અમદાવાદમાં ધોળા દિવસે સાસુ સામે વહુના અપહરણ કેસમાં ઘટસ્ફોટ:સગીરા હતી ત્યારે અપહરણ કરી દુષ્કર્મ કરતા 20 વર્ષની સજા પડી, પેરોલ જમ્પ કરી ફરી ઉપાડી ગયો, પૂર્વ પ્રેમી ઝડપાયો

Gujarat6/5/2026, 11:22:01 AM
અમદાવાદમાં ધોળા દિવસે સાસુ સામે વહુના અપહરણ કેસમાં ઘટસ્ફોટ:સગીરા હતી ત્યારે અપહરણ કરી દુષ્કર્મ કરતા 20 વર્ષની સજા પડી, પેરોલ જમ્પ કરી ફરી ઉપાડી ગયો, પૂર્વ પ્રેમી ઝડપાયો
અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ધોળા દિવસે એક યુવતીનું કારમાં અપહરણ કરી ફરાર થઈ જવાના સનસનાટીભર્યા મામલે સુરતની ઉત્તરાણ પોલીસે બે આરોપી અને યુવતીને સુરત નજીકથી ઝડપી પાડ્યા છે. પકડાયેલો મુખ્ય આરોપી ઘેવરચંદ ગુર્જર પૂર્વ પ્રેમી છે, જેને અગાઉ આ જ યુવતી સગીર વયની હતી, ત્યારે રાજસ્થાનમાંથી અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં 20 વર્ષની સજા થઈ હતી. આ કેસમાં તે પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો અને અમદાવાદ આવીને ફરી યુવતીને ભગાડી ગયો હતો. હાલમાં બંને આરોપીઓને સાબરમતી પોલીસને સોંપવામાં આવ્યા છે, જ્યારે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી અપાઈ છે. મોટેરાથી ક્રેટા કારમાં અપહરણ કરાયું હતું ગત 27 મેના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટેરા નજીકથી એક યુવતીનું ઘેવરચંદ અને તેના અન્ય ત્રણ સાગરીતો દ્વારા ક્રેટા ગાડીમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈ સાબરમતી પોલીસ રાજસ્થાન, હરિયાણા સહિત અન્ય રાજ્યોની પોલીસના સંપર્કમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ સુરત અને મહારાષ્ટ્ર તરફ ગયા છે. આરોપી ઘેવરચંદ અને તેનો મિત્ર યુવતીને લઈને મહારાષ્ટ્રના શિરડીથી સુરત આવ્યા ત્યારે ઉત્તરાણ પોલીસે સફેદ થાર ગાડીમાં તેમને દબોચી લીધા હતા. બળાત્કારના ગુનામાં થઈ હતી 20 વર્ષની સજા ઇન્ચાર્જ એલ-ડિવિઝન એસીપી વાણી દુધાતે જણાવ્યું હતું કે, સુરત પોલીસે ઘેવરચંદ ગુર્જર અને ફિરોઝ કઠત નામના બે આરોપીની ધરપકડ કરી સાબરમતી પોલીસને સોંપ્યા છે. આરોપી ઘેવરચંદ રાજસ્થાનનો વતની છે અને સાતેક વર્ષ પહેલાં તેને આ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી સગીરા હતી, ત્યારે ઘેવરચંદ તેને ભગાડી ગયો હોવાથી રાજસ્થાનના ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો (POCSO) અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પિતાના અવસાન વખતે પેરોલ મેળવી ફરાર થયો જેલમાં એક વર્ષની સજા કાપ્યા બાદ, પિતાનું અવસાન થતાં ઘેવરચંદ પેરોલ ઉપર જેલની બહાર આવ્યો હતો. ત્યારબાદ તે પેરોલ જમ્પ કરી અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તે ફરી ભોગ બનનાર યુવતીના સંપર્કમાં આવ્યો અને તેનું અમદાવાદનું સરનામું મેળવી તેને ભગાડી ગયો હતો. આરોપી વાહન ચોરીનો રીઢો ગુનેગાર છે અને રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં પણ તેની સામે ગુના નોંધાયેલા છે. પૂર્વ પ્રેમીના કારણે યુવતીના પ્રથમ લગ્નમાં આવ્યા હતા છૂટાછેડા ભોગ બનનાર યુવતીના અત્યાર સુધીમાં બે વખત લગ્ન થયા છે. જ્યારે તે 18 વર્ષથી ઓછી ઉંમરની હતી ત્યારે તેના પ્રથમ લગ્ન થયા હતા, પરંતુ તે સમયે ઘેવરચંદ તેને ભગાડી ગયો હોવાથી તેના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ અમદાવાદ ખાતે તેના બીજા લગ્ન કરાવવામાં આવ્યા હતા. હાલમાં સાબરમતી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →