 2.59 કરોડ જેટલા રૂપિયાની રિકવરી મેળવવાની બાકી છે. આરોપી હરસિદ્ધ કડિયારાએ બેંકના સિક્યુરિટી ગાર્ડને ઉચાપત કરેલી રકમમાંથી 5 લાખ ઉછીના આપ્યા હતા. પડોશીને મકાન બનાવવા 10 લાખ રૂપિયા આપ્યા હતા. એક દુકાન ગિરવે લઈને ગ્રાહકને 7 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ચાંદખેડામાં દુકાન ખરીદવા પણ 47 કરોડ એક બિલ્ડરને રોકડા આપ્યા હતા. અરજદારનું નામ FIRમાં નથી
સુલતાન અન્સારીના વકીલ દ્વારા જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારનું નામ FIR માં નથી. અરજદાર છેલ્લા 4 વર્ષથી બેંકમાં મજૂરી કામ કરતો હતો અને મુખ્ય આરોપીની સૂચના મુજબ બેંકની રકમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. મુખ્ય આરોપી પકડાતા તેણે માત્ર પોલીસ સમક્ષ અરજદારનું નામ આપ્યું છે. માત્ર સહ-આરોપીના નિવેદનના આધારે તેને ખોટી રીતે સંડોવી દેવાયો છે. આ કેસની તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાથી આરોપીની હાજરીની જરૂર નથી. અરજદાર અને તેના પિતા પાસેથી 60 લાખની રિકવરી મેળવાઈ
સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપીએ સહ-આરોપીઓ સાથે મળીને ઈ-કુબેર કરન્સી ચેસ્ટ પોર્ટલમાં નકલી બેલેન્સ સર્ટિફિકેટ બનાવ્યા હતા અને ખોટી વિગતો રજૂ કરી હતી. આ રીતે અરજદાર સુલતાન અન્સારી અને તેના પિતા ઝુલ્ફીકાર અંસારી અને આરોપી હરસિદ્ધભાઈ અર્જુનભાઈ કડિયારાએ ગુનાહિત કાવતરું રચીને બેંક ઓફ બરોડામાં આવેલ RBI ની કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. CCTV ફૂટેજમાં અરજદાર અને તેના પિતાની સંડોવણી સ્પષ્ટ દેખાય છે. અરજદાર અને તેના પિતા પાસેથી 60 લાખની રિકવરી મેળવાઈ છે,જ્યારે બાકીના 40 લાખ હજુ રિકવર કરવાના બાકી છે. અરજદારના પિતા છેલ્લા 28 વર્ષથી આ બેંકમાં આ કામ કરતા હોવાથી તેમણે બેંક કર્મચારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ આ વિશ્વાસઘાતનો ગંભીર ગુનો આચર્યો છે. આવા ગુનામાં જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જશે. કોર્ટે નોધ્યું હતું કે, અરજદાર સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર ગુનો છે તેને કરોડો રૂપિયાના જાહેર નાણાની ઉચાપત કરી છે કેસની તપાસ મહત્વના તબક્કા ઉપર છે અરજદાર અને તેના પિતા પાસેથી 40 લાખની રકમની રિકવરી બાકી છે ત્યારે અરજદારની જામીન અરજી નકારી દેવામાં આવે છે.
Read Original Article →